• કોવડ-19 દરમિયાન વિવિધ દેશોમાં ફસાયેલા ગુજરાતીઓને વતન પરત લાવવા ‘વંદે ભારત મિશન’ હાથ ધરવામાં આવ્યું

  • ‘ઓપરેશન ગંગા’ હેઠળ યુક્રેનમાં સર્જાયેલી ભયંકર યુદ્ધની પરિસ્થિતિમાંથી 1386 ગુજરાતી વિદ્યાર્થીઓને ઉગારી લેવામાં આવ્યા

  • સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓ માટે ‘ઓપરેશન કાવેરી’, તો ઇઝરાયેલમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા માટે ‘ઓપરેશન અજય’ 


ગાંધીનગર : બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલન ફાટી નીકળતા હાલ હિંસાનો માહોલ સર્જાયો છે અને અનેક લોકોના મોત પણ થયા છે. આવા તોફાની માહોલ દરમિયાન બાંગ્લાદેશમાં ફસાયેલા ગુજરાતના 14 વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશન હેઠળ સહીસલામત ગુજરાત પરત લાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે વિદેશ મંત્રાલય સાથે મળીને હાથ ધરેલા તાત્કાલિક સંકલનના પરિણામે MBBSના અભ્યાસ માટે ગયેલા 14 વિદ્યાર્થીઓ હેમખેમ પરિવાર પાસે પરત ફર્યા છે.
 
ગુજરાતમાંથી ભણતર તેમજ રોજગાર અર્થે વિદેશોમાં જતા નાગરિકોની સલામતીની ચિંતા હંમેશાં કેન્દ્ર અને રાજ્ય સરકારે કરી છે. બાંગ્લાદેશ ઉપરાંત, વિવિધ કુદરતી અને માનવસર્જિત આફતો દરમિયાન વિદેશોમાં ફસાયેલા ગુજરાતના નાગરિકો અને વિદ્યાર્થીઓને સહીસલાત ગુજરાત પરત લાવવા માટે વિવિધ ઓપરેશન્સ ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે, જેના પરિણામે કોરોના મહામારીના સમયથી માંડીને આજ દિન સુધીમાં લગભગ 4,92,701 ગુજરાતી નાગરિકોને વિવિધ દેશોમાં સર્જાયેલી સમસ્યાઓની વચ્ચેથી બહાર કાઢીને સહીસલામત ગુજરાત પરત લાવવામાં આવ્યા છે.
 
કોવિડ-19ની કપરી પરિસ્થિતિ દરમિયાન 4.90 લાખથી વધુ ગુજરાતીઓની વતન વાપસી-
કોવિડ-19 મહામારી દરમિયાન વિશ્વભરમાં લોકડાઉન જાહેર થયું હતું, જેના કારણે વિશ્વના વિવિધ દેશોમાં ભારતીયો ફસાઈ ગયા હતા. તે સમયે વિશ્વભરમાં ફસાયેલા ભારતીયોને ખાસ ઇવેક્યુએશન ફ્લાઇટ્સ દ્વારા વતન પરત લાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ભારત સરકારના વિદેશી બાબતોના મંત્રાલય દ્વારા ‘વંદે ભારત મિશન’ હાથ ધરવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મિશન હેઠળ વિદેશોમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ઠોસ પગલાં લેવામાં આવ્યા હતા. વંદે ભારત મિશનની કામગીરીને સફળતાપૂર્વક પાર પાડવા માટે ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ, ગુજરાત એરપોર્ટ પોલીસ, ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર નિગમ, જિલ્લા પંચાયત અમદાવાદ, સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા આરોગ્ય વિભાગે સાથે મળીને કામ કર્યું હતું. પરિણામસ્વરૂપે, કોવિડ-19ના સમયગાળા દરમિયાન વંદે ભારત મિશન હેઠળ કુલ 4,90,701 ગુજરાતી નાગરિકોને ગુજરાત પરત લાવવામાં આવ્યા હતા. 


આ ઉપરાંત, 11 જૂન, 2020ના રોજ આઇએનએસ શાર્દુલ નામક જહાજમાં 233 ગુજરાતી માછીમારોને પોરબંદરના બંદર પહોંચાડવામાં આવ્યા હતા. તેમને પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઊભા કરવામાં આવેલા જિલ્લા સરકારી ક્વોરન્ટીન સેન્ટર ખાતે ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કોરોનાના સમય દરમિયાન 42 જેટલા ગુજરાતીઓ પાકિસ્તાનમાંથી વાઘા બોર્ડરથી પરત આવ્યા હતા. 


‘ઓપરેશન ગંગા’ થકી યુક્રેનથી પરત આવ્યા 1386 બિન-નિવાસી ગુજરાતીઓ-
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે યુક્રેનમાં ઘણી તંગ પરિસ્થિતિઓ સર્જાઈ છે. જેના કારણે, યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલા ગુજરાતી વિદ્યાર્થીઓની સલામતી જોખમાઈ છે. જોકે આ સમયમાં ગુજરાત સરકાર તેમની પડખે અડીખમ ઊભી છે. ગુજરાત સરકારના એનઆરઆઇ પ્રભાગ હેઠળ કાર્યરત ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન દ્વારા યુક્રેનમાં ફસાયેલા ગુજરાતીઓને મદદરૂપ થવા માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી યુક્રેનમાં ફસાયેલા ગુજરાતીઓની માહિતી વિદેશ મંત્રાલય અને યુક્રેન સ્થિત ભારતની એલચી કચેરીને મોકલવામાં આવી છે. 


આ સાથે જ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા’ શરૂ કરવામાં આવ્યું છે, જે હેઠળ યુક્રેન ભણવા ગયેલા 1386 બિન-નિવાસી ગુજરાતીઓને રાજ્યમાં પરત લાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગુજરાત સરકારના ક્લાસ-1 અધિકારીઓ રાજ્યના તમામ જિલ્લાઓમાં યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોને રૂબરૂ મળે છે, અને તેમને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીઓથી વાકેફ પણ કરે છે. 


સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓની વહારે આવ્યું ‘ઓપરેશન કાવેરી’, ઇઝરાયેલમાં ફસાયેલા ગુજરાતીઓ માટે ‘ઓપરેશન અજય’
સુદાનમાં અર્ધલશ્કરી દળો અને સૈન્ય વચ્ચે ચાલી રહેલા આંતરિક યુદ્ધને કારણે અનેક ભારતીયો સુદાનમાં ફસાયા છે. સુદાનમાં ફસાયેલા નાગરિકોને સ્વદેશ પરત લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વિદેશ મંત્રાલય દ્વારા ‘ઓપરેશન કાવેરી’ હાથ ધરવામાં આવ્યું. સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યકક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે. ઓપરેશન કાવેરી હેઠળ 569 બિન- નિવાસી ગુજરાતીઓને ગુજરાત પરત લાવવામાં આવ્યા છે. 


ઇઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ધના કારણે ઇઝરાયેલમાં પણ ભારતના અનેક નાગરિકો ફસાયા છે, જેમને સ્વદેશ પરત લાવવા માટે ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા ‘ઓપરેશન અજય’ હાથ ધરવામાં આવ્યું છે. ઓપરેશન અજય હેઠળ અત્યારસુધીમાં 30 બિન-નિવાસી ગુજરાતીઓને સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે.