હિતાર્થ પટેલ/ડાંગ :ગુજરાત રાજ્યના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં ઉનાળાની શરૂઆતથી જ પીવાના પાણીની સમસ્યા સર્જાય છે, પીવાના પાણીની સરકારી અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી હોવા છતાં વન બંધુઓને પાણી માટે રઝળપાટ કરવું પડી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના ચેરાપુંજી એવા ડાંગ જિલ્લામાં વર્ષે 100 ઇંચથી વધુ વરસાદ પડે છે. રાજ્ય સરકારે આદિવાસી બંધુઓ માટે પીવાના પાણી માટે કરોડો રૂપિયાની યોજનાઓ અમલમાં મૂકી છે, પરંતુ યોગ્ય આયોજન કે સુપરવિઝનના અભાવે યોજનાનું બાળ મરણ થાય છે, અથવા કાગળ પર જ પૂર્ણ કરી દેવાતાં સરકારનો હેતુ સિદ્ધ થતો નથી. ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના વઘઇ તાલુકામાં આવેલ આમસરવળન ગામે પાણી પુરવઠા વિભાગની વાસ્મો યોજના અંતર્ગત લાખ્ખો રૂપિયાના ખર્ચે બનેલ "નલ સે જળ" યોજના માત્ર કાગળ પર જ હોવાનું સ્થાનિકો અહેસાસ કરી રહ્યા છે. 


આ પણ વાંચો : હાર્દિકના નવાજૂનીના એંધાણ, રાહુલ ગાંધીને કારણે થઈ ગયો કોંગ્રેસથી મોહભંગ


સ્થાનિક સરલાબેન જણાવે છે કે, ડાંગ જિલ્લાના અતિ દુર્ગમ અને પહાડી વિસ્તારમાં આવેલ આમસરવળન ગામે પીવાના પાણીની સમસ્યા વર્ષોથી ચાલી આવી છે, ગત વિધાનસભાની પેટા ચૂંટણી વખતે ડાંગના ધારાસભ્ય વિજય પટેલ દ્વારા ગ્રામજનોને પાણીની સમસ્યા નિવારવા વાયદો કર્યો હતો, પરંતુ ચૂંટણી માં વિજય થયા બાદ ધારાસભ્યએ વાયદો પૂરો કરવો તો દૂર પણ તેમની સમસ્યા સાંભળવા પણ ન આવતા આ વિસ્તારના ગ્રામજનોમાં ધારાસભ્ય સામે જનાક્રોશ ફેલાઈ જવા પામ્યો છે. ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરી જણાવ્યુ હતું કે ચૂંટણી પહેલા પાણી માટે દિવા સ્વપ્ન બતાવ્યા બાદ હાલ અઠવાડિયામાં એક દિવસ જ બે થી ત્રણ કલાક પાણીનું વિતરણ કરાય છે, અને આ પાણી ઢોર ઢાંકર સાથે લોકોને ન્હાવા અને પીવા માટે પણ આજ પાણીનો ઉપયોગ કરાય છે, જે પૂરતું નથી. 


હાલ ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે લોકોએ વહેલી સવારે કે સૂર્યાસ્ત સમયે પાણી મેળવવા ગામથી એક કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાં કુદરતી ઝરોમાંથી પાણી મેળવવા જંગલની પગદંડી પરથી જંગલી પ્રાણીઓના હુમલાનો ભય કે સાપ કે વીંછીનો દંશનો ભય હોવા છતાં પાણી લઈ આવવું પડે છે. ત્યારે હવે થોડા સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર હોઈ આમસરવળન ગામના ગ્રામજનો દ્વારા પેટાચૂંટણીમાં પ્રચંડ મતોથી વિજય પામેલ ધારાસભ્યને લોકો પાણીની સમસ્યા દૂર કરવાના વાયદો ભૂલી જતા આગામી દિવસોમાં યોજાનાર વિધાનસભા 2022ની ચૂંટણીમાં મતદારો પાણી બતાવે તો નવાઈ નહિ.


આ પણ વાંચો : જતીન ચૌધરી માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ કચ્છી બન્યો, એન્જિનિયરીંગની નોકરી છોડી ટ્રેકિંગ કર્યું


હાલ તો જિલ્લામાં પાણી પુરવઠાની યોજનાઓ સદંતર ફેલ જવા પામી છે. ગામડે ગામડે નલ સે જલ યોજના દ્વારા કરોડો રૂપિયા નું સરકાર દ્વારા આંધણ કરવામાં આવ્યુ છે, પરંતુ આ યોજનાઓમાં મહાભ્રષ્ટાચારના પાપે નલ સે જલ યોજના સાર્થક ન થતા સરકારના નાણાં એળે ગયા હોવાનુ ફલિત થયુ છે. આદિવાસી વિસ્તારમાં પાણી માટે કરોડો રૂપિયા ખર્ચાયા છે, પરંતુ એ પાણીમાં જ ગયા હોવાથી પ્રજાની તરસ છીપાઇ નથી. તંત્ર દ્વારા માત્ર કાગળો ઉપર જ કામ બતાવતું હોય એમ લાગતા આજે પણ ગામના લોકોએ એક દોઢ કિલોમીટર દુરથી પાણી લાવવા મજબુર બન્યા છે. અધિકારી પદાધિકારીઓ આ આદિવાસીઓના પ્રશ્ન ઉકેલવામાં નિષ્ફળ રહેતાં ગ્રામજનોએ આવનાર વિધાનસભાની ચુંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. જ્યારે જિલ્લામાં પાણીની સમસ્યાને લઈને જ્યા પ્રજાને પાણી ન મળતુ હોય એ વિકાસનુ મોડલ રાજ્ય કેવુ કહેવાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યુ છે.