ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ૨૬ નવેમ્બરના મુંબઈમાં વાયબ્રન્ટ સમિટ ૨૦૧૯ સંદર્ભમાં રોડ શો યોજશે. મુખ્યમંત્રી આજે દિવસ દરમ્યાન ૧૫ થી વધુ બિઝનેસ લીડર્સ તેમજ અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠક પણ યોજશે. સવારે ૧૧ વાગ્યે મુંબઈની ટ્રાઇડેન્ટ હોટલ ખાતે યોજાનારા રોડ શો માં વાયબ્રન્ટ સમિટ ૨૦૧૯ની વિશેષતાઓ તેમજ ગુજરાતની વિવિધ સિદ્ધિઓની પ્રભાવક પ્રસ્તુતિ તેઓ કરવાના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી અને ગુજરાતના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ સાથે મુંબઈમાં ૨૦ જેટલા દેશોના કોન્સયુલેટ જનરલની ભોજન બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી સાથે રાજ્યના મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ તેમજ ઉદ્યોગ નાણાં સહિતના વિભાગના વરિષ્ઠ સચિવો પણ જોડાશે.


વિજય રૂપાણી સોમવારે મોડી સાંજે ગાંધીનગર પરત આવશે. આ પ્રવાસ દરમિયાન વિજય રૂપાણી મુંબઈ વસતા કચ્છી સમાજના વેપાર ઉદ્યોગકારો સાથે પણ બેઠક યોજવાના છે અને કચ્છમાં સર્જાયેલી અછતની સ્થિતિના મુકાબલા માટે રાજ્ય સરકારના આયોજનની જાણકારી આપવાના છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ગુજરાત સમિટ ૨૦૧૯ની પૂર્વ તૈયારીના ભાગરૂપે નવી દિલ્હી ખાતે વન ટુ વન બેઠક દરમિયાન નેધરલેન્ડના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત માર્ટન વેન ડેન્ગ બર્ગે ગુજરાતમાં પોર્ટ લેન્ડ ડેવલપમેન્ટ તેમજ દહેજ પી.સી.પી.આઇ.આર.માં નેધરલેન્ડના ઉદ્યોગોના રોકાણ માટે ઉત્સુકતા દર્શાવી હતી.


હાલ નેધરલેન્ડની અગ્રણી કંપની રોયલ વોપાકે દહેજમાં રૂ. ૧૫૦૦ કરોડના રોકાણ સાથે જેટી નિર્માણના કરાર કર્યા છે અને તેના આધાર પર નેધરલેન્ડની અન્ય કંપનીઓને પણ ગુજરાતમાં રોકાણો માટે પ્રેરિત કરવાની બાબતે પણ તેમણે વિચાર વિમર્શ કર્યો હતો.