ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને મોટા ફટકા પડી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા અને ગુલાબસિંહ ચૌહાણને લઈને અનેક વાતો શરૂ થઈ છે. પરંતુ હવે આ સમગ્ર મામલે બન્ને નેતાઓએ ટ્વિટર પર ખુલાસો કરતાં પાર્ટી છોડવાનો છેદ ઉડી ગયો છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુલાબસિંહ ચૌહાણની સ્પષ્ટતા
લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસમાંથી રાજીનામું આપશે એવી અટકળો વહેતી થયા બાદ તેઓ સોશિયલ મીડિયા પર આ વાતનો ખુલાસો કર્યો છે. તેમણે ટ્વિટર પર જણાવ્યું હતું કે, મારી સાથે કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા મારી ભાજપમાં જોડાવાની વાત થઈ રહી છે. જે તદ્દન ખોટી છે અને હું કોંગ્રેસ પક્ષનો ધારાસભ્ય છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું. માટે આવી અફવા ન ફેલાવવી. ભાજપમાં જોડાવાની વાત પાયા વિહોણી હોવાની સ્પષ્ટતા કરી હતી. 



અર્જુન મોઢવાડિયાનો ખુલાસો
અર્જુન મોઢવાડિયાએ પણ અનેક અટકળો બાદ જણાવ્યું હતું કે, ઘણી ચેનલો દ્વારા મારા ભાજપમાં જોડાયા હોવાની વાતો કરવામાં આવી રહી છે. જેનો કોઈ આધાર નથી. હું કોંગ્રેસમાં જ છું. આમ મોંઢવાડિયાએ રાજીનામા વાળી વાતનું ખંડન કર્યું છે અને આ વાતને આફવા ગણાવી છે.


નોંધનીય છે કે, કોંગ્રેસમાં આ બે નેતાએ પોતાની વાત પર પૂર્ણવિરામ મુકી દીધી છે. પરંતુ વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા હવે રાજીનામુ આપવા જઈ રહ્યાં હોવાની વાત જાગી છે. હવે તેઓ આગામી સમયમાં ભાજપમાં વિધિવત રીતે જોડાશે, તેવી ચર્ચા ચાલી રહી છે.