તૂટવાની કગાર પર છે વલસાડની આ જેટી, શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની રાહ જોઈ રહ્યું છે?
- વલસાડ જિલ્લાના વલસાડ તાલુકા મગોડ ડુંગરી ગામ ખાતે આવેલ દરિયા કિનારાની જેટી ઘણા સમયથી જર્જરિત બની છે
- શનિવારે લોકો નાના બાળકો તથા પોતાનો જીવ જોખમમાં મૂકી જેટી પર ફોટો શૂટ કરતા નજરે પડ્યા
ઊમેશ પટેલ/વલસાડ :વલસાડના મગોદ ડુંગરી દરિયા કિનારાની જેટી જર્જરિત બની છે. આ જેટી ગમે ત્યારે તૂટી પડશે તેવી સ્થિતિમાં છે. તેમ છતાં લોકો બિન્દાસ અહી આવી સેલ્ફી પડાવી રહ્યાં છે. જર્જરિત થયેલી જેટી પર ભીડ ઉમટી રહી છે, છતાં તંત્રની આંધળી આંખોને કંઈ દેખાતુ નથી. શું વલસાડનું તંત્ર કોઈ મોટી ઘટના બનવાની રાહ જોઈ રહ્યુ છે.
વલસાડ જિલ્લાના વલસાડ તાલુકા મગોડ ડુંગરી ગામ ખાતે આવેલ દરિયા કિનારાની જેટી ઘણા સમયથી જર્જરિત બની જવા પામી છે. તેમ છતાં મોટી સંખ્યા લોકો આ જેટી ઉપર ફોટો શૂટ તથા સેલ્ફીઓ પડાવા માટે જતા હોય છે. આજે શનિવારે લોકો નાના બાળકો તથા પોતાનો જીવ જોખમમાં મૂકી જેટી પર ફોટો શૂટ કરતા નજરે પડ્યા હતા. રજાના દિવસોમાં લોકો અહીં આવી દરિયાની મજા સાથે આ જર્જરિત જેટી ઉપર જતા હોય છે. જેને કારણે આ જર્જરિત જેટી ઉપર કોઈ ઘટના બનવાની ભીતિ સ્થાનિકોને સતાવી રહી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં એકસાથે 77 IAS અધિકારીઓની કરાઈ બદલી
સ્થાનિક લોકોની માંગ ઉઠી છે કે, વહીવટી તંત્ર દ્વારા આ જેટી બંધ કરવામાં આવે. સાથે જ જર્જરિત જેટી તોડી નવી જેટી બનાવવામાં આવે. જો આ જેટી પર કોઈ મોટી દુર્ઘટના બને તો લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવશે.
આ જેટી પર કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ રહેશે. હવામાન વિભાગે બે દિવસ દરિયામાં હાઈટાઈડની આગાહી કરી છે. આવામાં દરિયો તોફાની બનશે. સાથે જ વરસાદની પણ આગાહી કરાઈ છે. વલસાડ તેમજ તેની આસપાસના યુવાનો ફોટોશૂટ કરાવવા અને સેલ્ફી લેવા મગોંદ દરિયા કિનારે ઉમટે છે. હાલ આ જેટી જર્જરિત હાલતમાં છે. છતાં અહી લોકો આવી રહ્યાં છે.