વડોદરા પોલીસે ક્યાં ક્યાં નથી શોધ્યો આ ઠગબાજને, આખરે અહીંથી મળ્યો આ બિલ્ડર
ફરિયાદ નોંધાયા બાદથી જ આરોપી દર્પણ શાહ, તેની પત્ની સહિત તમામ 7 આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જેમાં 2 આરોપીઓએ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા, 3 આરોપીઓની સામે કાર્યવાહી કરવા મામલે કોર્ટે રાહત આપી
રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરા સહિત રાજ્યભરમાં બિલ્ડર લોકો સાથે છેતરપિંડી કરતા હોય તેવા અનેક વખત બનાવો સામે આવે છે, ત્યારે વડોદરાના ક્રિશ રિયલ્ટીના સંચાલક અને સુખધામ રેસીડેન્સીના બિલ્ડર ટોળકીઓએ પણ લોકો સાથે ઠગાઈ કરી. દર્પણ શાહ અને તેની ટોળકી પર 6 જેટલા લોકોના મકાનના રૂપિયા મેળવી દસ્તાવેજ નહીં કરી આપી લોકો સાથે 3.30 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ બે માસ પહેલા વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ હતી.
ફરિયાદ નોંધાયા બાદથી જ આરોપી દર્પણ શાહ, તેની પત્ની સહિત તમામ 7 આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જેમાં 2 આરોપીઓએ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા, 3 આરોપીઓની સામે કાર્યવાહી કરવા મામલે કોર્ટે રાહત આપી, જ્યારે 1 આરોપી હિરેન બક્ષી વિદેશ ભાગી ગયો છે. જ્યારે આરોપી દર્પણ શાહ ફરાર થઈ ગયો હતો. આરોપી દર્પણ શાહને પકડવા ક્રાઈમ બ્રાન્ચની 4 થી વધુ ટીમોએ હૈદરાબાદ, અમદાવાદ, પાવાગઢ, કવાંટ, નસવાડી, છોટાઉદેપુર, ગાંધીનગરમાં જઈ તપાસ કરી પણ ઠગ દર્પણને પકડવામાં પોલીસને સફળતા ન મળી.
આ પણ વાંચો:- GSET 2022 નું નોટિફિકેશન જાહેર, આ તારીખથી શરૂ થશે રજિસ્ટ્રેશન; આ છે લેટેસ્ટ અપડેટ
તાજેતરમાં ઠગ દર્પણએ કોર્ટમાં આગોતરા જામીન માગ્યા પણ કોર્ટે નામંજૂર કરી દીધા. ત્યારબાદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી કે આરોપી અમદાવાદ RTO પાસે એક હોટલમાં રોકાયો હતો. જ્યાં પોલીસે દરોડા પાડી ઠગ દર્પણને દબોચી લીધો. મકાનના નાણાં લઈ દસ્તાવેજ ન કરી આપી લોકો સાથે ઠગાઈના કેસમાં 7 શખ્સો સામે ફરિયાદ નોધાઈ હતી. જેમાં આરોપી દર્પણ શાહ, તેની પત્ની માર્ગી શાહ, હિતેશ મખીજાની, અમિશ પટેલ, મિહિર પટેલ, અતીન શાહ અને હિરેન બક્ષી સામે ફરિયાદ નોધાઇ હતી.
આ પણ વાંચો:- સાદગી અને દિલકશ અદાઓ સાથે આલિયાએ ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ, જુઓ તસવીરો
ઠગ દર્પણ સામે તો પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પણ ત્રણ ફરિયાદ નોધાઇ છે. પોલીસે ઠગ બિલ્ડર દર્પણ શાહને રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કર્યો પણ કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા આરોપી દર્પણ જેલ હવાલે ધકેલાયો. ઠગ દર્પણ શાહ મોટી રાજકીય વગ ધરાવે છે. જેના કારણે તેની બે માસ બાદ ધરપકડ થઈ. ત્યારે પોલીસ હવે દર્પણ શાહની ઠગાઇનો ભોગ બનેલા લોકોને સામે આવી ફરિયાદ નોધાવા માટે અપીલ પણ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube