કોરોનાકાળમાં સમાજે કરી 40 દીકરીઓના લગ્નની ચિંતા, દરેકના આંગણે કરાવ્યું સમૂહ લગ્ન
- કોરોના મહામારીના કારણે આ વર્ષે સમૂહલગ્ન કોઈ જગ્યાએ થઈ શકે તેમ નથી. જેથી કરીને મધ્યમ વર્ગના પરિવારોને તેમના દીકરા દીકરીના લગ્નની ચિંતા હતી.
- આ કપરા સમયમાં પણ રસ્તો કાઢીને મોરબીમાં વરીયા પ્રજાપતિ સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા સૌના ઘરે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું
હિમાંશુ ભટ્ટ/મોરબી :હાલમાં કોરોનાના લીધે લગ્ન સમારોહ પણ માંડ માંડ યોજાઈ રહ્યાં છે, ત્યાં સમૂહ લગ્નના આયોજનનો તો વિચાર પણ થઈ શકે તેમ નથી. ત્યારે મોરબીમાં વરીયા પ્રજાપતિ સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા સમૂહલગ્નનું અનોખુ આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાને ધ્યાનમાં રાખીને આ સમૂહ લગ્નોત્સવનો આયોજન કરાયું હતું. સમૂહ લગ્નનું આયોજન દરેક દીકરીના ઘરે ઘરે કરવામાં આવ્યું હતું. વરીયા પ્રજાપતિ સમાજના આ ૩૪માં સમૂહ લગ્નમાં આજે એકી સાથે એક જ સમયે 40 દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા હતા. તેના માટે દરેક દીકરીઓને સમાજના દાતાઓ તરફથી કરિયાવર આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : રાજકોટમાં સિંહના આંટાફેરા, video વાયરલ થતા ગભરાયા લોકો
સમૂહ લગ્નમાં 40 કપલ પરણ્યા
કોરોના મહામારીના કારણે આ વર્ષે સમૂહલગ્ન કોઈ જગ્યાએ થઈ શકે તેમ નથી. જેથી કરીને મધ્યમ વર્ગના પરિવારોને તેમના દીકરા દીકરીના લગ્નની ચિંતા હતી. જો કે આ કપરા સમયમાં પણ રસ્તો કાઢીને મોરબીમાં વરીયા પ્રજાપતિ સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા સૌના ઘરે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. વરીયા પ્રજાપતિ સમાજના ૪૦ જેટલા યુગલો પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ તકે સમૂહલગ્નના આયોજકો અને સમાજના અગ્રણીઓ દ્વારા કન્યાઓને વરીયા માતાજી ફોટાવાળા ચાંદીના સિક્કા, સોનાના દાગીના સહીત 75 વસ્તુઓ કરિયાવરમાં ભેટમાં આપવામાં આવી હતી.
આ પણ વાંચો : 300 લોકોએ અમદાવાદમાં કોવેક્સીનની ટ્રાયલ લીધી, રોજ 50 ઈન્ક્વાયરી આવે છે
સમૂહ લગ્ન યોજીને પરિવારની ચિંતા દૂર કરી
ઉલેખનીય છે કે, કોરોનાના લીધે છ મહિના સુધી લોકોના ધંધા રોજગાર બંધ હતા. જેથી કરીને લગ્નમાં દીકરીઓને શું આપવું અને કેવી રીતે લગ્ન પ્રસંગ યોજવો તે ચિંતાનો વિષય હતો. તેવા સમયે મોરબી પંથકમાં અગાઉ ટંકારા તાલુકામાં પાટીદાર સમાજ દ્વારા અને હાલમાં મોરબીમાં વરીયા પ્રજાપતિ સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા સૌના ઘરે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી દીકરીઓના પરિવારજનોને કપરા સમયમાં મોટી રાહત થઈ છે. છે આ આયોજનને સફળ બનાવવા માટે વરીયા પ્રજાપતિ સમાજના સમૂહલગ્ન સમિતિના પ્રમુખ ગોકળભાઈ ભોરણીયા, ઉપપ્રમુખ પ્રવિણભાઇ વારનેશીયા, પંકજભાઇ વારનેશીયા, નાથાભાઇ સવાડીયા, કાન્તીલાલ કણસાગરા સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube