ખેડૂતોએ તંત્રના ટ્રેકટર અટકાવતાં હોબાળો, તંત્રની કોન્ટ્રાક્ટર સામે મીઠી નજર ના આક્ષેપ
ખેડૂતો અને સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાય વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પરંતુ પાલિકાના તંત્રનું પેટનું પાણી હલતું નથી. જેથી આખરે ના છૂટકે ટ્રેક્ટરોને અટકાવવાની ફરજ પડી છે.
હેમલ ભટ્ટ, વેરાવળ: વેરાવળ નગરપાલિકાની બેદરકારીના કારણે ખેડૂતો અને સોસાયટી વિસ્તારના લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પાલિકાના તાલાલા રોડ પર આવેલ કમ્પોઝ યાર્ડમાં આડેધડ કરચો ઠાલવી કુદરતી પાણી ન વહેણ બંધ કરી દેવતા ખેડૂતોના ખેતરોમાં આજે પણ ગોઠણ ડૂબ પાણી ભરાયેલા છે. જેને લઈ ખેડૂતો રોષે ભરાયા અને કમ્પોઝ યાર્ડમાં કચરો ઠાલવવા આવતા ટ્રેક્ટરોને અટકાવી દેતા પાલિકાના અધિકારીઓ દોડતા થયા હતા. ખેડૂતો અને સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાય વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પરંતુ પાલિકાના તંત્રનું પેટનું પાણી હલતું નથી. જેથી આખરે ના છૂટકે ટ્રેક્ટરોને અટકાવવાની ફરજ પડી છે.
પાલિકાના સિનિટેશ ઈન્સપેક્ટર એચ. બી.હિરપરા એ ખેડૂતો અને સ્થાનિકો નો રોષ વ્યાજબી હોવાનું સ્વીકારેલ સાથે સાથે જી.પી.સી.બી ના નિયમો નું ઉલ્લંઘન પણ કરાતું હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ પાલિકા ના ડોર ટુ ડોર કચરાના નિકાલ માટેના કોન્ટ્રાક્ટર દ્વારા પણ ખુલ્લા ટ્રેક્ટરોમાં કચરો પરિવહન થતો હોવાનું જણાવેલ પરંતુ માત્ર પેનલ્ટી ફટકારી પાલિકા તંત્ર કામગીરી કર્યાનો સંતોષ માની લે છે.
પાલિકા તંત્રની ઘોર બેદરકારીથી ત્રસ્ત સ્થાનિક ખેડૂતો અને રહોશોએ પાલિકાના ટ્રેક્ટરો અટકાવી દેતા રોડ પર કચરા ભરેલ ટ્રેક્ટરોની લાઈનો લાગી ગઈ હતી અને પાલિકાના જવાબદાર અધિકારીઓ સમસ્યાના કાયમી ઉકેલની લેખિત બાંહેધરી ના આપે ત્યાં સુધી વિરોધ યથાવત રાખવા લોકોએ ચીમકી ઉચ્ચારી છે.