વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજનીતિક આવડતથી તો હવે અન્ય દેશોના પ્રધાનો પણ વાકેફ થઈ ગયા છે. તેમને રાજનીતિના ચાણક્ય કહી શકાય. પરંતુ રાજકારણ ઉપરાંત તેઓ લેખન, વાંચન અને સાહિત્યની કળા પણ નિપુણતા ધરાવે છે. એકવાર ફરીથી વડાપ્રધાન મોદીની કલા ક્ષેત્રની રચના જોવા મળી છે. જેમાં તેમણે એક ગરબો લખ્યો છે, અને તેના પર અમદાવાદની અંધ કન્યા પ્રકાશ ગૃહની વિદ્યાર્થીનીઓ ગરબે ઘૂમી રહી છે. આ વીડિયો ખુદ પીએમ મોદીએ ટ્વિટ કર્યો છે, અને તમામને નવરાત્રિની શુભેચ્છાઓ મોકલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી આજે સવારે એક ટ્વિટ કર્યુ. તે સાથે જ તમામ સમાચાર માધ્યમોએ તેની નોંધ લીધી. ટ્વિટ હતુ નવરાત્રિની શુભેચ્છાની, જે મોદી દર વર્ષે તેઓ કરે જ છે. પરંતુ ટ્વિટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ બન્યો છે સૌના આકર્ષણનું કેન્દ્ર. પીએમ મોદીએ બાળકીઓના ગરબાનો વીડિયો શેર કરીને ટ્વિટ કરતા લખ્યું કે, આ જોઈને હું અભિભૂત થયો છું. આ ગીતમાં આ બાળકીઓએ જીવ રેડી દીધો છે. તમામને નવરાત્રિની શુભકામનાઓ... 



આ ગરબો ‘ઘૂમે એનો ગરબો’ છે. જે તેમણે વર્ષ 2012માં લખ્યો હતો. તે સમયે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક લેખક અને કવિના રૂપમાં પણ પ્રખ્યાત છે. વડાપ્રધાન પોતાના કામની વ્યસ્તતાની વચ્ચે પણ વાંચન અને લેખન માટે સમય કાઢી જ લે છે. તેમણે અનેક કવિતાઓ અને કાવ્યસંગ્રહના પુસ્તકો લખ્યા છે. આજ પુસ્તકો પૈકીના એક કાવ્યસંગ્રહમાંથી ગરબો પસંદ કરાયો છે. 


વડાપ્રધાનના શબ્દોને તાલબદ્ધ કરવાનું કામ અમદાવાદના બિન્દુબેન ત્રિવેદીએ કર્યું છે. લગભગ દોઢ મહિના પહેલા બિન્દુબેને અંધકન્યા પ્રકાશ ગૃહના સંચાલકોને પોતાના પ્રોજેક્ટ વિશે વાત કરી હતી. વડાપ્રધાન મોદી દ્વારા રચાયેલા ગરબા પર પ્રકાશ ગૃહની બાલિકાઓને પર્ફોમ કરવાની વાત માત્રથી જ છાત્રાલયના સંચાલકો અને બાળાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. બિન્દુબેન ત્રિવેદી દૂરદર્શનની મુંબઈ ઓફિસમાં 22 વર્ષ ફરજ બજાવી ચૂક્યા છે.  


આ વીડિયો ટ્વિટર પર મૂકાતા હાલ સોશિયલ મીડિયામાં ફેમસ થઈ ગયો છે, અને વડાપ્રધાનની આ ખૂબીના વખાણ થઈ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરે છે.