વડોદરા : ચોમાસામાં વિશ્વામિત્રી નદીની સફાઈ અને મગરોને લઈને પર્યાવરણવિદનો આરોપ
- વિશ્વામિત્રી નદીના પટની સફાઈ શરૂ કરાઈ છે. જેના કારણે 120 જેટલા મગરોના જીવન પર અસર થઈ
- અત્યારે વિશ્વામિત્રી નદીની સાફ સફાઈથી મગરોના તાજા જન્મેલા બચ્ચાને નુકશાન થઈ રહ્યું છે
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા કોર્પોરેશને ભર ચોમાસે વિશ્વામિત્રી નદીના પટ પર ઉગી નીકળેલા ઝાડી ઝાંખરાની સાફ સફાઈની કામગીરી શરૂ કરાવી છે, જેને લઈ નદીમાં વસતા 300 મગરોના જીવ પર જોખમ ઉભુ થયું છે. નદીના પટના સાફ સફાઈથી મગરના નેસ્ટ અને તાજા જન્મેલા બાળકને ભારે નુકશાન પહોચી રહ્યા હોવાનું પર્યાવરણવિદનુ કહેવું છે.
આ પણ વાંચો : ફરી વધ્યા કપાસિયા તેલ અને સિંગતેલના ભાવ, આ છે આજની લેટેસ્ટ પ્રાઈઝ
વડોદરા પાલિકા, ફોરેસ્ટ વિભાગ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સયુંક્ત રીતે વિશ્વામિત્રી નદીના પટની સાફ સફાઈ શરૂ કરાઈ છે. પહેલા તબક્કામાં ભીમનાથ બ્રિજથી લઈ કાલાઘોડા સર્કલ સુધી વિશ્વામિત્રી નદીના પટની સફાઈ શરૂ કરાઈ છે. જેના કારણે 120 જેટલા મગરોના જીવન પર અસર થઈ છે. પાલિકા દ્વારા હિટાચી મશીનથી નદીના પટની સફાઈ શરૂ કરતા મગરોના તાજા જન્મેલા બચ્ચા અને તેમના ઘરને ભારે નુકશાન પહોચ્યું છે.
આ પણ વાંચો : કૂવામાં નાંખેલો રોટલો જે દિશામાં જાય તેવો વરસાદ પડે, ગુજરાતના નાનકડા ગામની અનોખી પરંપરા
વડોદરાના પર્યાવરણ વિદ અને મગરોના જાણકાર સંજય સોની કહે છે કે, મગરોના ઈંડા આપવાનો સમય એપ્રિલથી જૂન મહિના સુધીનો હોય છે. અત્યારે વિશ્વામિત્રી નદીની સાફ સફાઈથી મગરોના તાજા જન્મેલા બચ્ચાને નુકશાન થઈ રહ્યું છે. જેથી અમે પાલિકા, ફોરેસ્ટ, જીપીસીબીને કામ રોકવા લિગલ નોટિસ આપીશું. સાથે જ એનજીટી અને સુપ્રિમ કોર્ટમાં પણ જઈશું. પાલિકાએ આ કામ ચોમાસા બાદ કરવું જોઈએ.
આ પણ વાંચો : લો બોલો, કોંગ્રેસના નેતાની પત્ની પણ હવે તેમનું માનતી નથી! દિગ્ગજ નેતાએ કહ્યું, મારી પત્ની મારા કહ્યાંમાં નથી...!
આ મામલે મેયર કેયુર રોકડીયાએ કહ્યું કે, પાલિકાએ ફોરેસ્ટ વિભાગને સાથે રાખી જ કામગીરી શરૂ કરી છે. અનેક વર્ષોથી નદીમાં સફાઈ ના થવાથી અસંખ્ય ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યાં છે, જેને દૂર કરવા જરૂરી છે. કેમ કે ઝાડી ઝાંખરાના અવરોધોના કારણે પાણી આગળ વહેતું નથી. સાથે જ મેયરે વિશ્વામિત્રી નદીની સફાઈમાં આવા લોકો પર અવરોધ ઊભો કરવાનો આરોપ લગાવ્યો છે.
મહત્વની વાત છે કે, વિશ્વામિત્રી નદીની સફાઈ વર્ષોથી નથી થઈ, એટલે સફાઈ કરવી ખૂબ જરૂરી છે. જેથી ચોમાસામાં પૂરની સ્થિતિ ઉદભવે નહિ. બીજી તરફ મગરોની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે, ત્યારે પાલિકાએ મગરોની સુરક્ષાને ધ્યાને રાખી નદીની સફાઈ કરવાની આવશ્યકતા છે.