હાર્દિક દીક્ષિત/વડોદરા : ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે શરાબનો ગેરકાયદે વેપલો કરતા બુટલેગરો પોલીસની નજરથી બચવા અવનવા કિમીયા અપનાવી રહ્યા છે. વડોદરા શહેરમાં પણ કંઈક એવું બન્યું કે, સ્મશાનમાં શરાબનો જથ્થો છુપાડેલો હોવાની માહિતીના આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા રેડમાં હાજર તમામ સ્ટાફના માણસો આશ્ચર્યમાં મુકાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મકકરપુરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે, હદ વિસ્તારમાં દિપક સોનાર નામનો બુટલેગર સ્મશાનમાં વિદેશી શરાબનો જથ્થો છુપાવીને શરાબનો ગેરકાયદે વ્યવસાય કરે છે. જેના આધારે માણેજા રાજ નગર રેલવે ફાટક પાસે આવેલા સ્મશાનમાં જઈ પોલીસે સ્મશાનની બાજુમાં આવેલી જમીનમાં ખાડો ખોદી તપાસ કરતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા.


પોલીસે જમીનમાં ખાડો ખોદતા તેમાંથી શંકાસ્પદ પ્લાસ્ટિકનું ડ્રમ મળી આવ્યું હતું. ડ્રમમાં તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. મહત્વનું છે કે, ગુનેગાર ભલે ગમે એટલો હોશિયાર હોય પરંતુ પોલીસની બાજ નજારથી બચી શકતો નથી ત્યારે સ્મશાનમાં જઈ પોલીસે કરેલી રેડના કારણે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.


મકરપુરા પોલીસે એક લાખ રૂપિયા ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપેલા બુટલેગર દિપક સોનાર અને વોન્ટેડ સુરેશ ઉર્ફે કાણીયો થાપા સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.


થોડા દિવસ અગાઉ પાણી ગેટ પોલીસે વાઘોડિયા રોડ પરથી પસાર થતા કોન્ક્રીટ મિક્સર મશીનમાંથી મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતને નશા મુક્ત બનાવવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે ડ્રાય સ્ટેટ કહેવાતા ગુજરાતમાં નશાનો કારોબાર બંધ થશે કે કેમ એ સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube