જાણો વડોદરાની કોમ્પ્યુટર એન્જિનિયર યુવતી કેમ વેચી રહી સૂપ
વડોદરાની કોમ્પ્યુટર એન્જિનિયર યુવતી માતાને આર્થિક મદદ કરવા અને મોડલીંગ ક્ષેત્રે આગળ વધવા માટે રસ્તા પર બેસી શાકભાજીના સૂપનું વેચાણ કરી રૂપિયા કમાઈ રહી છે. કોમ્પ્યુટર એન્જિનિયર હોવા છતાં યુવતી સૂપનું વેચાણ કરતા લોકોમાં કુતુહલ સર્જાયું છે અને લોકો યુવતી પાસેથી સૂપ ખરીદી પી રહ્યા છે.
રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરાની કોમ્પ્યુટર એન્જિનિયર યુવતી માતાને આર્થિક મદદ કરવા અને મોડલીંગ ક્ષેત્રે આગળ વધવા માટે રસ્તા પર બેસી શાકભાજીના સૂપનું વેચાણ કરી રૂપિયા કમાઈ રહી છે. કોમ્પ્યુટર એન્જિનિયર હોવા છતાં યુવતી સૂપનું વેચાણ કરતા લોકોમાં કુતુહલ સર્જાયું છે અને લોકો યુવતી પાસેથી સૂપ ખરીદી પી રહ્યા છે.
રસ્તા પર બેસી શાકભાજીના સૂપનું વેચાણ કરતી જોવા મળી રહેલી આ સુંદર યુવતીનું નામ કોમલ ઠાકુર છે. કોમલને મોડલીંગ ક્ષેત્રે કારકિર્દી બનાવી છે જેના માટે તેને નાણાંની જરૂર છે. પરંતુ તેના માતા પાસે પુરતા નાણાં ન હોવાથી કોમલે કોઈના સામે હાથ ફેલાવ્યા વગર પોતે જ જાતે મહેનત કરવાનો વિચાર કર્યો. કોમલે કોમ્પ્યુટર એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો છે. તેમ છતાં તે રૂપિયા કમાવવા માટે 8 કલાકની નોકરીના બદલે વડોદરાના કમાટીબાગ સ્થિત વહેલી સવારે વિવિધ શાકભાજીના સૂપનું વેચાણ કરી રહી છે.
કોમલ ઠાકુર રોજ સવારે 4.30 વાગે ઉઠી સરગવો, આદુ, ગાજર, તુલસી અને મિક્ષ વેજીટેબલનું સૂપ બનાવે છે અને સવારે 6.30થી 10 વાગ્યા સુધી કમાટીબાગમાં ચાલવા આવતા મોર્નિગ વોકર્સને સૂપ વેચી રોજના 1000 રૂપિયા કમાઈ રહી છે. આ ઉપરાંત કોમલ લોકલ લેવલે મોડલીંગ કરી થોડાક રૂપિયા પણ કમાઈ લે છે. કોમલ કહે છે કે તેને 5 દિવસ પહેલા જ ધંધો શરૂ કર્યો છે જેમાં લોકોનો સારો સહકાર મળી રહ્યો છે.
કોમલના પિતા તેમનાથી અલગ રહે છે તેની માતા એક ખાનગી જવેલર્સના શો રૂમમાં નોકરી કરી ઘરનું ગુજરાન ચલાવે છે. કોમલ બોલીવુડની અભિનેત્રી કંગના રાણાવતને તેની આદર્શ માને છે. જેથી તેને કંગનાની જેમ હેર સ્ટાઈલ પણ રાખી છે. કોમલ પાસેથી સૂપ પીવા આવતા લોકો તેની કહાની જાણી તેની હિંમત અને મહેનતની પ્રશંસા કરી રહ્યા છે અને કોમલને દરેક યુવાન માટે એક રોલ મોડલ તરીકે ગણી રહ્યા છે.
અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, આ કહેવત કોમલ ઠાકુરના કિસ્સામાં સાચી સાર્થક થઈ રહી છે. કોમલ પોતાના જીવનમાં મોડલીંગના લક્ષ્યાંક સુધી પહોચવા જે રીતે મન લગાવીને મહેનત કરી રહી છે તે ખરેખર દરેક યુવાન માટે પ્રેરણારૂપ બાબત છે.