અમદાવાદઃ મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. શાકભાજીના ભાવ એટલા વધી ગયા છે કે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. જીવન જરૂરી વસ્તુના ભાવમાં સતત વધારાને કારણે ગરીબો અને સામાન્ય લોકોની સ્થિતિ મુશ્કેલ બની રહી છે. શિયાળો શરૂ થઈ ગયો હોવા છતાં ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક જગ્યાએ હજુ શાકભાજીના ભાવ ખુબ વધારે છે. લસણ તો 500 રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ સિવાય અન્ય શાકભાજીના ભાવ પણ ખુબ વધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઠંડીમાં લોકોને ગરમી આપી રહ્યાં છે લસણના ભાવ
ઠંડીની મોસમમાં લસણના ભાવ આસમાને પહોંચ્યા છે..એક કિલો લસણનો ભાવ 500 રૂપિયા પર પહોંચ્યો છે..જેના કારણે  ગૃહિણીઓ માટે રસોઈમાં લસણનો ઉપયોગ કરવો મુશ્કેલ થયો છે. ગુજરાતમાં મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાંથી મોટાપાયે લસણની આયાત થાય છે. પરંતુ આ વર્ષે કમોસમી વરસાદના કારણે બંને રાજ્યોમાં લસણનું ઉત્પાદન ઓછું થયું છે. પુરતા પ્રમાણમાં લસણ ન આવતા ભાવ સતત વધી રહ્યા છે. જૂના લસણનો સ્ટોક પુરો થયો છે અને નવું લસણ આવ્યું નથી એટલે ભાવ આસમાને પહોંચ્યો છે. હજુ બે મહિના લસણના ભાવ આવા જ રહેવાની શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.


આ પણ વાંચોઃ રાજ્યભરમાં રાશન કાર્ડ KYCની માથાકૂટ, લોકોની લાગે છે લાંબી લાઈનો, જનતા પરેશાન


લસણનો ભાવ તોડી રહ્યો છે રેકોર્ડ
ગુજરાતમાં બે વર્ષ પહેલા લસણનો ભાવ સામાન્ય રીતે 70-75 રૂપિયા પ્રતિ કિલો હતો. પરંતુ હવે તેમાં 6-7 ગણો વધારો થઈ ગયો છે. અત્યારે લસણનો ભાવ 500 રૂપિયા આસપાસ પહોંચી ગયો છે. સમયાંતરે પડી રહેલા કમોસમી વરસાદે પણ લસણના ભાવ પર અસર કરી છે. શિયાળો શરૂ થયો છે પરંતુ હજુ સુધી લીલા લસણની આવક શરૂ થઈ નથી. તેવામાં હજુ લોકોને લસણના ભાવમાં રાહત મળે તેમ લાગી રહ્યું નથી.


અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો
સામાન્ય રીતે શિયાળો શરૂ થતાં શાકભાજીની આવક શરૂ થઈ જતી હોય છે. શિયાળામાં શાકભાજીના ભાવ ઓછા રહેતા હોય છે. પરંતુ આ વખતે હજુ શાકભાજીના ભાવ આસમાને છે. શાકભાજીના ભાવને કારણે ગૃહિણીઓ પરેશાન છે. અમદાવાદમાં વટાણા, મેથી, ગાજર અને તુવેરનો ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો છે. ટામેટા અને ડુંગળી 80 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યાં છે. આ સિવાય ગુવાર, ભીંડા, મરચા સહિત અન્ય શાકભાજીના ભાવ પણ ખુબ વધુ છે.