ગુજરાત સરકારની મોટી-મોટી વાતો પણ, આ ગામને 10-15 દિવસે મળે છે પીવાનું પાણી
એક તરફ સરકારની મોટીમોટી વાતો અને બીજી તરફ કાજરડી ગામ પાણી માટે તરસી રહ્યું છે. 15 દિવસે પાણી અવવાથી ગામની મહિલાઓ કુવામાંથી સીંચીને પાણી ભરે છે.
રજની કોટેચા/ઉના :ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનું 6 હજારની આસપાસ વસ્તી ધરાવતા કાજરડી ગામમાં 10 થી 15 દિવસે પીવાનું પાણી આવે છે. કેસરિયા જૂથ યોજનામાં પૂરતા પ્રમાણમાં પાણી હોવા છતાં પીવાનું પૂરતું પાણી નથી મળતું. એક તરફ સરકારની મોટીમોટી વાતો અને બીજી તરફ કાજરડી ગામ પાણી માટે તરસી રહ્યું છે. 15 દિવસે પાણી અવવાથી ગામની મહિલાઓ કુવામાંથી સીંચીને પાણી ભરે છે.
આમ તો સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ગત વર્ષે સરેરાશ 70 ઇંચ જેટલો વરસાદ થયો હતો. પરંતુ તેમાં પણ સૌથી વધુ અસરગ્રસ્ત ઉના તાલુકો હતો. ત્યારે સવાલ એ થાય છે કે, શા માટે આ મહિલાઓ કુવામાંથી પાણી સીંચે છે. ઉના તાલુકાના તમામ ડેમોમાં પાણી છે. ગામમાં નર્મદાની પાઇપ લાઈન છે. છતાં આ ગામની મહિલાઓ વહેલી સવારથી કૂવાની લાઈન લગાવીને ઉભી રહી જાય છે.
ગામના જીવાભાઈ બાંભણિયા કહે છે કે, પંચાયત દ્વારા ઘરે ઘરે નળ કનેક્શન તો આપી દેવામાં આવ્યા છે, છતાં પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. ગયા ચોમાસે વરસાદ પણ સારો પડ્યો. પણ તંત્રની બેદરકારીના હિસાબે પાણી મળતુ નથી. સરકાર એક તરફ મહિલા સશક્તિકરણ, બેટી બચાવ બેટી પઢાવ અને નારી શક્તિને ઉજાગર કરવાની વાતો કરે છે. પરંતુ ક્યાં? સરકાર ઉદ્યોગોને પૂરતા પ્રમાણમાં પાણી આપે છે અને ગામડાઓમાં નથી આપતી. શિક્ષણ મેળવવાની ઉંમરે આ ગામના ભૂલકાઓ અને બાળાઓ કુવામાંથી પાણી સીંચી રહ્યા છે. મહિલાઓ પોતાના નાના ભૂલકાંઓને તેડી પાણી ભરવા આવે છે.
તો બીજી તરફ ગ્રામ પંચાયત અને ગામના સરપંચના કહેવા મુજબ સ્થાનિક ધારાસભ્યથી લઈ પાણી પુરવઠા અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી ગામને પૂરતા પ્રમાણ અને યોગ્ય સમયે પાણી મળતું નથી. ગામની વસ્તી મુજબ પાણીની જે જરૂરિયાત છે તે પ્રમાણે મળે તો આ દ્રશ્યો ન સર્જાય. ત્યારે આ બાબતે અમે ઉના પાણી પુરવઠા બોર્ડના નાયબ અધિકારી વેલજીભાઈ નકુમ સાથે વાત કરતા તેઓએ કાજરડી ગામને દર એકાંતરે પાણી વિતરણના દાવા કરી રહ્યા છે. પરંતુ ખરા અર્થમાં આ દ્રશ્યો જોઈ લાગતું નથી કે પાણી પૂરતા પ્રમાણમાં અને યોગ્ય સમયે આવતું હોય.