તુષાર પટેલ/વડોદરાઃ વડોદરા પોલીસે દિલ્હીમાં ધામા નાખીને આંતરરાજ્ય છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. દિલ્હીની એક ટોળકી ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં નોકરીવાંચ્છુકોને નોકરી અપાવવાના બહાને ઓનલાઇન છેતરપિંડી કરતા હતા. અત્યાર સુધી આ ગેંગે કરોડો રૂપિયા પડાવી લીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાની સેજલ નામની યુવતી પાસેથી નોકરીની લાલચ આપીને 19 હજાર રૂપિયા પડાવી લીધા હતા. આ ઘટના બાદ સેજલે પોલીસમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમો આ કંપનીનું લોકેશન ટ્રેસ કરીને દિલ્હીમાં ધામા નાખ્યા હતા. દિલ્હીના વેસ્ટ પટેલ નગર વિસ્તારમાં ચાલતા કોલ સેન્ટર પર દરોડા પાડીને કુલ 11 લોકોની અટકાયત કરી હતી. જેમાં 9 મહિલા બે પુરુષ અને એક જુવેનાઈલની ધરપકડ કરી હતી. તમામને દિલ્હી કોર્ટમાં રજૂ કરીને ટ્રાન્ઝીટ વોરંટથી લાવવાના પ્રયત્નો કર્યા હતા. જોકે કોર્ટે બે મુખ્ય આરોપીને પોલીસને સોંપ્યા હતા અને પોલીસ અમિત અનિલ ગુપ્તા અને રાખી બલવિંદર માથુરને વડોદરા લાવી છે. 


વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની કડક પૂછપરછ કરતા આરોપીએ કબુલ કર્યું કે, ગુજરાતના, રાજસ્થાનમાંથી ઘણા વિદ્યાર્થીઓ પાસેથી આ રીતે છેતરપિંડી કરી છે. આ ગેંગનો મુખ્ય ટાર્ગેટ નોકરી શોધતા યુવાનો બનતા હતા. તેમની પાસેથી ઓનલાઈન ફોર્મ ભરાવીને બેન્કનો ડેટા મેળવી લેતા અને નાણા પેટ્રોલ પંપમાં ટ્રાન્સફર કરતા હતા. ત્યારબાદ પેટ્રોલ પંપમાં 15 ટકા કમિશન આપીને બાકીની રકમ પોતાની પાસે મેળવી લેતા હતા. દિલ્હીમાં કોલ સેન્ટર ચલાવીને આંતરરાજ્ય છેતરપિંડી કરતા હતા. હાલ પોલીસે ઓરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. હજુપણ આ કૌભાંડમાં અન્ય માહિતી સામે આવી શકે છે.