ઉમેશ પટેલ/વલસાડ :નેતાઓ સામે નતમસ્તક વલસાડ પોલીસે ખુદ પોતાની આબરૂના ભવાડા કર્યા છે. રાજકીય તાયફાઓમાં ચૂપ રહેતી પોલીસને અચાનક શૂરાતન ચઢ્યું હતું. લગ્નમાંથી કાર્યવાહી કરવા ગયેલી પોલીસે નવ દંપતીને હેરાન કર્યું હતું. પોલીસની દબંગાઈને કારણે નવદંપતીને પોલીસ સ્ટેશનમાં જ આખી રાત વિતાવવી પડી હતી. નવ દંપતી સાથે 33 જાનૈયાઓને પણ પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. ત્યારે વલસાડ પોલીસની કાર્યવાહી સામે લોકોમાં ભારોભાર આક્રોશ જોવા મળ્યો છે. કેમ પોલીસે કોઇના લગ્નમાં જઇને પણ રંગમાં ભંગ પાડ્યો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડ શહેરમાં ગઈ મોડીરાત્રે રાત્રિ કરફ્યુ ભંગ બદલ એક વરરાજા અને નવવધૂએ જાન સાથે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં વિતાવવાનો વારો આવ્યો હતો. વલસાડ શહેરના છેવાડે પેટ્રોલિંગમાં રહેલી વલસાડ સિટી પોલીસે લગ્ન કરીન પરત ફરી રહેલી જાનને રાત્રિ કરફ્યુ દરમ્યાન રોકી હતી અને ત્યારબાદ રાત્રિ કરફ્યુ ભંગ બદલ વરરાજા અને નવવધૂને પાનેતરના જોડામાં જ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. સાથે જ જાનમાં સામેલ જાનૈયાઓને પણ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને મામલો ગરમાયો હતો. પોલીસે મોડીરાત્રે વરરાજા અને નવવધુ સહિત જાનૈયા રાત્રિ કરફ્યુ ભંગ બદલ પૂછપરછ સહિતની જરૂરી કાર્યવાહી કરી અને મુક્ત કર્યા હતા.


લગ્ન કરી અને પરત ફરી રહેલી જાનને રોકી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવતા મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. બનાવની વિગત મુજબ વલસાડના અબ્રામા વિસ્તારમાં પટેલ પરિવારમાં લગ્ન પ્રસંગ હતો. આથી આ લગ્ન પ્રસંગ પતાવી અને મોડી રાત્રે જાન ઘરે પરત ફરી રહી હતી. વરરાજા નવવધૂને લઈ અને શણગાર સજેલી કારમાં સાથે પરત ફરી રહ્યા હતા. પરંતુ વલસાડ શહેરમાં રાત્રિ કરફ્યુનો અમલ ચાલી રહ્યો હોવાથી પેટ્રોલિંગમાં રહેલી પોલીસે જાનને રોકી હતી.


રાત્રિ કરફ્યુ ભંગ બદલ વરરાજા અને નવવધુ સહિત જાનને લીલા તોરણે પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે લગ્ન કરી અને પરત ઘરે જઈ રહેલા જાનને રાત્રિ કરફ્યુ ના ભંગ બદલ પોલીસે રોકી અને કાર્યવાહી કરતાં જાનૈયાઓ અને લગ્નના યજમાન પરિવારે નારાજગી વ્યક્ત કરી હતી. આ લગ્ન પ્રસંગ વલસાડ નગરપાલિકાના માજી કોર્પોરેટર રાજુ મરચાના પરિવારમાં લગ્ન પ્રસંગ હતો. આથી પોલીસની કાર્યવાહી દરમિયાન પોલીસે માજી કોર્પોરેટર રાજુ મરચાંની પણ અટકાયત કરી હતી. આથી રાજુ મરચાએ પોલીસની આ કાર્યવાહી વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી.


પરિવારજનોના કહેવા મુજબ જ્યારે સરકારે રાત્રિ કરફ્યુના વલસાડ શહેર વલસાડ સહિત રાજ્યના અન્ય શહેરોમાં કર્ફ્યુની અમલની જાહેરાત કરી આદેશનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. એ અગાઉ બંને પરિવારજનોમાં લગ્નની તારીખ અને સમયે નક્કી થઈ ગયો હતો. અગાઉથી પત્રિકાઓ પણ વહેંચાઈ ચૂકી હતી. જોકે બે દિવસ અગાઉ વલસાડ શહેરમાં પણ રાત્રિ કરફ્યુનો અમલ શરું થઈ ગયેલો હોવાથી અગાઉથી નિર્ધારિત સમય પ્રમાણે પરિવારોએ લગ્ન લીધા હતા. જે સમયસર પૂર્ણ પણ કર્યા હતા. પરંતુ લગ્ન બાદ જાન ઘરે પરત ફરી રહી હતી. આથી  એ વખતે જ રસ્તામાં પોલીસે રોકીને જાનને પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. ત્યારબાદ જરૂરી કાર્યવાહી કરી અને મોડી રાત્રે વરરાજા અને નવવધુ સહિત જાનૈયાઓને મુક્ત કરવામાં આવ્યા હતા.