`વાંચે ગુજરાત`ના પ્રણેતા મહાદેવભાઈ દેસાઈનું 66 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી નિધન, PM મોદીએ શ્રદ્ધાંજલિ આપી
ગુજરાતમાં વાંચે ગુજરાત કાર્યક્રમ શરૂ કરવામાં જેમનો મહત્વનો ફાળો હતો તેવા મહાદેવભાઈ દેસાઈનું આજે નિધન થયુ છે.
નવસારીઃ ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે વાંચે ગુજરાત અભિયાનની શરૂઆત કરાવી હતી. આ વાંચે ગુજરાત અભિયાનના પ્રણેતા મહાદેવભાઈ દેસાઈ હતા. જેમનું આજે હાર્ટ એટેકને લીધે 66 વર્ષની ઉંમરે નિધન થયુ છે. રાજ્યના શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ તેમના નિધન પર ટ્વીટ કરીને શોક પ્રગટ કર્યો છે.
66 વર્ષની વયે થયું નિધન
નવસારીની સયાજી વૈભવ લાયબ્રેરીના પ્રમુખ તથા તેમના નેજા હેઠળ વાંચન ભણી નવી પેઢીને વાળવા માટે શરૂ કરાયેલી મને ગમતું પુસ્તક શ્રેણી નવસારીથી આગળ વધીને રાજ્ય સ્તરે વાંચે ગુજરાતનો પાયો બનાવનારા આર્કિટેક મહાદેવભાઇ દેસાઇનું આજે 66 વર્ષની વયે નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર 2 દિવસ પછી કરવામાં આવશે.
જિતુ વાઘાણીએ આપી શ્રદ્ધાંજલિ
રાજ્યના શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ ટ્વીટ કરીને મહાદેવભાઈ દેસાઈને શ્રદ્ધાંજલિ આપી છે. પોતાના ટ્વીટમાં જિતુ વાઘાણીએ લખ્યુ કે, 'સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સદાય અગ્રેસર રહેનારા અને “વાંચે ગુજરાત” અભિયાનને સફળ બનાવનારા શ્રી મહાદેવભાઈ દેસાઈ ના નિધનના સમાચારથી દુઃખની લાગણી અનુભવું છું. પરમાત્મા સદગતના આત્માને શાંતિ અર્પે અને તેમના પરિજનો ને આ આઘાત સહન કરવાની શક્તિ અર્પે તેજ પ્રાર્થના.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube