ટોટકા કરવામાં પરિવારે 9 વર્ષની દીકરી ગુમાવી, નાનકડા ઘરમાં મરચાંનો ધુમાડો કર્યો અને આખો પરિવાર બેભાન
superstition : વાપીમાં અંધશ્રદ્ધાએ લીધો બાળકીનો ભોગ...નજર ઉતારવા ઘરમાં ધુમાડો કર્યા બાદ ગૂંગળામણથી લોકો થયા બેભાન..પાંચ સભ્યોમાંથી બાળકીનું મૃત્યુ, અન્ય સારવારમાં..
Vapi News નિલેશ જોશી/વાપી : ઔદ્યોગિક નગરી વાપીના છેવાડે આવેલા શૂલપડ વિસ્તારમાં એક પરિવારના ઘરમાં ગૂંગળાઈ જવાના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. હકીકતમાં પરિવારમાં બીમારી દૂર કરવા અંધશ્રદ્ધાનો સહારો લઇ મરચાં સહિત અન્ય મસાલાનો ધુમાડો કરી ટોટકુ કર્યું હતું. આ અંધશ્રદ્ધામાં પરિવારની એક બાળકીનો ભોગ લેવાયો હતો. જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યો સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે.
વાપીના સુલપડ વિસ્તારમાં રહેતા મૂળ બિહારમાં પતિ પત્ની અને નવ વર્ષની દીકરી સહિતનો પરિવાર એક નાની રૂમમાં રહેતા હતા. આ પરિવારના પતિ પત્ની છેલ્લા કેટલાક દિવસથી બીમાર રહેતા હતા. આખો પરિવાર એક નાના ઘરમાં રહેતો હતો. જેમાં હવા ઉજાસનો અન્ય કોઈ સુવિધા ન હતી. આ નાના ઘરમાં મરચાં અને અન્ય મસાલાનો ધુમાડો કર્યો હતો અને ત્યારબાદ ઘરનું બારણું બંધ કરી દીધું હતું. આમ ઘરમાં અન્ય કોઈ હવા ઉજાસની સુવિધા નહી હોવાથી આખો પરિવાર બેહોશ થઈ ગયો હતો. જોકે વાપીમાં જ રહેતા તેમના એક સ્વજને પરિવારનો સંપર્ક કરવા પ્રયાસ કરતા તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો. આથી તે સ્વજને તેમના પરિવારના પડોશીને જાણ કરી હતી. આથી પડોશીએ ઘરમાં જોતા આખો પરિવાર બેહોશ દેખાયો હતો. આથી તાત્કાલિક તેમને સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન પરિવારની 9 વર્ષીય બાળકીનું કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે પરિવારના ચાર સભ્યોને ગંભીર હાલતમાં વાપીની હરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ભાજપને 156 બેઠકો અપાવનાર સુપર 16 ક્યાં? સત્તાની સાઠમારીમાં એકબીજાના પગ કાપ્યા
બનાવની જાણ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાનું કારણ જાણવા વાપી ટાઉન પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસથી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે પતિ પત્ની બીમારી દૂર કરવા અંધશ્રદ્ધાનો સહારો લીધો હતો અને અંધશ્રદ્ધાથી પ્રેરાઈ અને મરચાં અને અન્ય મસાલાનો ધુમાડો કરી અને ઘરનું બારણું બંધ કરી દીધું હતું. તમામ સભ્યો આ ધુમાડામાં ઘરની અંદર જ હતા.
વડોદરામાં આંતરિક જૂથવાદનો સળવળાટ, પૂર્વ મહિલા ધારાસભ્યની પોસ્ટથી શરૂ થયો ગણગણાટ
આમ બીમારી દૂર કરવા અંધશ્રદ્ધાનો સહારો લઇ અને કરેલા ટોટકામાં પરિવારની નવ વર્ષીય માસુમ બાળકીનો ભોગ લેવાયો હતો. જ્યારે અન્ય સભ્યો અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. જોકે તેમની તબિયત અત્યારે સ્થિર છે. આ મામલે હવે વાપી ટાઉન પોલીસે જરૂરી તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.
આજના આધુનિક યુગમાં પણ કેટલાક લોકો અંધશ્રદ્ધાથી પ્રેરાઈ અને આવા ટોટકા કરતા હોય છે. આથી ક્યારેક આવા અંધશ્રદ્ધામાં કરેલા ટોટકાઓ જોખમી સાબિત થઈ શકે છે અને જીવ ખોવાનો પણ વારો આવી શકે છે. ત્યારે વાપીમાં પણ બીમારી દૂર કરવા આ પરિવારને અંધશ્રદ્ધાથી પ્રેરાઇ કરેલું ટોટકું જીવલેણ સાબિત થયું અને પરિવારની હસતી ખેલતી માસુમ બાળકીનો ભોગ લેવાયો હતો.
સુરેન્દ્રનગરમાં પુલ ધરાશાયી થયા બાદ પણ તંત્ર ઊંઘમાં, 12 કલાક બાદ હવે અધિકારીઓ ફરક્યા