રૂપાણી બાદ ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ આવી ગઈ, છતાં વડોદરાના સૂરસાગર તળાવને હજી પણ તાળા વાગેલા છે
વડોદરા પાલિકા (Vadodara Palika) એ શહેરના મધ્યમાં આવેલ સૂરસાગર તળાવનું 35 કરોડના ખર્ચે બ્યુટીફિકેશન કર્યું. તળાવનું દોઢ વર્ષ પહેલાં લોકાર્પણ પણ કરી દેવાયુ. પણ આજદિન સુધી વડોદરાવાસીઓ માટે તળાવના તાળા ખોલવામાં નથી આવ્યા, જેને લઈ લોકોમાં ભારે રોષ છે.
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા પાલિકા (Vadodara Palika) એ શહેરના મધ્યમાં આવેલ સૂરસાગર તળાવનું 35 કરોડના ખર્ચે બ્યુટીફિકેશન કર્યું. તળાવનું દોઢ વર્ષ પહેલાં લોકાર્પણ પણ કરી દેવાયુ. પણ આજદિન સુધી વડોદરાવાસીઓ માટે તળાવના તાળા ખોલવામાં નથી આવ્યા, જેને લઈ લોકોમાં ભારે રોષ છે.
રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ 21 ફેબ્રુઆરી 2020ના રોજ સૂરસાગર તળાવનું લોકાર્પણ કરી વડોદરાવાસીઓ માટે તળાવ ખુલ્લું મૂક્યું હતું, પણ વડોદરા પાલિકાએ છેલ્લા દોઢ વર્ષથી લોકો માટે તળાવ ખુલ્લું મૂક્યું જ નથી. તળાવ પર આજે પણ તાળા મારેલા છે, નાગરિકોને અંદર નથી જવા દેવામાં આવતા. મહત્વની વાત છે કે વડોદરા પાલિકાએ કરેલ તળાવના બ્યુટીફિકેશન કામગીરીમાં ખામી પણ સામે આવી છે, જેમાં તળાવના ફરતે રેલીંગ લગાવી વોક વે બનાવ્યો હતો, જે વોક વે પણ તળાવના પાણીમાં ડૂબી ગયો છે. એટલું જ નહિ તળાવમાં ડ્રેનેજનું ગંદુ પાણી પણ છોડવામાં આવે છે. જેના નિકાલ માટે અલગથી પાલિકાએ ખર્ચ કર્યો પણ તે ખર્ચ પણ માથે પડ્યો છે અને આજે પણ તળાવમાં ડ્રેનેજના ગંદા પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે જળચર જીવોને પણ નુકશાન થઈ રહ્યું છે.
આ પણ વાંચો : ભાજપના સાંસદનો સણસણતો આરોપ, નીતિન પટેલને કારણે સૌની યોજનાનું કામ મોડું થયું
વડોદરાના સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ કહ્યું કે, દોઢ વર્ષ બાદ પણ પાલિકાએ લોકો માટે તળાવના દરવાજા નથી ખુલ્લા મૂક્યા, આગામી સમયમાં તળાવ નહિ ખોલવામાં આવે તો અમે આંદોલન કરીશું.
તો આ મામલે કોંગ્રેસ કોર્પોરેટર બાળુ સુર્વેએ કહ્યું કે, પાલિકાએ લોકોના ટેકસમાંથી રૂપિયા ખર્ચ કરી તળાવનું બ્યુટીફિકેશન કર્યું, તેમ છતાં લોકો માટે જ તળાવ નથી ખોલવામાં આવતું. જે મામલે પાલિકાની સભામાં પણ રજૂઆત કરીશું.
સુરસાગર તળાવ પર પાલિકા અને રાજકારણીઓએ જાણે કબ્જો જમાવી લીધો હોય તેમ તળાવ માત્ર શિવજી કી સવારીના આયોજકો માટે ખોલવામાં આવે છે, તે સમયે પાલિકાને કોઈ વિઘ્ન નથી નડતા. પણ સામાન્ય નાગરિકોના ટેક્સના રૂપિયામાંથી બનાવેલા તળાવ લોકો માટે ખુલ્લું મૂકવા માટે પાલિકાના અધિકારીઓ અને શાસકો અનેક બહાના બતાવી રહ્યા છે.
આ પણ વાંચો : સડીને કીડા પડી ગયા, તીવ્ર ગંધ મારે તેવા ચહેરાની ગુજરાતમાં પહેલીવાર સર્જરી કરાઈ
આ મુદ્દે પૂછતા શહેરના મેયર કેયુર રોકડીયાએ કહ્યું કે કોરોના સંક્રમણ ઓછું થતાં અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા બાદ તળાવ લોકો માટે ખુલ્લું મૂકવા માટે નિર્ણય કરીશું.
કોરોના સંક્રમણ ઓછું થતાં પાલિકાએ શહેરમાં તમામ બાગ બગીચા, સ્વિમિંગ પૂલ સહિત સરકારી ઇમારતો લોકો માટે ખોલી દીધા છે, ત્યારે સુરસાગર તળાવ કેમ ખુલ્લું નથી મૂકવામાં આવતું તે લોકો પૂછી રહ્યા છે, મહત્વની વાત છે કે પાલિકાને માત્ર બ્યુટીફિકેશનના નામે વાહવાહી મેળવવી છે પણ લોકોને સુવિધાનો લાભ આપવામાં રસ નથી તેવું લાગી રહ્યું છે.