ખરા ઉનાળે વડોદરાના સ્વીમિંગ પુલ બંધ, કોંગ્રેસે કહ્યું-રાજીવ ગાંધી નામથી પુલ હોવાથી તેને શરૂ નથી કરતા
ઉનાળાની મોસમમાં સ્વીમિંગ શીખનારાઓની સંખ્યા વધી જાય છે. ત્યારે વડોદરા પાલિકા સંચાલિત બે સ્વિમિંગ પૂલ વર્ષોથી બંધ હાલતમાં છે, જેની શરૂ કરવાની માંગ હવે ઉઠી
રવિ અગ્રવાલ/વડોદરા :ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે હવે લોકો પાણીમાં પડવાના રસ્તા શોધશે. આવામાં અનેક લોકો સ્વીમીંગ કરવાનુ પસંદ કરે છે. ઉનાળાની મોસમમાં સ્વીમિંગ શીખનારાઓની સંખ્યા વધી જાય છે. ત્યારે વડોદરા પાલિકા સંચાલિત બે સ્વિમિંગ પૂલ વર્ષોથી બંધ હાલતમાં છે, જેની શરૂ કરવાની માંગ હવે ઉઠી છે. શહેરનુ મુખ્ય રાજીવ ગાંધી સ્વીમિંગ પુલ તથા સરદાર બાગ સ્વીમિંગ પુલ ત્રણ વર્ષથી બંધ છે. ત્યારે આ મામલે કોંગ્રસ દ્વારા વિરોધ કરાયો હતો કે, રાજીવ ગાંધીના નામથી સ્વિમિંગ પુલ હોવાથી ભાજપ શાસકો સ્વિમિંગ પુલ શરૂ નથી કરતા.
વડોદરા કોર્પોરેશન સંચાલીત 4 સ્વિમિંગ પુલમાંથી હાલમાં માત્ર 2 જ સ્વિમિંગ પુલ કાર્યરત છે, જ્યારે કે 2 સ્વિમિંગ પુલ બંધ હાલતમાં છે. વાઘોડિયા રોડ પર આવેલા રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ ખાતે કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને કોંગ્રેસ પક્ષના નેતા બંને મુલાકાત માટે પહોંચ્યા હતા. રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ છેલ્લા 6 વર્ષથી બંધ છે, જે આજદિન સુધી ચાલુ નથી થયું. તો શહેરનું અન્ય સરદાર બાગ સ્વિમિંગ પુલ પણ છેલ્લા ત્રણ વર્ષથી બંધ હાલતમાં છે. ત્યારે સ્વિમિંગ પુલ પર કોંગ્રેસ પક્ષના નેતા મુલાકાત લેવા પહોંચે તે પહેલાં જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુલાકાત માટે પહોંચ્યા હતા. તેમણે આગામી બે થી ત્રણ દિવસોમાં સ્વિમિંગ પુલ શરૂ થશે તેવી બાહેધરી આપી છે.
આ પણ વાંચો : ભુવાએ કહ્યું, ‘માતાજી રસ્તો બતાવતા નથી, બધા સૂઈ જશે પછી હું રાત્રે આવું છુ...’
કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવતે કહ્યું કે રાજીવ ગાંધી નામથી સ્વિમિંગ પુલ હોવાથી શાસકો સ્વિમિંગ પુલ શરૂ નથી કરતાં. પણ નામ બદલવું હોય તો નામ બદલીને પણ લોકો માટે સ્વિમિંગ પુલ શરૂ કરો. આવી જ રીતે સરદાર બાગ સ્વિમિંગ પુલ પણ છેલ્લા ત્રણ વર્ષથી બંધ હાલતમાં છે. જેના કારણે જેને સ્વિમિંગ શીખવું છે તે મુશ્કેલીમાં મુકાયા છે. કારેલીબાગ અને લાલબાગ સ્વિમિંગ પુલ ખાતે લોકોનો ઘસારો વધ્યો છે. ત્યારે ઉનાળાની શરૂઆત થતાં જ વર્ષોથી બંધ સ્વિમિંગ પુલ લોકો માટે શરૂ થાય તે ખૂબ જરૂરી બન્યું છે.
બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલે કહ્યુ કે, ટુંક સમયમાં સ્વીમિંગ પુલ શરૂ કરી દેવાશે. કોંગ્રેસને માત્ર રાજનીતિ કરવામાં જ રસ છે.