ઓક્સિજન માસ્ક મોઢે ડૂમો દઈને વોર્ડબોયે મહિલા દર્દી સાથે આચર્યું દુષ્કર્મ, માનવતા શર્મસાર કરતી ઘટના
- રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી
- 55 વર્ષીય મહિલા પર વોર્ડબોય કમ અટેન્ડન્સ PPE કીટ પહેરીને દુષ્કર્મ આચરવાની ઘટના પ્રકાશમાં આવી
- ભોગ બનનાર મહિલાને કોઇ ને વાત કરીશ તો ઇન્જેક્શન આપી ખતમ કરી દેવાશે તેવી તેણે ધમકી આપી હતી
ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. સિવિલના કોવિડ હોસ્પિટલમાં મહિલા દર્દી પર વોર્ડબોયે દુષ્કર્મ આચર્યું છે. 55 વર્ષીય મહિલા પર વોર્ડબોય કમ અટેન્ડન્સ PPE કીટ પહેરીને દુષ્કર્મ આચરવાની ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે પ્રદ્યુમનનગર પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. સાથે જ વોર્ડબોય હિતેશ વિનુભાઈ ઝાલાની અટકાયત કરવામાં આવી છે.
રાજનગર પાસે આવેલા આવાસમાં રહેતા 55 વર્ષીય વૃદ્ધાની બુધવારે તબિયત બગડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. વૃદ્ધાનું ઓક્સિજન લેવલ સાવ ઓછું થઇ ગયું હતું. તેથી તેમને કોવિડ સેન્ટરના ચોથા માળે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવતા તેમને અન્ય વોર્ડમાં શિફ્ટ કરાયા હતા. ભોગ બનનાર મહિલાનો કોરોના રિપોર્ટ નેગેટિવ હતો પણ તેમનામાં કોરોનાના લક્ષણો જણાતા હોવાથી તેમને અન્ય વોર્ડમાં શિફ્ટ કરાયા હતા. ત્યારે આ વોર્ડમાં કામ કરતો વોર્ડબોય હિતેશ ઝાલા તેમની પાસે આવ્યો હતો.
આ પણ વાંચો : અમદાવાદમાં ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા કેલિકટથી આવી 30 તબીબોની ટીમ
બદઈરાદા સાથે આવેલ હિતેશે પહેલા તો મહિલાનું માથુ દબાવી આપવાનું બહાનુ કર્યું હતું. થોડી વાર બાદ એટેન્ડન્ટે માથું દબાવવાની સાથે શારીરિક અડપલાં શરૂ કર્યા હતા. વૃદ્ધાની તબિયત સારી ન હોવાને કારણે તેઓ કોઇ પ્રતિકાર કરી શક્યા ન હતા. ભોગ બનનાર મહિલાને કોઇ ને વાત કરીશ તો ઇન્જેક્શન આપી ખતમ કરી દેવાશે તેવી તેણે ધમકી આપી હતી. વોર્ડની બધી લાઈટો બંધ કરી તેણે મહિલા સાથે આ ક્રૂત્ય કર્યુ હતું. સાથે જ ભોગ બનનાર બૂમો ન પાડે તેથી ઓક્સિજનના માસ્કથી મોંઢે ડૂમો દઈ દીધો હતો.
આ પણ વાંચો : રેમડેસિવિરની કાળાબજારી કરતા બે તબીબોને કોર્ટે એવી સજા આપી કે આખી જિંદગી યાદ રાખશે
આ કૃત્ય બાદ મહિલા બહુ જ ડરી ગયા હતા. તેથી તેમણે તાત્કાલિક પોતાના પરિવારજનોને વાત કરી હતી. પરિવારે ઘટનાની જાણ થતા જ પોલીસને બોલાવી હતી. ગંભીર ઘટનાને પગલે હોસ્પિટલના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ પણ કોવિડ સેન્ટરમાં દોડી ગયા હતા. પોલીસે તે વોર્ડમાં જેટલા ફરજ બજાવતા હતા તે તમામ કર્મચારીઓની યાદી મેળવી હતી. જેમાંથી મહિલાએ હિતેશ ઝાલાને ઓળખી બતાવ્યો હતો.
આખરે વૃદ્ધાના આક્ષેપ બાદ પ્રદ્યુમ્નનગર પોલીસે વૃદ્ધાની ફરિયાદ પરથી એટેન્ડન્ટ હિતેશ ઝાલા સામે દુષ્કર્મનો ગુનો નોંધ્યો છે.