ઉમેશ પટેલ/સુરત :તમારા બાજુમાં રહેતા પાડોશીઓથી રહેજો સાવધાન. તમારી પાસે કરોડો રૂપિયા હોવાનો વહેમ રાખી પાડોશી તમારું અપહરણ કરી શકે છે. આવો જ કિસ્સો વલસાડ જિલ્લાના નાનાપોંઢાના ખાતે બન્યો હતો. ભગત પાસે કરોડો રૂપિયા હોવાનો વહેમ રાખીને અપહરણનો કારસો રચાયો હતો. અપહરણના ગુનાનો ભેદ વલસાડ જિલ્લા પોલીસે ઉકેલી કાઢ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડ જિલ્લાના નાનાપોંઢા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગત 20 મી સપ્ટેમ્બરના રોજ સવારમાં વાપી નાનાપોંઢા રોડ, કાકડકોપર ખાતે ચાની લારી ઉપરથી કાકડકોપર ગામના રહીશ રીતેશભાઇ ઉર્ફે ભગતનું અપહરણ કરાયુ હતું. એક વગર નંબરની ઇકો કારમાં આવેલ 5 અજાણ્યા ઇસમોએ તેમનું અપહરણ કર્યુ હતું. બાદમાં વાપી તરફ ભાગી ગયા હતા. અપહરણ બાદ ભગત રિતેશને અપહરણ કરનારા બુકાનીધારીઓ તેને ઉમરગામ તાલુકાના કરમબેલા ગામ ખાતે લાવ્યા હતાં. જ્યાં તેને ઢીકામુક્કીનો માર મારી ઇજાગ્રસ્ત કરી ભાગી છૂટ્યા હતાં.


આ પણ વાંચો : અમદાવાદના ગરબામાં ઘૂસી ગયા વિધર્મી યુવકો, હિન્દુ સંગઠનોએ પકડીને માર માર્યો...


રીતેશ ભગતની પત્નીને આ અંગેની જાણ થતા તેમણે નાનાપોઢા પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની જાણ કરાતા જ પોલીસે ચારેતરફ નાકાબંધી કરી તપાસ હાથ ધરી હતી. આજુબાજુના વિસ્તારમાં પોલીસે બાતમીદારોની એલર્ટ કરી શકમંદ ઇસમોની બાતમી મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વલસાડ LCB, SOGની ટીમે બાતમીદારો અને ખાનગી અને સરકારી CCTV ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી હતી. આ કેસમાં રૂપિયાની લાલચમાં આવીને રિતેશનું અપહરણ થયી હોવાનું સામે આવ્યું હતું. રિતેશનું અગાઉ પણ અપહરણ થયું હતું. ત્યારે સમાધાન કરાવવા ગયેલા વ્યક્તિઓ પૈકી 2 વ્યક્તિઓને રૂપિયાની જરૂરત ઉભી થતા રીતેશનું અપહરણ કરવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. 



પોલીસે ચાની લારીની આજુબાજુના CCTV ફુટેજ તથા ટેકનિકલ એનાલિસીસ કર્યા હતા. જેના બાદ પોલીસે આરોપીઓને પકડી પાડ્યા હતા. પોલીસે અપહરણના ગુનામાં સંડોવાયેલ મનીષ માનુભાઈ વડવી (સેલવાસ), પ્રદીપ બાબુભાઈ ગવળી (કપરાડા), અમીત રાજેશભાઈ વારલી (સેલવાસ), જયનેશ ઉર્ફે અંકો શીવભાઇ ભુરકુડ (સેલવાસ) અને મહેશ અમરતભાઇ વારલી (સેલવાસ) ને પકડ્યા છે. તેમની પાસેથી ગુનામાં વપરાયેલ વાહન ઈકો કાર નં DN-09-K-0132 તથા 3 લાખ રૂપિયા રોકડા અને અન્ય મુદ્દામાલ પકડ્યો હતો. 



અપહરણ અંગે આરોપીઓની પુછપરછ કરાતા મોટો ધડાકો થયો હતો. પ્રદીપ ગવળી અને જેનુ અપહરણ થયુ તે રીતેશભાઇ ભગત બંને કપરાડાના રહેવાસી હતી. પ્રદીપે જોયું કે, રીતેશ રોજ મંદીરમાં પુજાપાઠ કરતા અને તેની પાસે બે ફોર વ્હીલર કાર તેમજ રહેવા માટે સારો બંગલો હતો. જેથી તેની પાસે વધારે રૂપિયા વધારે હોવાનુ માની પ્રદીપે તેના અન્ય આરોપીઓ સાથે મળીને તેનુ અપહરણ કરવાનો પ્લાન બનાવ્યો હતો. રીતેશભાઇ ઉર્ફે ભગતનું અપહરણ કરી ડરાવી ધમકાવી ખંડણી માંગવાથી સારા એવા પૈસા મળશે તેવી ટીપ આપી હતી. ત્યાર બાદ આરોપી પ્રદીપ તથા જયનેશે સાથે મળી આયોજન કર્યું હતું અને પ્રદીપે આ રીતેશભાઇ ઉર્ફે ભગત પાસે હાલ દશેક કરોડ રુપિયા હોવાનું જયનેશને જણાવ્યું હતુ. જેથી તમામે ભેગા મળી ભોગ બનનારનું ઇકો કારમાં અપહરણ કરી નંદીગ્રામ ડુંગર પર એક ઝુંપડામાં લઇ ગયા હતા. ત્યાં રીતેશભાઇ ઉર્ફે ભગતને માર મારી ડરાવી ધમકાવીને પૈસાની માંગણી કરી હતી. પરંતુ પૈસાની વ્યવસ્થા ન થતા અને આ રીતેશભાઇ ઉર્ફે ભગતની તબિયત ખરાબ થતા તેઓને વલવાડા બ્રિજ પાસે રોડ પર રાત્રિના સમયે ઉતારી ભાગી ગયા હતા.