ક્યાં બેસીને ભણવું? ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળ્યું! બાળકો ટેરેસ કે ખુલ્લામાં જ નહીં, આચાર્યની ઓફિસમાં બેસીને ભણવા મજબૂર
વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાના ભડેલી ગામ એટલે દેશના માજી વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ. મોરારજી દેસાઈના ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત બનતા બાળકોએ ખુલ્લામાં ટેરેસ પર અથવા એક સાથે બે ધોરણના બાળકોએ આચાર્યના ઓફિસમાં બેસી અભ્યાસ કરવાનો વાળો આવ્યો છે.
ઉમેશ પટેલ/વલસાડ: સ્કૂલ ચલે હમ..ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત જેવા અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાનો ખર્ચ કરી તમામ બાળકો ને શિક્ષણ મળે તે માટે પ્રયાસ કરવામાં આવે છે. જોકે તેમ છતાં આજે પણ વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં શિક્ષણ ક્ષેત્રે પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. વલસાડ તાલુકાની એક પ્રાથમિક શાળામાં આજે પણ ઓરડાઓના અભાવને કારણે 1 થી 8 ધોરણના બાળકોએ ટેરેસ પર ખુલ્લામાં તથા એક સાથે એક જ ઓરડા અથવા આચાર્યના ઓફિસમાં બે અલગ અલગ ધોરણના બાળકોએ બેસીને અભ્યાસ કરવા મજબૂર થઈ રહ્યા છે. ત્યારે આવો આપને જણાવીએ વલસાડ તાલુકા ખાતે આવેલા ભડેલી ગામના નવાપુરા પ્રાથમિક શાળાના ભૂલકાઓ કેવી પરિસ્થિતિમાં ભણી રહ્યા છે..??
રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં આજે પણ શિક્ષણ ક્ષેત્રે હજુ પણ સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાના ભડેલી ગામ એટલે દેશના માજી વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ. મોરારજી દેસાઈના ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત બનતા બાળકોએ ખુલ્લામાં ટેરેસ પર અથવા એક સાથે બે ધોરણના બાળકોએ આચાર્યના ઓફિસમાં બેસી અભ્યાસ કરવાનો વાળો આવ્યો છે.
નવાપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં 117 જેટલા બાળકો અભ્યાસ કરે છે, ત્યારે શાળામાં 8 ઓરડાઓ પૈકી 2 ઓરડાઓ ચાલુ છે. જેમાં એક આચાર્ય તથા શિક્ષકોની ઓફીસ છે ત્યારે બાળકોએ ખુલ્લામાં ન બેસવું પડે એ માટે આચાર્યના ઓફિસમાં ભણાવવામાં આવે છે. સાથે એક ઓરડામાં બેસાડવામાં આવે છે તો અન્ય ધોરણના બાળકોને ટેરેસ પર બેસાડવામાં આવે છે તો બાળકો વધુ હોવાના કારણે બે બેચમાં બાળકોને બોલાવવામાં આવે છે. સાથે ધોરણ 1 અને 2 , ધોરણ 3 અને 4 ના બાળકોને સાથે બેસાડીને પણ અભ્યાસ કરવામાં આવે છે. નવાપુરા ખાતે આવેલી પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં થતા શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2018માં તોડી પાડવાની મજૂરી આપી દેવામાં આવી હતી.
ઉલ્લેખનીય બાબત એ છે કે શાળા તોડી પાડવાની મંજૂરી આપવામાં આવી છે, પણ નવા મકાનની કોઈ પણ મજૂરી ન મળતા શાળાનું કામ હજુ પણ શરૂ કરાયું નથી. વારંવાર શાળા માટે સ્થાનિકો તથા ગામ પંચાયતના સભ્યો સરપંચ સહિતના લોકો દ્વારા રજુઆત કરવામાં આવી છે. તેમ છતાં સંબંધિત વિભાગ દ્વારા શાળા બનાવવા માટે કોઈ પણ મંજૂરી ન મળતા બાળકોએ વરસાદ હોય ઠંડી હોય કે ગરમી હોય તેવા આચાર્યના ઓફિસમાં અથવા ટેરેસ્ટ પર બેસી ભણવાનો વાળો આવ્યો છે.
સરકાર દર વર્ષે બજેટમાં શિક્ષણ વિભાગ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરે છે. સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં અવનવી યોજનાઓની જાહેરાત કરી અને કરોડો રૂપિયા ખર્ચ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી હોવાની જાહેરાતો કરી અને વાહ-વાહી મેળવવામાં આવે છે. પરંતુ આજે પણ રાજ્યના છેવાડાના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે અને શાળામાં અભાવે બાળકોએ ખુલ્લામાં બેસી અને અભ્યાસ કરવા મજબૂર થવું પડયું છે. ત્યારે સ્કૂલ ચલે હમ..જેવા રૂપકડા નામે અભિયાન ચલાવતી સરકાર હકીકતમાં આવા અભિયાનની સાચી સફળતા માટે સૌ-પ્રથમ જરૂરી એવી સુવિધા ઊભી કરવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે.