ગૌતસ્કરીમાં વચ્ચે કોઈ પણ આવે તો બિન્દાસ્ત ગાડી ચડાવી દેવાની... ગૌરક્ષકનો જ ગયો જીવ
- ગાયને લઈ જનાર ટેમ્પો ચાલકને સ્પષ્ટ સૂચના હતી કે આ કામગીરી દરમિયાન કોઈ પણ વચ્ચે આવે તો બિન્દાસ્ત ગાડી ચડાવી દેવાની
- જીવને જોખમમાં મૂકી ગૌતસ્કરોનો પીછો કરતા એક ગૌરક્ષકનું મોત નિપજ્યું. મૃતક ગૌરક્ષક વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાના ભત્રીજો હતો
ઉમેશ પટેલ/વલસાડ :વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ગઈ મોડી રાત્રે ગૌ તસ્કારો પકડાયા છે. ત્યારે આ તસ્કરોએ પીછો કરતી પોલીસ અને ગૌરક્ષકોની ટીમ પર ટેમ્પો ચડાવી અને જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેમાં જીવને જોખમમાં મૂકી ગૌતસ્કરોનો પીછો કરતા એક ગૌરક્ષકનું મોત નિપજ્યું હતું. આ બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. મૃતક ગૌરક્ષક હાર્દિક કંસારા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાના ભત્રીજા થાય છે. જેથી સમગ્ર મામલો ગરમાયો હતો.
વલસાડ પોલીસે 10 ગૌ હત્યારા પકડ્યા
બનાવની માહિતી મુજબ, મોડી રાત્રે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ગૌતસ્કરો અને પોલીસ અને ગૌરક્ષકોની ટીમ વચ્ચે ફિલ્મી ઢબે દ્રશ્યો સર્જાયા હતા. જો કે બેફામ બનેલા ગૌતસ્કરોએ ટેમ્પો રોકવા ઉભેલા ગૌરક્ષક પર ગાડી ચલાવી હતી. જેથી તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. ઘટના સ્થળેથી ગૌ તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને ગંભીરતાથી લઇ વલસાડ જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુદ્ધના ધોરણે ફરાર થઈ ગયેલા ગૌતસ્કરોને ઝડપવા તમામ દિશામાં તપાસ તેજ કરી હતી. અંતે વલસાડ પોલીસે 6 થી વધારે ટીમો બનાવી મહારાષ્ટ્રમાંથી 10 આરોપીની ધરપકડ કરી છે.
આ પણ વાંચો : અનાથાશ્રમના પગથિયા પાસે નીરજને પરિવાર તરછોડી ગયો હતો, હવે અમેરિકન દંપતી ઉછેરશે
ગૌ તસ્કરોએ ગૌરક્ષક પર ગાડી ચઢાવી દીધી
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર મોડી રાત્રે ગૌતસ્કરો અને પોલીસની સાથે ગૌરક્ષકોની ટીમ વચ્ચે પકડદાવના ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. જોકે ગૌરક્ષકો અને પોલીસની ટીમે વલસાડના શંકર તળાવ નજીક આવેલ બામખાડીના પુલ પર ઓવર ટેક કરી અને ટેમ્પોને રોકવા ગૌરક્ષકોએ હાઇવે પરથી પસાર થતાં ત્રણ ટ્રકોને થોભાવી આડસ મૂકીને ફરાર થઇ રહેલા ટેમ્પોને રોકવા પ્રયાસ કર્યા હતા. જોકે બેફામ બનેલા ગૌતસ્કરએ ટેમ્પોને રોકવા રોડ પર ઉભેલા ગૌરક્ષક હાર્દિક કંસારા પર ચઢાવી તેનું મોત નિપજાવ્યું હતુ.
આ પણ વાંચો : વડોદરા : લવ જેહાદમાં કાર્યવાહી થતા જ સમીરનો પરિવાર ઘર બંધ કરી ફરાર થયો
ગૌતસ્કરીમાં કોઈ પણ આવે તો ગાડી ચલાવી દેવાનો માસ્ટરપ્લાન
મૃતક ગૌરક્ષક હાર્દિક કંસારા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાના ભત્રીજા થાય છે. આથી સમગ્ર મામલો વધુ ગરમાયો હતો. પોલીસ માટે પડકાર બનેલ આ કિસ્સામાં 10 આરોપીઓના ગેંગની ધરપકડ કરી લેવાઈ છે. ઝડપાયેલ આરોપીની ઉલટતપાસમાં બહાર આવ્યું કે, ગાયને લઈ જનાર ટેમ્પો ચાલકને સ્પષ્ટ સૂચના હતી કે આ કામગીરી દરમિયાન કોઈ પણ વચ્ચે આવે તો બિન્દાસ્ત ગાડી ચડાવી દેવાની. આ મોડસ ઓપરેન્ડી અંતર્ગત ચાલક અસગર ઉર્ફે માંતીયાએ જાણી જોઈને હાર્દિક પર ગાડી ચઢાવી તેનું મોત નિપજાવ્યું હતું. તો ઝડપાયેલ તમામ આરોપીના ભૂતકાળ પણ ગુનાહિત છે.
ઝડપાયેલા આરોપી
- અસગર ઉર્ફે માકીયા
- જાવેદ શેખ
- અલી મુલાદ
- જમીલ
- ખલીલ શેખ
- ધર્મેશ ઉર્ફે ફતા આહીર
- કમલેશ રામા આહિર
- જયેશ આહિર
- હસન
પોતાના જીવના જોખમે અડધી રાત્રે ગૌતસ્કરોનો પીછો કરતા ગૌરક્ષક હાર્દિકનું મોત થતાં સમગ્ર પંથકના ગૌરક્ષકોમાં રોષ વ્યાપી ગયો હતો. બેફામ બનેલા ગૌતસ્કરો અગાઉ પણ રખડતા ગૌવંશને બેરહેમીપૂર્વક ઉઠાવી જવાના બનાવ બન્યા છે. આ દરમિયાન તેમને રોકવાનો પ્રયાસ કરતાં અનેક વખત પોલીસની ટીમ પર પણ વાહનો ચડાવવાનો પ્રયાસ કરી અને જીવલેણ હુમલા પણ બનાવો પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. ત્યારે બેફામ બનેલા ગૌ તસ્કરો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે.