હવે સરકાર સોમવારે છોડશે ફતેહવાડી કેનાલમાં પાણી
છેક છેલ્લી ઘડીએ ફતેહવાડી કેનાલમાં પાણી છોડવાનો કાર્યક્રમ બદલાયો, વાસણા બેરેજ ખાતે પુરતું લેવલ ન હોવાને કારણે સરકારે નિર્ણય બદલ્યો
અર્પણ કાયદાવાલા/અમદાવાદઃ અમદાવાદ જિલ્લામાં ચાલુ વર્ષે હજુ સુધી વરસાદ પડ્યો જ નથી. જેના કારણે પાણી વગર જિલ્લાના ખેડૂતો વલખાં મારી રહ્યા છે. ખેતરમાં તેમણે વાવણી તો કરી નાખી પરંતુ વરસાદ ન આવતાં બિયારણ સુકાઈ જવાનો વારો આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રીએ વિધાનસભામાં અમદાવાદ જિલ્લાના ખેડૂતો માટે ફતેહવાડી કેનાલમાં તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવશે એવી જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી પાણી છોડવામાં આવ્યું નથી.
હવે છેક છેલ્લી ઘડીઓ ફરીથી નિર્ણય બદલવામાં આવ્યો છે અને ફતેહવાડી કેનાલમાં સોમવારે પાણી છોડવામાં આવશે એવું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. જેનું કારણ સરકારે એવું જણાવ્યું છે કે, વાસણા બેરેજ ખાતે પુરતું લેવલ નથી, ફતેહવાડી કેનાલમાં પાણી આપવા માટે હજુ વધુ લેવલની જરૂર છે.
નર્મદા પાણી રાજકારણઃ નર્મદા મુદ્દે સમજી-વિચારીને ટિપ્પણી કરવી જોઈએ- નીતિન પટેલ
હાલમાં ઉપરવાસ માંથી ફક્ત 485 ક્યુસેક પાણીની જ આવક છે. સાબરમતી નદીમાં હજુ વધુ 2 ફૂટ પાણીના લેવલ બાદ ફતેહવાડી કેનાલમાં પાણી છોડવામાં આવશે. આ અંગે સાણંદના ધારાસભ્ય કનુ પટેલે જણાવ્યું કે, છેવાડાના ગામડાઓ સુધી પાણી પહોંચાડવા માટે આ નિર્મય બદલવામાં આવ્યો છે. આ સાથે જ વધુ પાણી છોડવા માટે પણ સરકારમાં રજૂઆત કરવામાં આવશે.
છેલ્લા કેટલાક દિવસથી ફતેહવાડી કેનાલમાં પાણી છોડવાની વાતો થઈ રહી છે, પરંતુ છોડવામાં ન આવતાં અમદાવાદ જિલ્લાના ખેડૂતોમાં પણ નિરાશા વ્યાપી ગઈ છે. હવે સરકારે સોમવારે પાણી છોડવાની જાહેરાત તો કરી છે પણ છોડવામાં આવશે કે નહીં તેના અંગે ખેડૂતો ચિંતિત છે.
જૂઓ LIVE TV....