તરસ્યા નહિ રહે ગીરના પ્રાણીઓ, પાણીની કુંડીઓ ભરવાનું વન વિભાગે શરૂ કર્યું
ઉનાળાની શરૂઆત થતા જ ગરમીનો પારો 38 ડિગ્રી જોવા મળી રહ્યો છે. ત્યારે વન વિભાગ દ્વારા ગીર જંગલોમાં વસતા વન્ય પ્રાણી માટે કૃત્રિમ રીતે પાણીની ખાસ સુવીધા ઉભી કરવામાં આવી છે. વન્ય પ્રાણીઓ તરસ્યા ન રહે તે માટે આ પ્રકારની વ્યવસ્થા વન વિભાગ દ્વારા દર વર્ષે કરવામાં આવતી હોય છે.
ભાવિન ત્રિવેદી/જુનાગઢ :ઉનાળાની શરૂઆત થતા જ ગરમીનો પારો 38 ડિગ્રી જોવા મળી રહ્યો છે. ત્યારે વન વિભાગ દ્વારા ગીર જંગલોમાં વસતા વન્ય પ્રાણી માટે કૃત્રિમ રીતે પાણીની ખાસ સુવીધા ઉભી કરવામાં આવી છે. વન્ય પ્રાણીઓ તરસ્યા ન રહે તે માટે આ પ્રકારની વ્યવસ્થા વન વિભાગ દ્વારા દર વર્ષે કરવામાં આવતી હોય છે.
સાસણ ગીરના જંગલમાં સિંહ, દીપડા, તૃણભક્ષી પ્રાણીની સાથે અનેક પક્ષીઓનો વસવાટ જોવા મળે છે. ત્યારે ગીર જંગલમાં કુદરતી રીતે પાણીના પોઇન્ટ ઉનાળામાં સૂકાઈ જાય છે. આવામાં સાસણ ગીર વન વિભાગ દ્વારા કુદરતી અને કૃત્રિમ રીતે વન્ય પ્રાણીને પાણી મળી રહે તે માટે ઉનાળામાં ખાસ સુવીધા ઉભી કરવામાં આવે છે. જેમાં જંગરમાં દર 2 સ્કવેર કિલોમીટરમાં એક પાણીનો પોઇન્ટ ઉભો કરવામાં આવ્યો છે. સિંહ અને વન્ય પ્રાણીને સહેલાઇથી પીવાનું પાણી મળી રહે તે માટે ગીરના જંગલમાં સોલાર તેમજ પવન ચક્કીથી પાણીની કુંડીઓ ભરવામાં આવે છે.
જંગલોમાં અનેક જગ્યા એવી જોવા મળે છે, જે કુદરતી રીતે પાણીનો પોઇન્ટ હોઈ ત્યાં પવન ચક્કીથી સતત પાણી મળતું રહે છે. તો અનેક એવા પોઇન્ટ છે, જ્યાં સોલાર અથવા પવન ચક્કી નથી ત્યાં ટેન્કરથી પાણી ભરવામાં આવે છે. રકાબી ટાઈપના પાણીના પોઇન્ટ પાસે સોલ્ટ ઈન્ટ પણ મૂકવામાં આવે છે. જેમાં જે પ્રાણીને સોલ્ટની જરૂર તે પ્રમાણે પીવાના પાણી સાથે ઉપયોગ કરી શકે. ઉનાળાની ગરમીને ધ્યાને રાખીને ગીરમાં વસતા તમામ વન્ય પ્રાણી માટે ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે.
આ વિશે સાસણ ગીરના DFO મોહન રામ જણાવે છે કે, સાસણ ગીર સેન્ચ્યુરીમાં ઉનાળામાં પણ પ્રવાસીઓ ખુબ મોટી માત્રામાં આવતા હોય છે. દૂર દૂરથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ સિંહ દર્શન કરવા ગીર જંગલમાં આવે છે અને જંગલનો કુદરતી નજારો માણે છે. ત્યારે ઉનાળામાં વન્ય પ્રાણી માટે પીવાના પાણી માટે જે સુવિધા ઉભી કરવામાં આવી છે તેને પ્રવાસીઓ પણ બિરદાવી રહ્યા છે.
ગીરના જંગલનો વ્યાપ દિવસે દિવસે વધતો જાય છે. ત્યારે 2200 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં આખુ જંગલ ફેલાયેલું છે. ત્યારે ઉનાળાની ઋતુમાં વન્ય પ્રાણીને પીવાનું પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે ચોમાસુ ના બેસે ત્યાં સુધી વન્ય પ્રાણી માટે પાણીની ખાસ તકેદારી રાખવામાં આવે છે.