રવિ અગ્રવાલ, વડોદરાઃ પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનો ખર્ચ કરી સુવિધા ઊભી કરવામાં આવે.. વાહવાહી કરી કામનો જશ ખુદ તંત્ર લેવામાં આગળની હરોળમાં આવી જાય. પરંતુ ફોટો સેશન થઈ ગયા બાદ ના તંત્રને જાળવણીની કોઈ ચિંતા છે, કે ના કોઈ અધિકારીઓને. જેનું વરવું ઉદાહરણ સામે આવ્યું છે સંસ્કારી નગરી વડોદરામાં. તો આવો જોઈએ આ ખાસ રિપોર્ટમાં કે કેવી રીતે તંત્રના સંસ્કારી નગરીમાં લાગી ભ્રષ્ટાચારની ઊધઈ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરોડોના ખર્ચે 12 વર્ષ પહેલાં અકોટામાં સયાજીરાવ નગરગૃહ બનાવી બેંક ઓફ બરોડાએ કોર્પોરેશનને ભેટમાં આપ્યું હતું. પરંતુ તેની કોર્પોરેશન તંત્રએ યોગ્ય જાળવણી ન કરતા કરોડો રૂપિયાના ખર્ચ પર પાણી ફરી વળ્યું છે. 12 વર્ષ પહેલાં 7.8 કરોડના ખર્ચે સયાજીરાવ નગરગૃહનું નિર્માણ કર્યું. 1 હજાર લોકોની ક્ષમતા સાથે 60 ફુટ લાંબુ, 40 ફુટ પહોળું છે નગરગૃહ. પરંતુ તંત્રએ જાળવણી ન કરતા 7 વર્ષમાં 4 કરોડોના ખર્ચે રિનોવેશન કરવાનો વારો આવ્યો. 4 કરોડના ખર્ચે રિનોવેશનમાં તંત્રએ સ્ટેજની અવગણના કરી. સ્ટેજમાં તંત્રએ માત્ર પ્લાયના પાટિયાં બદલી સંતોષ માન્યો. સ્ટેજમાં સાગના બદલે પ્લાયના પાટિયાંનો ઉપયોગ કર્યો. જે બાદ 15 હજારનો ખર્ચ કરી ઊધઈની ટ્રીટમેન્ટ કરાવવાનું પણ તંત્રએ ટાળ્યું. જેથી ભ્રષ્ટાચારની ઊધઈ લાગતા આખો સ્ટેજ ખખડધજ બની ગયો છે. તંત્રના પાપે કરોડોના ખર્ચ બાદ પણ ફરી એકવાર રિનોવેશન માટે 18 ફેબ્રુઆરીથી સયાજીરાવ નગરગૃહને બંધ કરવામાં આવશે.


આ પણ વાંચોઃ રાજકોટમાં ડોક્ટરની બેદરકારી, મોતિયાના ઓપરેશન બાદ દર્દીની દ્રષ્ટિ છીનવાઈ


બેદરકારીના લીધે સર્જાયેલ બોટકાંડમાં માસૂમોના ભોગ લીધા બાદ હવે ભ્રષ્ટાચારની ઊધઈથી કોર્પોરેશનની આબરું તાર તાર થઈ ગઈ છે. કોર્પોરેશનના એક બાદ એક કારસ્તાનથી હવે લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે..અને પ્રજાના પૈસાનો આવી રીતે ધુમાડો બંધ કરવાની લોકો માગ કરી રહ્યા છે..


15 હજાર બચાવવાના ચક્કરમાં ફરી કોર્પોરેશન તંત્ર કરોડોનો ખર્ચ કરી બુદ્ધિનું દેવાળું ફૂંકી રહી છે. પરંતુ 18 ફેબ્રુઆરીથી સર સયાજીરાવ નગરગૃહ બંધ થવાનું હોવાથી અનેક કાર્યક્રમ અટકી પડ્યા છે. નગરગૃહ છેલ્લી ઘડીએ બંધ કરાતા કલાકારો પોતાના કાર્યક્રમ રદ કરવા અથવા બીજા સ્થળે ખસેડવા દોડતા થઈ ગયા છે.