હાર્દિક દીક્ષિત, વડોદરા: કોરોના વાયરસની મહામારી વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનથી પ્રેરાઇને વડોદરા શહેરની બે બાળકીઓએ એક વર્ષ સુધી શોપિંગ નહીં કરવી તેમજ જન્મ દિવસ ન ઉજવવાનો અનોખો સંકલ્પ લઈ પી.એમ કેર ફંડમાં એક લાખ રૂપિયાનું દાન આપ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપનો દેશ કોરોના વાઇરસના કહેરના કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તમામ ઉદ્યોગો બંધ થઈ ગયા છે જેના કારણે મધ્યમ વર્ગના પરિવારોની હાલત કફોડી બની છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના નાગરિકોને જરૂરિયાતમંદ લોકોને પોતે બનતી મદદ કરવા અપીલ કરવામાં આવી છે.


ત્યારે નાગરિકો પણ સરકાર સાથે કદમથી કદમ મિલાવીને સાથ આપી રહયા છે. વડોદરામાં કંઇક અલગ કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં રહેતી બે નાની બાળકીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલથી પ્રેરાઈને પી.એમ કેરમાં એક લાખ રૂપિયાનું દાન કરી અનેક લોકોને પ્રેરણા મળે તેવું ઉત્તમ કામ કર્યું છે.



વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકડાઉની સ્થિતિ અંગે ટીવી પર દેશના નાગરિકોને સંબોધી રહયા હતા ત્યારે વડોદરા શહેરની બે સગી બહેનો દુર્વા ભટ્ટ અને સર્વા ભટ્ટએ વડાપ્રધાનના સંબોધનથી પ્રેરાઈને પોતાની પીગી બેન્કમા બચત કરેલા રૂપિયાથી દેશના નાગરિકોની મદદ કરવાની હઠ પકડી. આ બંને નાની દીકરીઓએ પોતે એક વર્ષ સુધી શોપિંગ નહીં કરે તેમજ જન્મ દિવસની ઉજવણી પણ નહીં કરે તેવો સંકલ્પ પણ લીધો છે.


બંને દીકરીઓના દેશ પ્રત્યેની લાગણી ભાવ જોઈ તેમના માતાપિતા પણ બાળકીઓના આ ઉમદા કાર્યમાં જોડાયા અને અકોટા વિધાનસભાના ધારાસભ્ય સીમાબેન મોહિલેનું માર્ગદર્શન મેળવી વડોદરા જિલ્લા કલેક્ટરને એક લાખનો ચેક અર્પણ કરી દેશના નાગરિકોને સહાયરૂપ બન્યા છે. બાળકોને દેશનુ ભવિષ્ય માનવામાં આવે છે ત્યારે વડોદરાની આ બે બાળકીઓ એ દેશ પર આવેલી આફત સમયે પોતાની સમજણ પ્રમાણે બહુ મોટુ યોગદાન આપ્યુ છે. જે સમાજ માટે મોટુ ઉદાહરણ છે.