રવિ અગ્રવાલ/વડોદરા: મહાનગર વડોદરામાં હાલ શહેરીજનો હેરાન-પરેશાન છે. કારણ છે પાલિકા તંત્ર ગોકળગતિથી કામ કરી રહી છે. જે કામ એક મહિનામાં પૂર્ણ થઈ જવું જોઈએ ત્યાં 4થી 5 મહિનાનો સમય લેવાઈ રહ્યો છે. ડ્રેનેજના કામ માટે ખોદેલા રોડથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે. મુખ્યમંત્રીની આ ટકોર પણ માનવા વડોદરા કોર્પોરેશન તૈયાર હોય તેમ લાગતું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી સ્પષ્ટ કહી રહ્યા છે કે આયોજન વગર થતાં વિકાસના કામોથી જનતા હેરાન ન થવી જોઈએ. પહેલા રોડ બનાવવામાં આવે અને ત્યારપછી ડ્રેનેજ માટે તેને તોડી પાડવામાં આવે. કંઈક આવો જ ઘાટ વડોદરામાં જોવા મળી રહ્યો છે. શહેરના આજવા રોડથી ખોડિયાર નગરને જોડતો આ માર્ગ બિસ્માર છે. અને આજકાલનો નહીં છેલ્લા બે વર્ષથી આવી જ સ્થિતિમાં છે. વિચારો કેવી ગોળકગતિથી કામ કરી રહ્યું છે વડોદરાનું કોર્પોરેશન? આવી રીતે જો કામ ચાલે તો શહેરનો વિકાસ નહીં પણ વિનાશ થઈ જાય. આ તુટેલા રોડથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે. 


શું છે સમસ્યા?


  • વડોદરાના આજવા રોડથી ખોડિયાર નગરને જોડતો માર્ગ બિસ્માર 

  • છેલ્લા બે વર્ષથી બિસ્માર સ્થિતિમાં છે રોડ 

  • કેવી ગોળકગતિથી કામ કરી રહ્યું છે વડોદરાનું કોર્પોરેશન?


વિકાસનું કામ કરવું ખોટું નથી. કરવું જ જોઈએ. પરંતુ તે કામ કરવા માટે આયોજન હોવું ખુબ જ જરૂરી છે. 4 કરોડના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે અહીં ગટર અને ડ્રેનેજ લાઈન નાંખવામાં આવી રહી છે. કોર્પોરેશને એસ.કે.મકવાણા નામના કોન્ટ્રાક્ટરને કામ સોંપેલું છે. પરંતુ કોન્ટ્રાક્ટર પોતાની મનમાની ચલાવતા હોય તેમ મંદ ગતિથી કામ કરી રહ્યા છે. જેના કારણે કોર્પોરેશને પાંચ લાખનો દંડ પણ ફટકાર્યો. જો કે દંડ બાદ કોન્ટ્રાક્ટરને શાન થોડી ઠેકાણે આવી છે અને કામમાં ઝડપ લાવ્યા છે. 


આ જે લાઈન નાંખવાનું કામ થઈ રહ્યું છે ત્યાં જ પહેલા 75 લાખના ખર્ચે ડ્રેનેજ લાઈન નખાઈ હતી. પરંતુ લાઈન નખાઈ છતાં પંપથી પાણી ઉલેચવાનો વારો આવ્યો હતો. એટલે કે શહેરીજનોના ટેક્સના પૈસાનો બેજવાબદાર અધિકારીઓએ વેડફાટ કરી નાંખ્યો. 


પોતાના વિસ્તારમાં વિકાસનું કામ થાય અને તે ઝડપી થાય તે જોવાની જવાબદારી જે તે જનપ્રતિનિધિની હોય છે. પરંતુ અહીં ક્યારેય સ્થાનિક કોર્પોરેટર જોવા મળ્યા હોય તેમ લાગતું નથી. જ્યાં ડ્રેનેજ નંખાઈ રહી છે તે જ વિસ્તારમાંથી શહેરના મેયર પિંકી સોની ચૂંટાઈને આવ્યા છે. પ્રજા માટે મત લેવા ઘર ઘર ફરતા જનપ્રતિનિધિ ઝડપી કામ માટે ફરતા પણ નથી. જેના કારણે તો શહેરજનો હેરાન પરેશાન થઈ ગયા છે.