નરેશ ભાલીયા/જેતપુર: સૌરાષ્ટ્રના ખેડૂતો દિવસેને દિવસે ખેતીમાં કંઈક નવું કરીને વધુ આવક કેમ મેળવવી તે માટે પ્રયત્નશીલ રહે છે. વીરપુરના એક યુવાન ખેડૂતે પોતાની નાની ખેતીની જમીનમાં બાગાયત ખેતી કરીને ક્રાંતિ સર્જી છે અને પોતાની આવક લાખોમાં કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરપુરના ખેડૂત મનસુખભાઇ પાસે સીમાંત ખેતી હતી અને ખેતી જ તેમની રોજગારી એટલે આમાંથી વધુ રોજગારી અને આવક મેળવવા માટે મનસુખભાઇ એ કઈક અલગ કરવા માટે પ્રયત્ન શીલ બન્યા અને પોતાની ખેતી માં બગાયત ખેતીની શરૂઆત કરી અને સીતાફળનું વાવેતર શરૂ કર્યું હતું. જંગલ વિસ્તારમાં વિના માવજતે ઊગી નીકળતા સીતાફળ એ ઓછા પાણીએ સારી આવક અપાવતો બાગાયતી પાક છે. ચાલુ વર્ષે પરંપરાગત રૂટિન પાકોમાં ખેડૂતોને પડેલી મુશ્કેલીઓ જોતાં ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે. ગુજરાતમાં દાડમ, સીતાફળ, જામફળ, પપૈયા જેવા પાકની ખેતી પણ વધી છે. પરંતુ વીરપુરના મનસુખભાઇ દુધાત્રા તો 22 વર્ષથી બાગાયતી ખેતી કરી રહ્યા છે. તેઓ વર્ષે 10 હજારનો ખર્ચ કરે છે અને તેની સામે 10 લાખનું ઉત્પાદન મેળવી રહ્યા છે. છેલ્લા 3-4 વર્ષથી તેઓ પ્રતિ વર્ષ 10 લાખનું ઉત્પાદન મેળવી રહ્યા છે.



બાગાયત ખેતીમાંથી સારી આવક મેળવતા મનસુખભાઇના પરંપરાગત વ્યવસાય એવા આ ખેતીને છોડીને બગાયત ખેતીમાં બે દીકરા પણ જોડાયા છે. મનસુખભાઇની સાથે તેમના બે દીકરા કેતનભાઈ અને કિશનભાઈ પણ આ બાગાયતી ખેતીમાં જોડાઈ ગયા છે. બંને દીકરાએ પોતાના ખેતરે જાતે જ નર્સરી તૈયાર કરી છે. હાલમાં આધુનિક વેરાયટીના સીતાફળીના 900 રોપાનું વાવેતર પણ કર્યું છે. 10 વિઘા જમીનમાં મનસુખભાઈએ કુલ 1300 રોપાનું 20 ફૂટ બાય 20 ફૂટ અંતરે વાવેતર કર્યું છે. ચાલુ વર્ષે અતિવૃષ્ટિને કારણે મુશ્કેલી હોવા છતાં સારી માવજતથી દરરોજના 35થી 40 કિલો સીતાફળનું ઉત્પાદન મેળવે છે. અત્યારે માર્કેટમાં સીતાફળ કિલોના ભાવ 40થી 120 રૂપિયે કિલોનું વેચાણ થાય છે. બજારમાં મોટા સીતાફળની માગ વધુ રહેતી હોય તેઓએ બે વર્ષ પહેલા હાઈબ્રિડ વેરાયટીના 1-KG સીતાફળીનું પણ વાવેતર કર્યું હતું. જેની માગ દુબઇ સુધી રહે છે.



બે વર્ષથી 1-KG સીતાફળની ખેતી શરૂ કરી
મનસુખભાઇના દીકરા કેતનભાઇએ જણાવ્યું હતું કે, મારા પિતાએ 22 વર્ષ પહેલા સીતાફળનું વાવેતર કર્યું ત્યારે તેઓને 10 હજાર જેવો ખર્ચ થયો હતો. ત્યારે તે પ્રમાણે ભાવ મળતા હતા. પરંતુ છેલ્લા 3થી 4 વર્ષથી એક વીઘે 1 લાખનું ઉત્પાદન થાય છે. બે વર્ષથી 1-KG સીતાફળ વાવ્યા છે. જેની સૌથી વધારે માગ દુબઇમાં રહે છે. આ સીતાફળ દુબઇ સિવાય અન્ય દેશોમાં પણ જાય છે. તેમજ દેશના મોટા શહેરોમાં પણ જાય છે. આ સીતાફળમાં દેશી કરતા બીયા ઓછા હોય છે. 1-KGમાં 15થી 20 બીયા હોય છે જ્યારે દેશી સાતીફળમાં 35થી 40 બીયા હોય છે. આથી તેની માંગ વધુ રહે છે.



1-KG એક સીતાફળનું વજન 500 ગ્રામથી 1 કિલો
1-KG એક સીતાફળનું વજન 500 ગ્રામથી 1 કિલો સુધીનું હોય છે. નબળું હોય તો પણ તેનું વજન 350 ગ્રામ તો હોય જ છે. દેશી સીતાફળ કરતા આ સીતાફળનું વજન અઢીથી ત્રણ ગણું વધારે હોય છે. જ્યારે દેશી સીતાફળનું વજન 150થી 200 ગ્રામ હોય છે. દેશી સીતાફળ વધુમાં વધુ 300 ગ્રામ સુધીના વજનનું થાય છે. પરંતુ આટલા વજનવાળા સીતાફળનું ઉત્પાદન કુલ પાકના 10થી 15 ટકા જ હોય છે.


આ સીતાફળ 10થી 12 દિવસ સુધી સારૂ રહે છે
કેતનભાઇએ સીતાફળની ક્વોલિટી વિશે વાત કરતા જણાવ્યું હતું કે, દેશી સીતાફળ ઝાડ પરથી ઉતાર્યા પછી 2થી 3 દિવસ સુધી સારૂ રહે છે. જ્યારે 1-KG નું સીતાફળ ઝાડ પરથી ઉતાર્યા પછી 10થી 12 દિવસ સુધી બગડતું નથી. અમે સીતાફળની નવી નવી જાત જાતે જ તૈયાર કરીએ છીએ. 1-KG સીતાફળ એક કેટેગરી છે. પરંતુ જાતની વાત કરીએ તો તેમાં અમે બે પ્રકારની જાતનું વાવેતર કર્યું છે. જેમાં એનએમકે ગોલ્ડન અને ડીકેએમ-3નો સમાવેશ થાય છે. 1-KG સીતાફળમાં આ વર્ષે હનુમાન ફળ નામની જાત પણ આવી છે. તેના છોડ પણ અમે વાવ્યા છે. હનુમાન ફળની માગ માર્કટમાં વધારે રહે છે.



મનસુખભાઇ અને તેના પરિવારે સીતાફળની બાગાયત ખેતી કરી ને પોતાની આવક વધારી છે, જેને લઈ ને હવે બાગાયત ખેતી માં દુધાત્રા પરિવારને બાગાયત ખેતીમાં કઈક ને કઈક નવું કરવા ની ઈચ્છા પ્રબળ થઈ અને હવે ગુજરાતમાં ક્યાંય ન થતા બીજ વગરના બોરનું વાવેતર કર્યું અને 5 વિઘામાં બોરનું વાવેતર કર્યું સામે બોરમાં પણ કાશ્મીરી સીરીયસ અને સુંદરી નામની બોરની જાત ઉછેરીને છોડ દીઠ 15થી 20 કિલો જેટલું ઉત્પાદન મેળવી ને પોતાની આવક વધારી રહ્યા છે


મનસુખભાઇના ખેતરમાં પ્રથમથી જ ઓછી જમીન અને તેમાં પણ પિયતના પાણીની ઘટ તે માટે સીતાફળની ખાસ જાત વાવીને ઓછી માવજતે મોટું ઉત્પાદન મેળવે છે, તેમાં પણ બજારની માગ મુજબ મનસુખભાઇ અને પરિવાર સીતાફળનું ગ્રેડિંગ કરી નાના મોટા અને ગુણવત્તા મુજબ કરીને બજારમાં મોકલીને વધુ આવક પણ મેળવે છે, મનસુખભાઈના કહેવા મુજબ છેલ્લા 22 વર્ષથી મારી 10 વિઘા જમીનમાં સીતાફળની ખેતી કરી રહ્યો છું. મેં બે પ્રકારની સીતાફળની જાત વાવી છે. જેમાં એક દેશી સીતાફળ અને બીજા 1-KG સીતાફળની જાત. આ સિવાય આ વર્ષે ભાડા પટ્ટેથી મેં પપૈયા, ઠળિયા વગરના બોર વગેરે બાગાયતી પાકોની ખેતીની પણ શરૂઆત કરી છે. જેનું ઉત્પાદન આ વર્ષે શરૂ થશે.



મનસુખભાઇએ કહેવા મુજબ બાગાયત ખેતીના ઘણા ફાયદા છે અમે વર્ષમાં 2 વખત પાક લઈ શકાય છે, 10 વિઘા જેટલી ટૂંકી જમીનમાં બાગાયતી ખેતી કરવામાં મોટો ફાયદો એ છે કે વચ્ચેની ખાલી રહેતી જમીનમાં ખેડૂતો બીજા અન્ય પાકનું પણ વાવેતર કરી શકે છે. જેમ કે તેમણે પોતે સીતાફળની વચ્ચે ખાલી જમીનમાં મરચી અને હળદળના પાકનું વાવેતર કર્યું છે અને બાગાયતી પાકની સાથે ખેડૂતો ડબલ પાકનું ઉત્પાદન કરીને ટૂંકી જમીનમાં ડબલ પાકોનો ફાયદો મેળવી શકે છે અને સારી આવક મેળવી શકે છે.


બાગાયત ખેતીમાં મબલખ આવક મેળવતા મનસુખભાઇ અને તેના પરિવારે ઓછી ખેતીની જમીન ધરાવતા ખેડૂતોને બાગાયતી ખેતી કરવા અપીલ કરે છે સાથે વધુમાં જણાવ્યું હતું કે, ટૂંકી જમીનવાળા ખેડૂતોએ બાગાયતી પાકોની ખેતી કરવી જોઈએ. જે અન્ય પાકો કરતા વધુ નફાકારક અને સરળ ખેતી હોય છે. કેમ કે, બાગાયતી ખેતીમાં ઓછુ પાણી ઉપરાંત દવા કે ખાતર પણ ઓછા પ્રમાણમાં જરૂરિયાત હોવાથી ખેડૂતોને ઓછા સમયમાં મબલખ ઉત્પાદન અને સારો લાભ મળી રહે છે અને સારી આવક પણ મળી રહે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube