કરજણ ડેમમાંથી પાણી છોડાતા 12 ખેડૂતો ફસાયા, NDRF બચાવ કામગીરીમાં જોડાઈ
Narmada Heavy Rain : નર્મદામાં ભારે વરસાદ વચ્ચે ઇતિહાસમાં પહેલી વાર કરજણ ડેમના 9 દરવાજા ખોલાયા, 2 લાખ 10 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, નર્મદાના 8 અને ભરૂચનાં 12 ગામ હાઇ એલર્ટ
જયેશ દોશી/નર્મદા :આગામી ત્રણ કલાક ગુજરાત માટે ભારે છે. ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. સુરત, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. ત્યારે આ વચ્ચે નર્મદા નદી ઘાતક બની રહી છે. કરજણ ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં સમાયા છે, જેથી એલર્ટ આપવામા આવ્યુ છે. આ વચ્ચે કરજણ ડેમમાંથી અચાનક પાણી છોડવામાં આવતા સ્મશાન પાસે ખેતરમાં 12 વ્યક્તિ ફસાયા હતા. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ બચાવ કામગીરીમાં લાગી છે. જેમાંથી 4 લોકોને બચાવાયા છે, બાકીના લોકોને બચાવવાની કામગીરી ચાલુ છે.
ડેડીયાપાડા અને સાગબારામાં 8 કલાકમાં 8 ઇંચ વરસાદ નર્મદા નદીનુ જળ સ્તર વધી રહ્યુ છે. 8 ઇંચ વરસાદ પડતાં કરજણ ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિમાં આવી ગયો છે. જેથી ઇતિહાસમાં પ્રથમવાર ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે. 9 દરવાજામાંથી 2 લાખ 10 હજાર ક્યુસેક પાણી અત્યાર સુધી છોડવામાં આવ્યું છે. પાણી છોડવાથી નર્મદાના 8 અને ભરૂચના 12 ગામો હાઇએલર્ટ પર મૂકાયા છે. પાણી છોડાતા સ્મશાન પાસે ખેતરમાં 12 વ્યક્તિ ફસાયા હતા. હાલ 4 લોકોને બચાવી લેવામાં આવ્યા છે 8 લોકોને બચાવવાની કામગીરી ચાલુ છે. આ ઘટનાને પગલે જિલ્લા કલેક્ટર નર્મદા અને એસપી નર્મદા સ્થળ પર પહોંચ્યા છે.
રાજપીપળા નજીક આવેલ કરજણ ડેમમાં 2,86,125 ક્યુસેક પાણીની આવક થતા ડેમના 9 દરવાજા ખોલવાની ફરજ પડી છે. ડેમમાંથી પાણી છોડાતા કરજણ નદી કાંઠાના રાજપીપળા શહેર, ભદામ, ભચરવાળા, હજરપરા, ધાનપોર અને ધમાણાચા સહિતના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.