Valsad Lok Sabha Election Result 2024: વલસાડ લોકસભા બેઠક ભાજપે જીતી લીધી છે. ભાજપના ઉમેદવાર ધવલ પટેલને 2 લાખથી વધુ મતોની લીડ મળી છે. આમ, દક્ષિણ ગુજરાતમાં સુરત બાદ નવસારી બેઠક ભાજપને ફાળે જઇ રહી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યુ હતુ અને ભાવનગર તથા ભરૂચ બેઠક પરથી આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે પક્ષ જીત્યો તેની કેન્દ્રમાં બની સરકાર!
કોંગ્રેસની વાત કરીએ તો 1957થી 1977 સુધી કોંગ્રેસની ટિકિટથી નાનુભાઈ પટેલ આ બેઠક જીત્યા હતા. પછી 1980 અને 1984માં કોંગ્રેસના ઉત્તમ પટેલે જીત મેળવી  અને 1989માં જનતાદળના અર્જૂન પટેલ જીત્યા હતા. 1991માં કોંગ્રેસના ઉત્તમ પટેલે જીત મેળવી હતી. 1996થી 1999 સુધી ભાજપના મણીભાઈ ચૌધરી જીત્યા અને 2004થી 2009ની બે ટર્મ કોંગ્રેસના કિશનભાઈ પટેલ સીટ જીત્યા અને પછી 2014નો વારો આવતા ત્યારે મોદી લહેરના પગલે ભાજપના ડો. કે સી પટેલ આ સીટથી જીત્યા. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ ડો. કે સી પટેલે જ મેદાન માર્યું અને સાડા ત્રણ લાખ કરતા વધુ મતોની લીડથી વલસાડ બેઠક જીતી લીધી. 


આ વખતે કોને અપાઈ છે ટિકિટ?
જો કે  આ વખતે ભાજપે ડો. કે સી પટેલને રિપિટ ન કરતા ધવલ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. જેની પાછળ એક મોટી રણનીતિ હોવાનું કહેવાય છે. ભાજપે આ વખતે આદિવાસી નેતા ધવલ પટેલ પર પસંદગી ઉતારી છે. ધવલ પટેલ હાલ રાષ્ટ્રીય આદિજાતિ મોરચાના હોદ્દેદારનો પદભાર સંભાળી રહ્યા છે. ધવલ પટેલ મૂળ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઝરી ગામના છે અને વલસાડમાં સ્થાયી  થયા છે. વર્ષોથી ભાજપમાં આદિજાતિ નેતા તરીકે તેઓ કામગીરી કરી રહ્યા છે. વલસાડની બેઠક મુખ્યત્વે ઢોડિયા પટેલ, દેસાઈ, કોળી પટેલ, કુકણા પટેલ, હળપતિ જેવા જાતિય સમીકરણો ધરાવે છે. વલસાડની બેઠક એ ST માટે અનામત છે. આદિવાસીઓમાં ઢોડિયા અને કુકણા એમ બે પેટા જ્ઞાતિ છે. જો કે આ બંને જ્ઞાતિનું રાજકારણ લોકસભા ટાણે જોવા મળ્યું નથી. 


કોંગ્રેસના કોણ છે ઉમેદવાર
કોંગ્રેસે હાલમાં જ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી જેમાં વલસાડ બેઠક (એસટી)પરથી કોંગ્રેસે અનંતભાઈ પટેલને ટિકિટ આપી છે. તેઓ વાંસદના ધારાસભ્ય છે અને આદિવાસીઓમાં સક્રિય અને મજબૂત નેતાની છબી ધરાવે છે. તેમની લોકપ્રિયતા પણ છે. આમ હવે આ બેઠક પર અનંત પટેલ અને ભાજપના ઉમેદવાર ધવલ પટેલ વચ્ચે ટક્કર જોવા મળશે. 


મોકાણ શું છે?
વાત જાણે એમ છે કે ભાજપે સ્થાનિક સ્તરે જોઈએ તો સંગઠન ભલે મજબૂત કર્યું છે પરંતુ મૂળ નવસારીના એવા ધવલ પટેલને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવતા ભાજપમાં આંતરિક અસંતોષ છે.વલસાડમાં ધવલ પટેલનું રાજકારણ પુરૂ કરવામાં આયાતીનો થપ્પો લગાવીને શરૂઆતમાં જબરદસ્ત રાજકારણ શરૂ થયું હતું.  સ્થાનિકો માટે સાવ અજાણ્યા ઉમેદવાર હોવાની વાતે શરૂ થયેલો વિવાદ ભાજપના આંતરિક ઝઘડાની ફળશ્રુતિ હતી. હવે નવયુવાન નેતા સાંસદ બને તો બાકીના નેતાઓને પોતાનું મહત્વ પૂરું થઈ જવાની બીક છે તેથી અહીં હુંસાતુંસી વધી હતી. વાત એટલે સુધી પહોંચી હતી કે ધવલ પટેલની પણ ટિકિટ બદલાશે પણ ભાજપે વિવાદને ડામી દીધો છે. વલસાડ એ ભાજપનો ગઢ ગણાય છે. કોંગ્રેસ અહીં અનંત પટેલને ઉતાર્યા હોવાથી આ બેઠક પર રસાકસી રહે તેવી સંભાવના છે. 


આ હસ્તીઓ પણ છે વલસાડની!
વલસાડ એ પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈનું હોમ ટાઉન છે. જ્યારે પ્રસિદ્ધ ફિલ્મ અભિનેત્રી નિરુપા રોયની પણ ભૂમિ છે. ભારતના પહેલા ફીલ્ડ માર્શલ સૈમ માણેકશોના પરિવાર અને હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું બાળપણ અહીં વીત્યું હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ પણ અહીં મેળવ્યું હતું.