વલસાડ : લોકોને આત્મહત્યા ન કરવાની પ્રેરણા આપનાર યુવતીએ જ ટ્રેનમાં જઈને સ્યૂસાઈડ કર્યું
- વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત ક્વીન ટ્રેનના કોચમા યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી
- ટ્રેન ખાલી થઈ ગયા બાદ યુવતીએ આત્મહત્યા કરી, સફાઈ કામદારોએ રેલવે પોલીસને જાણ કરી
ઊમેશ પટેલ/વલસાડ :વલસાડ રેલવે સ્ટેશન (railway) પર ગત રોજ મોડી રાત્રે અમદાવાદથી આવેલી ગુજરાત ક્વીન ટ્રેનના ડી-12 ના કોચમાં એક યુવતીની ગળે ફાંસો ખાઈ આત્મહત્યા (suicide) કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે.
આ બનાવ અંગે જી.આર.પી પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ, નવસારી ભક્તિ નગર, જલારામ બાપાના મંદિરની બાજુમાં રહેતી 19 વર્ષીય માનસી શીતપ્રસાદ ગુપ્તા વડોદરાની કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. અને સાથે એક સામાજિક સંસ્થામાં ફરજ બજાવતી હતી. પાંચ 5 દિવસ અગાઉ વડોદરાથી નવસારી તેના ઘરે રેહવા માટે આવી હતી. અને ગતરોજ તેણે તેની માતાને જણાવ્યું હતું કે, સંસ્થાના કામ અર્થે મરોલી ખાતે જવાનું છે અને એક દિવસ ત્યાં રોકાયા બાદ પરત આવી જવાનું કહ્યું હતું. આ બાદ બીજા દિવસે માનસીનો મૃતદેહ ગુજરાત ક્વીન ટ્રેનના ડી - 12 નંબરના કોચમાં મળી આવ્યો હતો.
આ પણ વાંચો : pop pop ફટાકડાથી થયુ બાળકનુ મોત, ઊલટીમાં ફટાકડા જોઈને તબીબો પણ ચોંકી ઉઠ્યા
ટ્રેનમાં સામાન મૂકવાની જગ્યાએ માનસીએ દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈ લીધો હતો અને આત્મહત્યા કરી લીધી હતી. ગુજરાત ક્વીન ગાડી મોડી રાત્રે 12.30 વાગ્યાના સુમારે આવી હોવાથી ટ્રેન રાત્રે વલસાડ રેલવે સ્ટેશન પર ખાલી થઇ ગઈ હતી. ત્યાર બાદ ટ્રેનમાં સફાઈ કરવા માટે સફાઈ કામદારો ચઢ્યા હતા. તેમની નજર ગળે ફાંસો ખાધેલી યુવતી પર પડી હતી. સફાઈ કામદારો દ્વારા તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.
જી.આર.પી પોલીસ મથકના પી.એસ.આઈ જે.વી.વ્યાસ અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. એફ.એસ.એલને બોલાવી આગળની તપાસ શરૂ કરી છે. ત્યારે આ બનાવમાં માનસીના પિતા શીતલાપ્રસાદ ગુપ્તાના જણવ્યા મુજબ, માનસી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી અને ધોરણ-10 બોર્ડમાં જિલ્લામા પ્રથમ ક્રમે પાસ થઇ હતી.
એટલુ જ નહિ, માનસી જે સંસ્થામાં માટે કામ કરતી હતી, તેમાં આત્મહત્યા કરનાર લોકો અને વિદ્યાર્થીઓને ખોટા પગલાં નહીં ભરવા અને આત્મહત્યા નહિ કરવા માટે જાગૃત કરવામાં આવે છે. ત્યારે એવુ તો શુ થયુ કે લોકોને આત્મહત્યા ન કરવા પ્રેરણા આપનાર માનસી ખુદ આત્મહત્યા કરવા પ્રેરાઈ હતી. દિવાળીએ જ માનસીએ આવું પગલું ભરી લેતા તેના પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે.