• શિક્ષણ સમિતિના કર્મચારીઓને કાયમી કરવા પૂર્વ સભ્યએ 29 લાખનુ ઉધરાણુ કર્યાના આરોપ

  • કૌભાંડ ખૂલતા 104 કર્મચારીઓના ખાતામા 16 લાખ જમા કરાવી દીધા હોવાનો કર્મચારી સંધના પ્રમુખનો આરોપ

  • કર્મચારીઓને કાયમી કરવાની દરખાસ્ત મેયર પાસે જતા મેયરે નાણાં લીધા હોય તો પરત કરોની ટકોર કરતા મામલો બહાર આવ્યો

  • ગત બોર્ડના એક સભ્યએ વચેટીયા મારફતે ઉધરાણી કરી હોવાની શંકા


રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા કોર્પોરેશનમાં આવાસ કૌભાંડનો મામલો હજી શાંત નથી થયો, તેવામાં પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના જ એક સભ્યએ વર્ગ 4ના કર્મચારીઓને કાયમી કરવા માટે 29 લાખ રૂપિયા ઉઘરાવી કૌભાંડ કર્યા હોવાનો મામલો સામે આવતા હડકંપ મચી જવા પામ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના વર્ગ-4 ના 570 કર્મચારીઓને કાયમી કરવા માટે શિક્ષણ સમિતિના જ ગત બોર્ડના એક સભ્યએ વચેટિયા તરીકે ભૂમિકા નિભાવી કર્મચારીઓ પાસેથી 29 લાખની માતબર રકમ ઉઘરાવી કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. કર્મચારીઓને 30 વર્ષ બાદ પણ કાયમી ના કરતા કર્મચારીઓ હાઇકોર્ટમાં ગયા હતા. બાદમાં હાઈકોર્ટે કર્મચારીઓને નીચલી કોર્ટમાં જવા કહ્યું. જેથી કર્મચારીઓ લેબર કોર્ટમાં ગયા, જ્યાં કોર્ટે વર્ષ 2019માં જે કર્મચારીઓના કામના 720 દિવસ પૂરા થઈ ગયા હોય તેમને કાયમી કરવાનો હુકમ કર્યો. જેથી શિક્ષણ સમિતિએ જૂન 2020માં બોર્ડની બેઠકમાં કર્મચારીઓને કાયમી કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી અને દરખાસ્ત આખરી મંજૂરી માટે પાલિકાની સામાન્ય સભામાં મોકલી આપી હતી. જેમાં ગત બોર્ડના શિક્ષણ સમિતિના એક સભ્યએ 100 થી વધુ કર્મચારીઓ પાસેથી 29 લાખ રૂપિયા ઉઘરાવ્યા અને નાણાં કેટલાક સભ્યોને વહેચી પણ દેવાયા હોવાની માહિતી સામે આવી છે. બાદમાં કર્મચારીઓને કાયમી કરાવી આપવાનો વિશ્વાસ પણ અપાવ્યો. પણ ગત બોર્ડના મેયરને શંકા જતા દરખાસ્ત મંજૂર ના કરી મુલતવી કરી દીધી. પાલિકાના વર્તમાન બોર્ડના મેયરને કર્મચારી મંડળના પ્રમુખ કાયમી કરવાની માંગ સાથે મળવા ગયા, ત્યારે મેયર કેયુર રોકડીયાએ કર્મચારીઓ પાસેથી ઉઘરાવેલા રૂપિયા પહેલા પરત કરવા કહ્યું. બાદમાં કાયમી કરવા વિચારણા કરીશું તેવો જવાબ આપ્યો. 


મેયરની સૂચના બાદ કર્મચારી મંડળના પ્રમુખ નિલેશ રાજે કર્મચારીઓ પાસેથી ઉઘરાવેલા 29 લાખમાંથી 16 લાખ પરત કરી દીધા. જેમાં 104 બેંક ખાતામાં 16 લાખ જમા કરાવ્યા હોવાની રિસિપ્ટ પણ તેમને બતાવી. કર્મચારી મંડળના પ્રમુખ નિલેશ રાજ આજે કર્મચારીઓ સાથે શિક્ષણ સમિતિની ઑફિસ પહોંચ્યા અને સ્પષ્ટતા કરતા કહ્યું કે, હાઇકોર્ટમાં કેસ ચાલતો હોવાથી વકીલની ફી આપવા કર્મચારીઓ પાસેથી રૂપિયા ઉઘરાવ્યા. ગત બોર્ડના કોઈ સભ્યએ કોઈ કર્મચારી પાસેથી રૂપિયા નથી લીધા. સાથે જ તેમને વર્ગ 4 ના હાલમાં કામ કરતા 200 કર્મચારીઓને કાયમી કરવા માંગ કરી. તો અન્ય કર્મચારીઓએ તેમના પ્રમુખની વાતમાં સૂર પુરાવી વકીલની ફી માટે રૂપિયા આપ્યા હોવાનું કહ્યું. સાથે જ કાયમી કરવા માટે આજીજી કરી. 


ભાજપ શાસિત શિક્ષણ સમિતિમાં કર્મચારીને કાયમી કરવા માટે રૂપિયાની લેતીદેતીનો મામલો સામે આવતા કોંગ્રેસે પણ શાસકો પર પ્રહાર કર્યા છે. ગત બોર્ડના શિક્ષણ સમિતિના કોંગ્રેસના સભ્યએ મેયર પર આરોપ લગાવ્યા કે, ભાજપની આંતરિક જૂથબંધીમાં મેયર ભાજપના સભ્યોને જ બદનામ કરી રહ્યા છે. જો કૌભાંડ થયું હોય તો મેયર સાબિત કરી બતાવે. તો કોંગ્રેસ પક્ષના પાલિકાના નેતા અમીબેન રાવતે કહ્યું કે, પારદર્શક વહીવટ કરવામાં ભાજપ નિષ્ફળ નીવડી છે, શિક્ષણ સમિતિમાં રૂપિયાની લેતીદેતી મામલે તટસ્થ તપાસ થવી જોઈએ.


મહત્વની વાત છે કે મેયર કેયુર રોકડીયા પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારને પોતે જ સતત ઉજાગર કરી રહ્યા છે. સાથે જ તમામ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડીને પ્રમાણિક પણે કામ કરી રહ્યા છે, તેમજ તેમના શાસનમાં પાલિકામાં ભ્રષ્ટાચાર નહિ ચલાવી લેવાય તેવો સંદેશો પણ આપી રહ્યાં છે, ત્યારે મેયરની આ ઝુંબેશ ભ્રષ્ટાચારને નાબૂદ કરવામાં કેટલી અસરકારક નીવડશે તે આગામી સમયમાં જ ખબર પડશે.