વડોદરા બળાત્કાર કેસઃ આરોપી કાનજી મોકરીયાના બે દિવસના રિમાન્ડ મંજૂર
રિમાન્ડ મેળવ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કાનજી મકરીયાને લઈને ગઈ છે. 2 દિવસ સુધી પોલીસ આરોપીને સાથે રાખી આ કેસની તપાસ કરશે.
રવિ અગ્રવાલ, વડોદરાઃ વડોદરાના ચકચારી બળાત્કાર કેસમાં આરોપી કાનજી મોકરીયાના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે પોલીસે આરોપી કાનજી મોકરીયાને આજે કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માંગ કરી હતી. પરંતુ કોર્ટે 1 ઓક્ટોબર સાંજે 4 કલાક સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ મેળવ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કાનજી મકરીયાને લઈને ગઈ છે. 2 દિવસ સુધી પોલીસ આરોપીને સાથે રાખી આ કેસની તપાસ કરશે.
રાજુ ભટ્ટને ભગાડવામાં કાનજી મોકરિયાનો મોટો રોલ
રાજુ ભટ્ટ અને અશોક જૈનને પકડવા માટે વડોદરા પોલીસે તમામ દિશામાં ઘોડા દોડાવ્યા હતા, આખરે રાજુ ભટ્ટને પકડવામાં સફળતા મળી છે. રાજુ ભટ્ટના વકીલનો ફોન વોચમાં હતો અને રાજુ ભટ્ટનું લોકેશન મળ્યું હતું. રાજુ ભટ્ટ પોતાના વકીલને મળીને નીકળ્યો અને પોલીસે તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો છે. 19 સપ્ટેમ્બરે દુષ્કર્મની એફ.આઈ.આર થયા બાદ 20 સપ્ટેમ્બર સુધી રાજુ ભટ્ટ વડોદરામાં જ હતો.
કાનજી મોકરિયા રાજુ ભટ્ટને પોતાની કારમા રણોલી છોડી આવ્યો હતો. ત્યારે પોલીસ કાનજી મોકરિયાને પણ આજે કોર્ટમાં રજૂ કરશે અને તેના રિમાન્ડ માંગશે. કાનજી મોકરિયાએ પોલીસ સમક્ષ મોટો ખુલાસો કર્યો કે, તેણે પીડિતાને 3 લાખ રૂપિયા દયા ભાવનાને કારણે આપ્યા હતા. પીડિતા યુવતી કાનજી મોકરિયાના હાર્મની હોટલમાં 20 દિવસ સુધી રોકાઈ હતી. પીડિતાને પ્રણવ શુક્લ નામના પૂર્વ પત્રકારે પણ મળાવી હોવાનું તેણે પોલીસ સમક્ષ કબૂલ્યુ હતું.
આ પણ વાંચોઃ વડોદરા હાઈ પ્રોફાઈલ રેપ કેસ: આરોપી રાજુ ભટ્ટ જૂનાગઢમાંથી પકડાયો, અશોક જૈન હજુ ફરાર
કોણ છે કાનજી મોકરિયા
વડોદરાના હાઈપ્રોફાઈલ રેપ કેસમાં કાનજી મોકરિયાની ભૂમિકા પણ સામે આવી છે, જે સયાજીગંજમાં આવેલી હાર્મની હોટલનો માલિક છે. રાજુ ભટ્ટ અને પીડિતાની મુલાકાત કાનજી મોકરિયાએ હોટલ હાર્મનીમાં જ કરાવી હતી. હોટલ હાર્મનીના માલિક કાનજી મોકરિયાની ધરપકડ બાદ તેણે પોલીસ સામે તમામ વટાણા વેરી દીધા હતા, અને રાજુ ભટ્ટ પકડાયો હતો. પોલીસે સોમવારે રાત્રે અટકાયત કરી રિમાન્ડ મેળવવાની તજવીજ કરી હતી.
કાનજી મોકરિયા પીડિતાને જરૂરી આર્થિક સહિતની તમામ મદદ પૂરી પાડતો હતો. તે અવારનવાર પીડિતાના નિસર્ગ કોમ્પલેક્ષના ફ્લેટમાં પણ જતો હતો. છ માસ પહેલાં પીડિતાના માતા-પિતા વડોદરા આવ્યા ત્યારે તે પિડીતાની સાથે તેમને મળ્યો હતો અને તે વખતે પણ તમામ વ્યવસ્થા કરી આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube