જળસંચય માટે વડોદરાની અનોખી પહેલ : વરસાદી પાણી જમીનમાં ઉતરે તે માટે કર્યો ઉત્તમ પ્રયોગ
Vadodara News : વડોદરા મહાનગર પાલિકાએ જળ સંચય માટે નવો પ્રયોગ પ્રયોગ શરૂ કર્યો છે. રોડ સાઈડમાં લગાવવામાં આવતા પેવર બ્લોકમાં વરસાદી પાણી જમીનમાં ઉતરે તે માટે હોલો પેવર બ્લોકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે
Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : રાજ્યના મોટા શહેરોમાં વોલ ટુ વોલ રોડ બનાવવાના કારણે વરસાદનું પાણી જમીનમાં ઉતરવાના બદલે ગટરમાં વહી જાય છે. ત્યારે વડોદરા મહાનગર પાલિકાએ પાણી જમીનમાં ઉતારવા માટે નવો પ્રયોગ શરૂ કર્યો છે. રોડની સાઈડમાં નાખવામાં આવતા પેવર બ્લોકમાં જ્યાં વૃક્ષ હોય તેની આજુ બાજુ 5 બાય 5 મીટરની જગ્યામાં હોલવાળા પેવર બ્લોક નાખવામાં આવી રહ્યા છે. આ પેવર બ્લોકના હોલમાંથી પાણી જમીનમાં ઉતરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રથમ વાર હોલો પેવર બ્લોકનો ઉપયોગ કરાયો છે. માંજલપુરમાં તુલસીધામ ચાર રસ્તાથી જ્યુપિટર ચાર રસ્તા સુધી ચાલતા ગૌરવ પથના રોડના કામમાં હોલો પેવર બ્લોકનો ઉપયોગ કરાયો છે. આ એક ખાસ હોલો પેવર બ્લોક છે. જેનાથી વરસાદી પાણી ભૂગર્ભમાં ઊતરી જશે. જેનાથી ભૂગર્ભમાં જળસ્તર વધશે, ગ્રીનરી પણ વધશે.
હોલો પેવર બ્લોક પર ઘાસ પણ ઉગાડવામાં આવ્યું છે. હવે શહેરના ચારેય ઝોનમાં પાલિકા હવે હોલો પેવર બ્લોકનો ઉપયોગ કરશે. પેવર બ્લોક અને વોલ ટુ વૉલ રોડના કારણે ભૂગર્ભમાં પાણી ન જતાં નાગરિકોએ ફરિયાદ કરી હતી. પાલિકાના સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદારે જણાવ્યુ કે, હોલો પેવર બ્લોકથી ભૂગર્ભ જળસ્તર વધશે, સાથે જગ્યા પણ સુંદર દેખાશે.
કોંક્રિટના જંગલમાં વરસાદનું પાણી વહીને નદી નાળામાં જતું રહે છે. ત્યારે વડોદરાના માંજલપુર વિસ્તારમાં બની રહેલા ગૌરવ પથ રોડ પર હોલો પેવર બ્લોક નાખવામાં આવી રહ્યા છે. હોલો બ્લોકમાં પાણી જમીનમાં ઉતારી શકે તે માટે બ્લોકની નીચે માટી અને ખાતર નાખવામાં આવે છે, જેના કારણે બ્લોકના હોલમાં ઘાસ પણ ઉગાડી શકાય. હોલો બ્લોકના કારણે પાણી જમીન ઉતરશે અને વૃક્ષને પણ પૂરતું પાણી મળશે. આ કામ કરી રહેલી એસ બી પટેલ એજન્સીના માણસો પણ કહી રહ્યા છે કે આ કામ માટે આમારી પસંદગી કરવામાં આવી છે. આ જમીનમાં પાણી ઉતારવાનું પવિત્ર કામ છે. જળ સંચયના ભગીરથ કામની નવી શરૂઆત થઈ છે. હોલો પેવર બ્લોક ફરતે ઘાસ પણ લગાડવામાં આવી રહી છે. જેના લીધે રોડ પર ગ્રીનરી પણ દેખાશે.
વરસાદનું પાણી જમીનમાં ઉતારવું ખૂબ જ જરૂરી છે, ત્યારે વડોદરા મહાનગર પાલિકાએ માંજલપુર વિસ્તારમાં પાયલોટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે, ત્યારબાદ તબક્કા વાર આખા શહેરમાં હોલો પેવર બ્લોક નાખીને વરસાદના પાણીને જમીનમાં ઉતારવાનું કામ કરવામાં આવશે, જેનાથી ભૂગર્ભ જળસ્તરમાં વધારો થશે.