ઘરે પાણી પહોંચાડવાના દાવા માત્ર કાગળ પર! ગુજરાતમાં અહીં મહિલાઓ 2-2 કિમી સુધી ચાલી પાણી ભરવા મજબૂર
સરકાર દ્વારા ઘરે-ઘરે પાણી પહોંચાડવાની જાહેરાતો અનેકવાર કરવામાં આવી છે. સરકાર કહે પણ છે કે ગુજરાતમાં પાણીની કોઈ સમસ્યા નથી. પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં સ્થિતિ અલગ છે. અહીં તુરખેડા ગામની મહિલાઓ કિલોમીટરો સુધી ચાલીને પાણી ભરવા મજબૂર છે.
હકીમ ઘડિયાળી, છોટાઉદેપુરઃ દેશભરમાં ચૂંટણીનો માહોલ છે.. ચૂંટણીમાં વાયદાઓ અને સરકારે કરેલા કામોના દાવા સાથે મત માગવામાં આવી રહ્યા છે.. પરંતુ, ગુજરાતની વાસ્તવિકતા એવી છેકે, રાજ્યમાં હજુ એવા પણ દ્રશ્યો સામે આવે છે જેની હકીકત જાણીને તમારી આંખો પહોળી થઈ જશે.. ઘરે ઘરે પાણી પહોંચાડવાના દાવા વચ્ચે હજુ પણ એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં મહિલાઓ 2-2 કિલોમીટર સુધી ચાલીને પાણી ભરવા માટે મજબૂર છે..
પાણી માટે ડુંગરાઓ ખુંદતી આ મહિલાઓના દ્રશ્યો છોટાઉદેપુર જિલ્લાના છે.. છોટાઉદેપુરના તુરખેડા ગામની મહિલાઓ માટે પીવાનું પાણી મેળવવું યુદ્ધ જીતવા સમાન છે.. તુરખેડા ગામમાં વસવાટ કરતા લોકોની કમનસીબી એ છેકે, ગામની નજીક જ નર્મદા નદી વહે છે પરંતુ, આ લોકો માટે એ નર્મદા નદીનું પાણી હજુ પણ ઘર સુધી નથી પહોંચ્યું..
ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશની સરહદે આવેલું આ ગામ છે.. તુરખેડા ગામમાંથી નર્મદા નદી વહે છે.. પરંતુ, આ ગામની ભૌગૌલિક પરિસ્થિતિ થોડી વિપરિત છે. તુરખેડા ગામ ખીણમાં વસે છે. ખીણની નાની ટેકરીઓ પર ઝૂપડા બનાવીને આદિવાસી પરિવાર વસવાટ કરે છે. આદિવાસી પરિવારની મહિલાઓને બે બેડાં પાણી માટે બારેમાસ નદીએ જવું પડે છે. 2 કિલોમીટર સુધી ધમધોખતાં તાપમાં ચાલ્યા બાદ પીવાનું પાણી મળે છે.
આ પણ વાંચોઃ ભૂપત ભાયાણીને વિવાદિત નિવેદન પડશે ભારે! કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલાયો રિપોર્ટ
વરવી વાસ્તવિકતા એ છેકે, મહિલાઓ આવી રીતે દિવસમાં બેથી ત્રણ વખત પાણી ભરવા જાય છે અને ઢોર અને પોતાના પરિવારના સભ્યોને પાણી પીવડાવે છે. ગામના લોકોએ કોતરમાં એક નાનો કૂવો પણ ખોદ્યો છે પરંતુ, આ કૂવો માત્ર દસ ફૂટ ઊંડો છે એટલા માટે થોડા દિવસ જ પાણી મળે છે..
તુરખેડા ગામમાં 7 ફળિયા છે જેમાં 2 ફળિયા ડુંગર પર વસેલા છે જ્યારે 5 ફળિયા ખીણમાં વસેલા છે.. ખીણમાં વસતા ગ્રામજનો માટે નદી સિવાય બીજો કોઈ પણ પાણીનો સ્ત્રોત નથી.. લગ્ન પ્રસંગ હોય ત્યારે ગામની મહિલાઓ એક અઠવાડિયા અગાઉ નદીમાંથી પાણીનો સંગ્રહ કરવાનું શરૂ કરે છે.. 2 હજારની વસ્તી ધરાવતા તુરખેડાના આ 5 ફળિયામાં રહેતા લોકો માટે આજદીન સુધી તંત્ર દ્વારા પાણીનો કોઈ સ્ત્રોત ઊભો કરવામાં નથી આવ્યો.. ગુજરાતની વરવી વાસ્તવિકતા એ છેકે, આ દ્રશ્યો વિકાસના મોડલની વરવી વાસ્તવિકતા દેખાડે છે.