વડોદરા: કોરોનાકાળમાં લોકોએ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ તેવા નિવેદનો તમે ઘણીવાર સાંભળ્યા હશે. જ્યાં મોટા મોટા મોલના સંચાલકોને કોવિડ ગાઈડલાઈનના ઉલ્લંઘન બદલ દંડ કરવામાં આવ્યા છે ત્યારે વડોદરામાં એક સામાન્ય ચા વેચનાર શખ્સે લોકોની સેવા કરવા માટે અનેરું બીડુ ઉપાડ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કોઈને કોવિડ ગાઈડલાઈન વિશે જાણવું હોય તો તે લોકોએ આ ટી સ્ટોલની મુલાકાત લેવી જોઈએ. આ છે સાંઈ ટી સ્ટોલ કે જે વડોદરાના માંડવી વિસ્તારમાં હવેલી નજીક આવેલી છે. ચા બનાવનાર આ યુવક છે સપન માછી. કે જેમણે કોરોનાકાળમાં લોકોની સેવા કરવા માટે અનોખું બીડુ ઉપાડ્યું છે. જો તમે આ ટી સ્ટોલ પર ચા પીવા જશો તો તમને આપોઆપ કોવિડ ગાઈડલાઈન જાણવા મળી જશે. આ ટી સ્ટોલ પર ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે છે.


આ સાંઈ ટી સ્ટોલ પર ચાના કપ સાથે તમે માસ્કનો જથ્થો જોવા મળશે. સપન માછી લોકોને ચા તો પીવડાવે છે પણ તેની સાથે સાથે 3 રૂપિયાનું થ્રી લેયર માસ્ક પણ ફ્રી આપે છે. સપનભાઈ અત્યાર સુધી 300થી વધુ લોકોને મફતમાં માસ્કનું વિતરણ કરી ચુક્યા છે. સપનાભાઈ તેમના ટી સ્ટોલ હંમેશા 500 માસ્કનો જથ્થો રાખે છે.


સપના માછી પહેલા પણ તેમની ચા દસ રૂપિયામાં વેચતા હતા અને કોરોનાકાળમાં પણ તેઓ 10 રુપિયામાં જ ચા વેચી રહ્યા છે પણ હવે તેઓ ચા સાથે 3 રુપિયાનું માસ્ક પણ આપે છે. ભલે સપનભાઈને ચાનો ઓછો નફો મળતો હોય પણ તેઓ માને છે કે જો લોકો કોવિડ ગાઈડલાઈનનું પાલન કરતા થઈ જાય તો આપોઆપ સમાજ અને દેશ સુરક્ષિત થઈ જશે.  સપન માછીની આ પહેલને લોકો પણ ખુબ બિરદાવી રહ્યા છે.


સોશિયલ મીડિયા પર લોકો વડોદરાના આ ચા વિક્રેતાની પહેલના ખુબ વખાણ કરી રહ્યા છે અને સાથે સાથે ચા વિક્રેતાનો આભાર પણ માની રહ્યા છે અને શુભેચ્છાઓ આપી રહ્યા છે. સરકાર તો લોકો માટે નિયમો બનાવે છે પણ કોરોનાથી બચવા માટે જનતાની ભાગીદારી એટલી જ જરુરી છે.અને આવામાં સપન માછીની આ ટી સ્ટોલ લોકોને જાગૃત કરવા માટે ઉત્તમ ઉદાહરણ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube