ઉનામાં સિંહ યુગલની પજવણી કરતો વીડિયો વાયરલ થતાં લોકોમાં રોષ
વહેલી પરોઢે સિંહ યુગલ સડક પર પસાર થઈ રહ્યું હતું ત્યારે કોઈ કાર ચાલકે તેમની પાછળ કાર દોડાવી, લાઈટ મારીને સિંહ યુગલને કર્યું પરેશાન
ગીર-સોમનાથઃ ગુજરાતનું ગૌરવ અને એશિયાટિક પ્રજાતિના સિંહનો ગીરના જંગલમાં વસવાટ છે. આ સિંહોની પજવણી કરતા વીડિયો વારંવાર વાયરલ થતા હોય છે. આવો જ એક વીડિયો ઉનામાંથી ગુરૂવારે વાયરલ થયો હતો. જેમાં ગામના સામતેર-ઉમેજ રોડ પર કોઈ કાર ચાલક દ્વારા સિંહ યુગલની પજવણી કરવામાં આવતી હોવાનું જોવા મળી રહ્યું છે.
વહેલી પરોઢે સિંહ યુગલ ઉનાના સામતેર-ઉમેજ રોડ પર પસાર થઈ રહ્યું હતું ત્યારે અહીંથી કારમાં પસાર થઈ રહેલા કોઈ વ્યક્તિએ તેમની પાછળ કાર દોડાવી હતી અને વીડિયો પણ ઉતાર્યો હતો. વીડિયોમાં દેખાય છે તે મુજબ કારચાલક દ્વારા સિંહ યુગલ પર વારંવાર લાઈટ મારવામાં આવી રહી છે, જેના કારણે પહેલા સિંહ સડકની બાજુમાંથી ઉતરીને વાડીમાં દોડી જાય છે. ત્યાર પછી તે માદા સિંહ પાછળ કાર દોડાવે છે. માદા સિંહ પણ થોડે દૂર સુધી સડક પર દોડતી રહીને પછી નીચે ઉતરી વાડીમાં જતી રહે છે.
ભરૂચમાં રેલવે ટ્રેક પર આવી ચડેલા 7 ફૂટ લાંબા, 130 કિલો વજનવાળા મગરનું રેસ્ક્યુ કરાયું
સિંહ યુગલની પજવણીનો આ વીડિયો ગુરૂવારે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સિંહ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આવું કૃત્ય કરનારને વનવિભાગ પકડીને બોધપાઠ આપે તેવી માગણી કરવામાં આવી રહી છે.
ઉનાના સામતેર-ઉમજ રોડ પર આવેલી વાડીઓમાં છેલ્લા કેટલાક દિવસથી સિંહોએ ધામા નાખેલા છે. ગુરૂવારે મોડી રાત્રે ઉમેજ ગામમાં સિંહ યુગલે ઘુસી જઈને બાપા સીતારામના ઓટલા પાસે એક વાછરડીનું મારણ પણ કર્યું હતું.
જુઓ LIVE TV....