ગાંધીનગરમાં વસંતોત્સવ 2022નો રંગારંગ પ્રારંભ, હર્ષ સંઘવી અને ઋષિકેશ પટેલે કર્યુ ઉદ્ઘાટન
વસંતોત્સવ – ૨૦૨૨ને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષા બેન સુથારના હસ્તે ખુલ્લો મુકાયો.
ગાંધીનગર : વસંતોત્સવ ર૦૨૨ને આજે આરોગ્ય અને પરિવાર મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય અને પરિવાર રાજ્ય મંત્રી નિમિષા બેન સુથારના હસ્તે દીપ પ્રાગટય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
વસંતોત્સવમાં આપણાં પારંપરીક અને વિસરાતા લોકનૃત્યો રજૂ કરવામાં આવે છે. દરરોજ રજૂ કરવામાં આવતી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓમાં તા. 15મી માર્ચ, 2022ના રોજ જાણીતા નૃત્યાંગના બીજલબેન હરીયા દ્વારા ગણેશ વંદના, સુરતનાં અમીબહેન પટેલ અને તેમના વૃંદ દ્વારા ટીપ્પણી નૃત્ય, સુરતનાં અન્ય એક કલાવૃંદ સપ્તધ્વની દ્વારા અર્વાચીન ગરબો, છત્તીસગઢ રાજ્યનાં લોક કલાકારો દ્વારા પ્રાદેશીક પંથી નૃત્ય, શિનોરનાં આદિજાતી ગૃપ દ્વારા મેવાસી નૃત્ય, તથા બનાસકાંઠાના લોક કલાકારો દ્વારા ઢોલ નૃત્ય, રજુ કરવામાં આવશે. જ્યારે ગુજરાતનાં સુવિખ્યાત કલાકારો દ્વારા રજૂ થનાર લોક સંગીતનાં કાર્યક્રમમાં જાણીતા લોક ગાયક સુશ્રી અભિતા પટેલ દ્વારા લોકગીતોની પ્રસ્તુતિ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ રાજકોટ જિલ્લા પંચાયતની સંકલન બેઠકમાં મહિલા સભ્યોની જગ્યાએ તેમના પતિદેવો હાજર, થયો વિવાદ
સંસ્કૃતિ કુંજ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશી હાટની શૈલીમાં ઉભા કરાયેલા સ્ટોલમાં હસ્તકલાનાં કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલ કલાત્મક ચીજ વસ્તુઓનુ પ્રદર્શન અને વેચાણ કરવામાં આવનાર હોય પાટનગરની જનતા પોતાની રૂચી પ્રમાણે વિસરાતી કલાત્મક વસ્તુઓની ખરીદી પણ કરી શકશે અને ખાણીપીણી બજારમાં ગુજરાતની અવનવી વિવિધ પ્રાંતની વાનગીઓનો સ્વાદ પણ માણી શકશે.
આ વખતે વસંતોત્સવમાં પોટ્રેટ રંગોળી અને રેત શિલ્પનાં કલાકારો દ્વારા દરરોજ નવિનતમ વિષય સાથે રેત શિલ્પનું સર્જન પાટનગરની કલારસિક પ્રજા માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. વસંતોત્સવમાં પ્રવેશ બપોરે ૨.૦૦ વાગ્યાથી મેળવી શકાશે. જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ સાંજે ૭.૦૦ વાગ્યાથી શરૂ થશે જે રાત્રે ૧૦.૦૦ વાગ્યા સુધી ચાલશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube