રવિ અગ્રવાલ/વડોદરા :ચૂંટણી આવતા જ નિષ્ક્રીય થયેલા અને ગાયબ થયેલા નેતાઓ અચાનક આક્રમક મોડમાં આવી જતા હોય છે. ત્યારે દબંગ નેતાની છાપ ધરાવતા વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું વિધાનસભા ચૂંટણી પહેલાં મોટું નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહ્યું કે, હું વિધાનસભા ચૂંટણી લડીશ, ભાજપ મને જ ટિકિટ આપશે. વિધાનસભામાં મારા કરતાં કોઈ સક્ષમ ઉમેદવાર નથી. તેમજ દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની છેલ્લી વખત ટિકિટ આપવા સરકાર પાસે આજીજી કરી છે. આ પોતાની છેલ્લી ચૂંટણી હોવાનો વાઘોડિયાના ભાજપના ધારાસભ્યએ દાવો કર્યો છે. 


ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પક્ષને પડકાર ફેંકતા કહ્યું કે, 30 વર્ષમાં એક પણ ભ્રષ્ટાચારનો આરોપ નથી લાગ્યો, કોઈ મા-બહેનની છેડતી નથી થઈ. મારા પરિવારમાંથી કોઈ ચૂંટણી નહિ લડે, મારો પુત્ર અને પુત્રી મારા માટે જ ટિકિટ માંગશે. હું અગાઉ અપક્ષ ધારાસભ્ય તરીકે જીતી આવ્યો હતો પછી ભાજપમાં જોડાયો. મને, કેતન ઈનામદાર અને જેઠા ભરવાડને ભાજપ ટિકિટ આપશે અને અમે ફરી જીતીને આવીશું. મારી, કેતનની અને જેઠાભાઈની બ્રહ્મા-વિષ્ણુ-મહેશ જેવી જોડી છે. આ મારી છેલ્લી ચૂંટણી, બાદમાં ચૂંટણી નહિ લડું. આ વખતે વિધાનસભા ચૂંટણી 35 થી 40 હજાર મતથી જીતીશ.