વિકસતા ગુજરાતની વરવી વાસ્તવિકતા, સરકારને જગાવવા હવે આદિવાસીઓને વીડિયો બનાવી વાયરલ કરવા પડ્યા
દેશ આઝાદ થયે 75 વર્ષ થયા ત્યારે સરકાર દ્વારા પોતાની અનેક સિદ્ધિઓ ગણાવી દેશ હવે વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો હોવાની વાતો કરવામાં આવે છે. પરંતુ આ વાતો હકીકતથી વેગળી હોય તેવી સાબિતિ આપતો એક વીડિયો પંચમહાલ જિલ્લાથી વાયરલ થયો હતો. વાયરલ થયેલ વીડિયોમાં એક ગર્ભવતી મહિલાને કેટલાક વ્યક્તિઓ ખાટલામાં ઊંચકી લઇ જતા નજરે પડે છે. ગામનો રસ્તો ખરાબ હોવાથી આ સ્થિતિ સર્જાઈ હોવાનો દાવો આ વીડિયોમાં કરવામાં આવતા ઝી ૨૪ કલાકે ગ્રાઉન્ડ રીયાલીટી ચેક કર્યું
જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :દેશ આઝાદ થયે 75 વર્ષ થયા ત્યારે સરકાર દ્વારા પોતાની અનેક સિદ્ધિઓ ગણાવી દેશ હવે વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો હોવાની વાતો કરવામાં આવે છે. પરંતુ આ વાતો હકીકતથી વેગળી હોય તેવી સાબિતિ આપતો એક વીડિયો પંચમહાલ જિલ્લાથી વાયરલ થયો હતો. વાયરલ થયેલ વીડિયોમાં એક ગર્ભવતી મહિલાને કેટલાક વ્યક્તિઓ ખાટલામાં ઊંચકી લઇ જતા નજરે પડે છે. ગામનો રસ્તો ખરાબ હોવાથી આ સ્થિતિ સર્જાઈ હોવાનો દાવો આ વીડિયોમાં કરવામાં આવતા ઝી ૨૪ કલાકે ગ્રાઉન્ડ રીયાલીટી ચેક કર્યું
મેદાપુર ગામના નમરા ફળિયાથી જે દ્રશ્યો સામે આવ્યા તે ખૂબ જ ચોંકાવનારા હતા. મેદાપુર ગ્રામ પંચાયતનો નમરા ફળિયા વિસ્તાર કાલોલ તાલુકા મથકથી માત્ર ચારથી પાંચ કિલોમીટર દૂર હોવા છતાં દીવા તળે અંધારા જેવી સ્થિતિ જોવા મળી. નમરા ફળિયામાં પહોચવા માટે એક પણ રસ્તો જ નથી અને જે પગદંડી તે રસ્તે ચાલતા પણ ભારે મુશ્કેલીઓ સાથે પહોચી શકાય તેવી સ્થિતિ છે. ત્યારે આ સ્થિતિની સાક્ષી પૂરતો વીડિયો વાયરલ થયો હતો. જેમાં એ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે, નમરા ફળિયા સુધી કોઈ પણ વાહન પહોચી ન શકતા મજબૂરી માં ઈમરજન્સીમાં દર્દી કે પ્રસૂતાને ખાટલામાં જ નાંખી 2 કિમી ચાલી મુખ્ય રસ્તે ઉભેલી 108 સુધી પહોચાડી શકાય છે.
વાયરલ વીડિયો બાબતે ગ્રામજનોએ પોતાની વેદના જણાવતા કહ્યું કે, નમરા ફળિયામાં 200 થી વધુ રહીશો વસવાટ કરે છે, જે તમામ આદિવાસી જ્ઞાતિના છે. વિસ્તારની પ્રાથમિક સુવિધાઓ બાબતે જ્યારે પણ સરપંચ કે તાલુકા મથકે રજુઆતો કરવામાં આવે ત્યારે ‘થઇ જશે...’ નું આશ્વાસન માત્ર આટલા વર્ષો દરમ્યાન મળ્યું છે. ત્યારે હવે અહીના આદિવાસી ગ્રામજનો જાગૃત બની પોતાની વ્યથા વીડિયો રૂપે સોશિયલ મીડિયામાં મૂકતા થયા છે. ગ્રામજનોએ જણાવ્યું કે, આ વિસ્તારમાં સરકારી આવાસોનો પણ લાભ નથી મળ્યો. જેથી આટલા વર્ષો બાદ પણ અહીંના તમામ મકાનો કાચા અને ઝૂંપડપટ્ટી જેવા છે. અહી વધારે વરસાદની સ્થિતિમાં ગામ સંપર્ક વિહોણું બની જાય છે. જેથી ગ્રામજનો હવે પોતાની દારુણ પરિસ્થિતિથી ત્રસ્ત બની સરકાર પાસે પોતાના વિસ્તારના વિકાસની માંગણી કરી રહ્યા છે અને સૌ પ્રથમ ગામને અન્ય ગામ કે મુખ્ય હાઈવે સુધી જોડતા રોડની માંગણી કરી રહ્યા છે.
જો કે આ સમગ્ર મામલે જયારે કાલોલ તાલુકા વિકાસ અધિકારીને પૂછવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમને આ અંગે કઈ પણ કહેવાથી ઈનકાર કર્યો હતો. સદનસીબે વાયરલ વીડિયોમાં જે ગર્ભવતી મહિલાને ખાટલામાં ઉંચકી ૧૦૮ એમ્બ્યુલેન્સ સુધી પહોચાડવામાં આવી હતી, તે પરિવારજનો અને ગ્રામજનોના પ્રયાસોથી હેમખેમ હોસ્પિટલમાં પહોચી ગઈ હતી. જેણે એક બાળકને જન્મ આપ્યો છે. હાલ બંનેની તબિયત સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.