ઝી બ્યૂરો, વડોદરાઃ નવરાત્રિના તહેવાર પહેલાં જ સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર ગંભીર બીમારીનો ખતરો મંડરાઈ રહ્યો છે. વડોદરામાં ફરી પાછો આવ્યો મ્યુકોરમાઇકોસિસ! છેલ્લા 36 કલાકમાં વધુ બે કેસ નોંધાતા તંત્ર ચિંતાતૂર બન્યું છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, આજે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 72,076 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,435 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા શહેરમાં સોમવારે કોરોનાનો એક જ નવો દર્દી મળી આવ્યો હતો. જોકે આ માટે 2,341 સેમ્પલોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. આ નવો કેસ ફતેપુરા વિસ્તારમાં નોંધાયો હતો. વડોદરા શહેરમાં 34 લોકો હાલમાં ક્વોરન્ટીન છે. જ્યારે એક્ટિવ દર્દીની સંખ્યા 19 છે, જે પૈકી એકની ઓક્સિજન પર સારવાર ચાલી રહી છે. બીજી તરફ મ્યુકોરમાઇકોસિસના વધુ 2 દર્દી નોંધાયા હતા.


વડોદરા શહેરમાં ચાલી રહેલા રસીકરણમાં ફરી એક વખત કેન્દ્ર સરકાર દ્વારા રસીનો જથ્થો પૂરો પાડવામાં આવતા સોમવારે રસીકરણનો આક વધ્યો હતો. સોમવારે કુલ 10,066 લોકોએ રસી મુકાવી હતી જે પૈકી બીજો ડોઝ લેનારની સંખ્યા 7297 નોંધાઇ હતી છેલ્લા ઘણા સમયથી બીજો ડોઝ લેનારની અને તેમાં પણ 18થી 44 લોકોમાં બીજો ડોઝ લેવા ની સંખ્યા વધી રહી છે. સોમવારે આવી જૂથમાં 5092 લોકોએ રસી લીધી હતી. બીજો ડોઝ લેનારની ટકાવારી 55.15 નોંધાઈ હતી, જેના કારણે આગામી નવરાત્રમાં ખેલૈયાઓને અને યુવાધનને કોરોનાના સંક્રમણથી બચાવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો કે અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં પ્રથમ ડોઝ લેનારની સંખ્યા પણ 90 ટકા સુધી પહોંચી નથી.


કુલ રસીકરણ 22,08,132 સોમવારનું રસીકરણ 10,066 પ્રથમ ડોઝ 13,50,360 85.90% બીજો ડોઝ 8,67,086 55.15%


ડેન્ગ્યુના વધુ 34 અને ચિકનગુનિયાના 7 દર્દી મળ્યા:
વડોદરા શહેરમાં વકરતા રોગચાળા વચ્ચે દિવાળીપુરા અને દંતેશ્વર વિસ્તારમાં મલેરિયાના 2 દર્દીઓ નોંધાતાં કુલ આંક 4000ની નજીક પહોંચ્યો છે. સોમવારે શહેરમાં ડેન્ગ્યુના 34 અને ચિકનગુનિયાના વધુ 7 કેસ નોંધાયા છે. સોમવારે એક જ દિવસમાં તાવના 658 કેસ પાલિકાના ચોપડે નોંધાયા હતા. પાલિકાની ટીમોએ કરેલા સર્વેમાં ઝાડા-ઊલટીના 96 કેસ નોંધાયા છે.પાલિકાએ મચ્છરનાં ઉત્પત્તિ સ્થાનનો નાશ કરવા માટે 29 કન્સ્ટ્રક્શન સાઈટ અને 18 હોસ્ટેલમાં ચેકિંગ કર્યું હતું, જે પૈકી 5 કન્સ્ટ્રક્શન સાઈટ અને 2 હોસ્ટેલને નોટિસ આપી સંતોષ માન્યો હતો.


વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,771 કેસ:
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,075 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9677 પશ્ચિમ ઝોનમાં 11,996, ઉત્તર ઝોનમાં 11,794, દક્ષિણ ઝોનમાં 11,802, વડોદરા ગ્રામ્યમાં 26,771 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube