વિસનગર સીટ પર જામશે ત્રિપાંખિયો જંગ, વિપુલ ચૌધરી આપમાં જોડાશે, ઋષિકેશ પટેલ સામે ટકરાશે
Gujarat Election 2022 : મહેસાણાના રાજકારણમાં મોટી હલચલ થશે, અર્બુદા સેનાના વિપુલ ચૌધરી આપમાં જોડાશે
તેજસ દવે/મહેસાણા :ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી રાજ્યમાં જોરદાર પ્રચાર પ્રસાર કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી દૂધસાગર ડેરી સાગર દાણ કૌભાંડ મામલે વિપુલ ચૌધરી કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે, ત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે. આગામી 15 તારીખે અર્બુદા સેનાનું ચરાડા ગામ ખાતે મહા સંમેલન યોજાવાનું છે. જેમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે. આગામી 15 નવેમ્બરના રોજ અર્બુદા સેના ના અધ્યક્ષ વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાશે. આપમાં જોડાયા બાદ તેઓ વિસનગરમાં ચૂંટણી લડી શકે છે, જો આવું થયુ તો તેઓ ઋષિકેષ પટેલની સામે ટકરાશે.
મહેસાણા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અર્બુદા સેનાના મહેસાણા જિલ્લા મહામંત્રી રાજુભાઇ ચૌધરીએ મહત્વનું નિવેદન આપ્યું કે, આગામી 15 નવેમ્બરના રોજ અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાશે. 15 તારીખે ગાંધીનગરના ચરાડામાં અર્બુદા સેનાનું મહાસંમેલન યોજાનાર છે. આ સંમેલનમાં અર્બુદા સેના પોતાનું રાજકીય સ્ટેન્ડ નક્કી કરશે. ઋષિકેશ પટેલને ટિકિટ આપતા વિપુલ ચૌધરી આપમાં જોડાઈ વિસનગરથી ચૂંટણી લડશે તેવુ અર્બુદા સેના દ્વારા જાહેરાત કરાશે. આમ, વિસનગર સીટ પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ રમાશે. વિસનગરમાં ઋષિકેશ પટેલ સામે વિપુલ ચૌધરી ટકરાશે.
આ પણ વાંચો : ભાજપે યુવા ચહેરો ડો.પાયલને મેદાને ઉતાર્યા, પાર્ટીના સૌથી નાની વયના ઉમેદવાર છે
જેલમાંથી વિપુલ ચૌધરી ચૂંટણી લડશે
અર્બુદા સેનાના મહેસાણા જિલ્લા મહામંત્રી રાજુભાઈ ચૌધરીએ જણાવ્યું કે, સરકારે અમારી માંગણી સ્વીકારી નથી, અમારા નેતાને જેલમાં મોકલ્યા, ભલે જેલવાસ, પણ વિસનગરમાં ઋષિકેશ પટેલ સામે ચૂંટણી લડશે. અર્બુદા સેનાના કાર્યકર્તાઓએ અપીલ કરી કે તેઓ આપમાંથી ચૂંટણી લડશે. આગામી 15 તારીખે મોટું સ્નેહમિલન થશે, જેમાં વિપુલ ચૌધરીને સમર્થન અપાશે. ઉલ્લેખનીય છે કે, ભારતના ઈતિહાસમાં અનેક એવા ઉદાહરણો છે કે અનેક નેતાઓ જેલમાંથી ચૂંટણી લડ્યા હતા, અને જીત્યા પણ હતા. આવીતકાલે વિપુલ ચૌધરીની કોર્ટમાં મુદત છે, તેથી જામીન મળે તેવી આશા અર્બુદા સેનાના કાર્યકર્તાઓ વ્યક્ત કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાને જ્યારે અર્બુદા સેના અને વિપુલ ચૌધરી વિશે પુછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે, વિપુલ ચૌધરી ઉત્તર ગુજરાતમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. તેઓએ પશુપાલકો માટે ઘણા સારા કામ કર્યા છે, એટલે સ્વાભાવિક છે કે વિપુલ ચૌધરી જેવા વ્યક્તિને ચૂંટણી લડવા માટે ટિકીટ આપવી જોઈએ. ગોપાલ ઇટાલિયાએ પણ અર્બુદા સેના અને વિપુલ ચૌધરીને આમ આદમી પાર્ટીમાં આવકારવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.