અમદાવાદમાં `DefExpo 2022` નિહાળવા માર્ગદર્શિકા જાહેર, અહીંથી ઉપલબ્ધ થશે ફ્રી ઇ ટીકીટ
Def-Expo 2022ના વિવિધ કાર્યક્રમનો લ્હાવો લેવા મુલાકાતીઓને ઈ-ટિકિટ દ્વારા એન્ટ્રી આપવામાં આવશે સાથે જ ઇ-ટિકિટમાં ઉલ્લેખિત તારીખ અને સમય પર જ મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે.
અમદાવાદ: કેન્દ્રીય રક્ષા મંત્રાલય દ્વારા યોજાનાર DefExpo 2022 અંતર્ગત ગાંધીનગર અને અમદાવાદ ખાતે 18 થી 22 ઓક્ટોબર 2022 દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપો અંતર્ગત સાબરમતી રિવર ફ્રન્ટના પૂર્વ કાંઠે જાહેર જનતા માટે પ્રદર્શન જોવા જરૂરી સૂચનાઓ જાહેર કરાઈ છે.
Def-Expo 2022ના વિવિધ કાર્યક્રમનો લ્હાવો લેવા મુલાકાતીઓને ઈ-ટિકિટ દ્વારા એન્ટ્રી આપવામાં આવશે સાથે જ ઇ-ટિકિટમાં ઉલ્લેખિત તારીખ અને સમય પર જ મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે. આ ઇ-ટીકીટ eventreg.in/registration/visitor વેબસાઇટ પર વિનામૂલ્યે ઉપલબ્ધ થશે.
મુલાકાતીઓએ પ્રદર્શન સ્થળના પ્રવેશ દ્વાર પર પ્રવેશ કરતા પહેલા QR કોડ/બાર કોડ સ્કેન કરવાનો રહેશે અને સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખકાર્ડ દા.ત. આધાર કાર્ડ/ડ્રાઈવિંગ લાયસન્સ/મતદાર આઈડી/પાન કાર્ડ વગેરે રજૂ કરવાના રહેશે. પ્રદર્શન દરમિયાન કોવિડના નિયમોનું પણ ચુસ્તપણે પાલન કરવામાં આવશે. જેમાં મુલાકાતીઓને કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. પ્રદર્શન સ્થળે મુલાકાતીઓનું થર્મલ સ્ક્રીનીંગ પણ કરવામાં આવશે.
પ્રદર્શન સ્થળ પર પીવાના પાણી, શૌચાલય, મોબાઇલ ચાર્જીંગ પોઇન્ટ, હેલ્પ ડેસ્ક, વગેરે સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. મુલાકાતીઓ કોઈપણ ખાદ્યપદાર્થો/હેન્ડ બેગ, છૂટક વસ્તુ જેવી કે કાગળ, પ્લાસ્ટિક, પોલીબેગ વગેરે લઇ જઇ શકશે નહીં.
પ્રદર્શનની મુલાકાતે વાહન લઈને આવતા મુલાકાતીઓને નિર્ધારિત પાર્કિંગ સાઈટ પર જ પોતાના જોખમે વાહન પાર્ક કરવાના રહેશે. પાર્કિંગની સુવિધા મર્યાદિત હોવાથી મુલાકાતીઓને આવવા-જવા માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની સલાહ પણ આપવામાં આવી છે. પ્રદર્શન સ્થળે ધૂમ્રપાન, તમાકુ ઉત્પાદનો અને દારૂ સખત પ્રતિબંધિત છે. મુલાકાતીઓને સ્વચ્છતા,શાંતિ અને સામાજિક વ્યવસ્થા જાળવવા અને સુરક્ષા કર્મચારીઓને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.
જુઓ આ પણ વીડિયો:-