રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાના એક યુવકનું મિશન તેને ગરીબ બાળકોને મદદ કરવા માટે દોરી ગયુ છે. આજે તે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મફતમાં શિક્ષણ આપીને સેવાની જ્યોત જલાવી રાખી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા અને એમ એસ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી મહેશ અગ્રવાલે તેના ઘરમાં જ મિશન આંબેડકર એજ્યુકેશન નામથી ક્લાસ શરૂ કર્યા છે. જેનું ઉદઘાટન લાભપાંચમના દિવસે અકોટા વિધાનસભાના ધારાસભ્ય સીમાબેન મોહિલે દ્વારા કરાયું છે. ગોત્રી ગાયત્રી સ્કૂલ સામે મહિનગર સોસાયટીના 23 નંબરના મકાનમાં ક્લાસ શરૂ કર્યા છે, જેમાં મહેશે પોતે જ ક્લાસને એવી રીતે ડિઝાઈન કર્યો છે કે, બાળકોને શિક્ષણમાં રસ જાગે. જાતે જ દીવાલો પર ચિત્રો દોર્યા છે. જેથી ક્લાસમાં આવતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોનો ભણવા માટે ઉત્સાહ વધે.


આ પણ વાંચો : ગાંધીનગરમાં તરછોડાયેલો સ્મિત કોનો કુળદીપક બનશે, તેને દત્તક લેવા શરૂ થશે પ્રક્રિયા  


મહેશે માત્ર 21 વર્ષની ઉંમરે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મફતમાં શિક્ષણ મળી રહે તે માટેની નેમ મૂકી છે. જેમાં ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થીઓને મફતમાં ભણાવવામાં આવશે. દરેક સમાજના બાળકો ક્લાસમાં ભણી શકશે. ક્લાસમાં આવતા વિદ્યાર્થીઓને મફતમાં પુસ્તકો, પેન, પેન્સિલ સહિતની વસ્તુઓ પણ આપવામાં આવશે, જેથી કોઈ ગરીબ માતાપિતાના માથે આર્થિક ભારણ ન આવે.


મહેશ અગ્રવાલ કહે છે કે ક્લાસનું નામ મિશન આંબેડકર એજ્યુકેશન એટલા માટે રાખ્યું છે કેમ કે સમાજમાં ઉચનીચની જે ભાવના છે તે દૂર થાય. લોકો જ્ઞાતિવાદ ભૂલી એકબીજાનું માન સન્માન જાળવે. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દરેક બાળકને શિક્ષણની મુહિમ પણ આગળ ધપે તે ઉદ્દેશ્ય છે.


આ પણ વાંચો : નડિયાદ : અનાથ આશ્રમની બહાર તરછોડાયુ બાળક, કોણે માસુમની કરી આવી હાલત? 


હાલમાં ક્લાસમાં 20 નાના બાળકોને મફતમાં ભણાવવામાં આવી રહ્યા છે, જે બાળકોની સંખ્યા આગામી સમયમાં હજી વધશે. મહત્વની વાત છે કે, કોરોના સમયે તગડી ફી વસુલ કરનારી ખાનગી સ્કૂલો અને કલાસના કારણે અમુક માતાપિતાએ પોતાના બાળકોને સરકારી સ્કૂલમાં ભણવા માટે મૂક્યા છે, ત્યારે મહેશ અગ્રવાલ જેવા યુવા આવા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોની વહારે આવ્યો છે અને તેમને મફતમાં સારું શિક્ષણ મળી રહે તે દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે.