અમદાવાદ : એક તરફ ગુજરાત મોડેલની ગુલબાંગો પોકારાઇ રહી છે, ત્યારે બીજી તરફ એક તાલુકો એવો પણ છે, જ્યાં છેલ્લા છ દાયકાથી અંધારપટ છવાયેલો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન દ્વારા દેશનાં તમામ ગામડાઓ સુધી વિજળી પહોંચી ગઇ હોવાની જાહેરાત કરી દેવામાં આવી છે. જો કે હજી સુધી તેમનાં જ ગૃહરાજ્યમાં એક આખો તાલુકો એવો છે જ્યાં અંધારપટ છવાયેલો છે. હાલ ગુજરાતમાં તો દિવા તળે અંધારૂ જેવી પરિસ્થિતી સર્જાઇ છે. જે ગુજરાત સરકારના 100 ટકા ઘરોમાં વીજળી આપવાના દાવાને પોકળ સાબિત કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ સરકાર દ્વારા જ્યોતિગ્રામ યોજના શરૂ કરી ઘરેઘરે વીજળી પહોંચાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો, જે યોજના હેઠળ 100 ટકા ઘરોમાં વીજળી પહોંચાડી હોવાનો દાવો પણ કરાયો, પણ આ દાવાઓને પોકળ સાબીત કર્યાં છે સાબરકાંઠાના પોશીનામાં આવેલા 8 પરા ગામે, કે જયાં વીજળી તો ઠીક પણ રોડ રસ્તા, અને પીવાના પાણીનો પણ અભાવ છે. આ ગામો પર નજર કરીએ, તો ચંદ્રણા-કિયારિયા ફળો, પેટા છાપરા ગામ, વક્તાપુર, વાટરિયા ફળો, લાખિયા-નાનીસોનગઢ, મોટી સોનગઢ, ગંછાલી-દંતરુલો ફળો,ખંઢોર-ધવાળા ફળોનો સમાવશે થાય છે.


આ અંગે સ્થાનિક સરપંચે પણ સરકારમાં અનેક રજુઆત કરી.પરંતુ આજદિન સુધી તેનું કોઇ નિરાકરણ નથી આવ્યું...અને યુ.જી.વી.સી.એલના અધિકારીઓ પણ ગોળગોળ વાતો કરી યેનકેન પ્રકારેણ પોતાની ખોટી વાતને સાચી ઠેરવે છે. જેનો ભોગ ગરીબ અને આદિવાસી પ્રજા બની રહી છે.


એક તરફ સરકાર વિકાસના મસમોટા બણગાં ફૂંકે છે ત્યારે આ ગામના લોકોને પ્રાથમિક સુવિધા પણ મળતી નથી. ત્યારે આ ગામે સરકારના દાવાની વરવી વાસ્તવિકતા બતાવી છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ અહેવાલ બાદ નિદ્રાધીન તંત્ર ક્યારે જાગશે? વીજળી વિહોણા ગામ - હેડર, ચંદ્રણા-કિયારિયા ફળો, પેટા છાપરા ગામ, વક્તાપુર, વાટરિયા ફળો, લાખિયા-નાનીસોનગઢ, મોટી સોનગઢ, ગંછાલી-દંતરુલો ફળો, ખંઢોર-ધવાળા ફળો