ભૂજઃ રાજયના મુખ્‍યમંત્રી વિજય રૂપાણી ગુરૂવારે કચ્‍છની એક દિવસની મૂલાકાતે ગયા હતા. અહીં તેમણે અછત પરિસ્‍થિતિની સમીક્ષા બેઠક બાદ સમગ્ર કચ્‍છ જિલ્‍લાને અછતગ્રસ્‍ત જાહેર કરીને આગામી ૧ ઓકટોબરથી તેને અમલમાં મુકવાની જાહેરાત કરી હતી. સાથે જ કચ્છ સહિત રાજ્યના અન્‍ય તાલુકાઓમાં કે જ્યાં ૧૨૫ મી.મી. થી ઓછો વરસાદ પડ્યો છે ત્યાં ૧ ઓકટો.થી અછત અમલમાં મુકાશે. મુખ્‍યમંત્રીએ ગૌશાળા-પાંજરાપોળોને ધારાધોરણ અનુસાર સબસીડી અને અછતગ્રસ્ત વિસ્તારોમાં યુધ્‍ધના ધોરણે  ઢોરવાડા ખોલવાની કામગીરી કરવાની જાહેરાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્‍યમંત્રી રૂપાણીએ કચ્‍છના પીવાના પાણી માટે ૨૯૬ કરોડના ખર્ચે નવી પાઇપલાઇનના કામોની જાહેરાત સાથે ટપ્‍પર ડેમમાં વધારે પાણી આપવા તેમજ અછત સમિતિની રચના કરવા જિલ્‍લા કલેકટર સુચના આપી હતી. અછતને ધ્‍યાનમાં રાખીને સમગ્ર કચ્‍છ જિલ્લામાં અછતરાહતના કામો હાથ ધરાશે તેવી જાહેરાત કરી હતી. 


આ બેઠકમાં રાજયના ચીફ સેક્રેટરી શ્રી જે.એન.સીંઘ અને મુખ્‍યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી કે.કૈલાશનાથન તેમજ જિલ્‍લાના પ્રભારી સચિવશ્રી જે.પી.ગુપ્‍તા સહિતના અધિકારીઓ અને મંત્રીઓ હાજર રહ્યા હતા. રાજયમંત્રી વાસણ આહિરે જણાવ્‍યું કે, મુખ્‍યમંત્રીએ સંભવિત અછતની સ્‍થિતિ જોઇને જૂલાઇ માસથી જ ઘાસ આપવાનું ચાલુ કરી દીધું હતુ. 


કચ્‍છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ કચ્‍છની પરિસ્‍થિતિનો ચિતાર આપી મુખ્‍યમંત્રીને જણાવ્‍યું કે, કચ્‍છમાં હવે ટ્રેન મારફતે ઘાસનો વિશાળ સ્‍ટોક જમા થાય તેવી વ્યવસ્થા કરવા માગણી કરી હતી. ભુજના ધારાસભ્‍ય ડો. નીમાબેન આચાર્યે કચ્‍છમાં ઘાસચારાની પરિસ્‍થિતિ સાથે પશુઓના સ્‍થળાંતરમાં સરકાર મદદરૂપ થાય અને રસ્‍તામાં ઘાસ-પાણી અને માંદા અને નબળા પશુઓ માટે ઘાસચારો વહેલી તકે પહોંચાડવાની માગ કરી હતી. 
    
કચ્‍છની ધાર્મિક સંસ્‍થાઓ અને ગૌશાળા-પાંજરાપોળના પ્રતિનિધિઓએ મુખ્‍યમંત્રી રૂપાણી સમક્ષ ઘાસની માંગ વધુ હોવા સાથે પાંજરાપોળ-ગૌશાળામાં વધતી જતી સંખ્‍યાની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, આ પશુઓને સ્‍થળાંતર કરાવી ન શકાય તેમ હોવાથી તાત્‍કાલિક પશુઓને પૌષ્‍ટિક આહાર આપી શકાય તે માટે સબસીડીની માગ કરી હતી.