આગામી 6 મહિનામાં અમદાવાદના રોડ પર 50 ઈલેક્ટ્રીક બસ દોડશે: વિજય નહેરા
બ્રીટીશ હાઈકમિશનની આ ફ્લેગશીપ ફોરેન એન્ડ સિક્યોરિટી પોલિસી કોન્ફરન્સ સૌ પ્રથમવાર અમદાવાદમાં યોજાઈ હતી
અમદાવાદ : 'ધ યંગ થીન્કર્સ' કોન્ફરન્સ (YTC) માં આજે નિષ્ણાંતો અને યુવા વિચારકોએ એક મંચ પર એકત્ર થઈને સ્માર્ટ સીટીઝ, લીવેબલ સીટીઝ, ક્લિન ટેક, જાતિય સમાનતા અને રાજકારણમાં યુવાનો જેવા વિષયો ઉપર વિચારો વ્યક્ત કર્યા હતા. બ્રીટીશ હાઈકમિશનની આ ફ્લેગશીપ ફોરેન એન્ડ સિક્યોરિટી પોલિસી કોન્ફરન્સ સૌ પ્રથમવાર અમદાવાદમાં યોજાઈ હતી અને એમાં શહેરના પ્રગતિશીલ વિચારકો એકત્ર થયા હતા.
જે ત્રણ વિષયો પર વ્યાપક ચર્ચા થઈ હતી તેમાં ‘Making Smart & Sustainable Cities & Future of Clean-Tech in Cities’, ‘Creating a Gender Equal Society’ અને ‘Youth Voices in Politics’ નો સમાવેશ થાય છે. થીંન્કર્સ કોન્ફરન્સ દિલ્હીનો સુસ્થાપિત સમારંભ છે અને ત્યાં છેલ્લા 6 વર્ષથી યોજાઈ રહ્યો છે. ચંદીગઢમાં તેની ગયા વર્ષે શરૂઆત કરવામાં આવી હતી અને અમદાવાદમાં 2018માં તેનો પ્રારંભ થયો છે.
સ્માર્ટ અને પર્યાવરણલક્ષી શહેરો અંગે બોલતાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ જણાવ્યું કે મારા મતે સ્માર્ટ સીટીની શરૂઆત પર્યાવરણ, આધુનિક પોસાય તેવી અને ટકાઉ ટેકનોલોજીથી થાય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે અમે આગામી 6 માસમાં અમદાવાદના માર્ગો પર 50 ઈલેક્ટ્રીક બસ મૂકી રહ્યા છીએ અને તા.2 ઓક્ટોબર, 2019 સુધીમાં અમદાવાદને સૌથી સ્વચ્છ શહેર બનાવીને મહાત્મા ગાંધીના 150મા જન્મ દિવસે અંજલિ આપીશું.
જાતિય સમાનતા અંગેની પેનલમાં યુનિસેફ ગુજરાત ફીલ્ડ ઓફિસના ચીફ ડો. લક્ષ્મી ભવાનીએ કહ્યું કે છોકરાઓ અને છોકરીઓ માટે જાતિય સમાનતા એક બીબાઢાળ બાબત બની ગઈ છે અને આ ધોરણોમાંથી બહાર નિકળવા માટે માતા-પિતાને શિક્ષિત કરવાની અને છોકરાઓ તથા છોકરીઓ સાથે સમાન વર્તન કરવા માટે પ્રોત્સાહિત કરવાની જરૂર છે.
આ સમારંભમાં વિજય નહેરા (આઈએએસ, મ્યુનિસિપલ કમિશ્નર, અમદાવાદ મ્યનિસિપલ કોર્પોરેશન), અંકિત જૈન (લ્યૂમ સોલારના સ્થાપક), શેલી ભાસીન (બ્રીટીશ હાઈકમિશન, નવી દિલ્હી), ડો. લક્ષ્મી ભવાની (ચીફ, યુનિસેફ, ગુજરાત ફીલ્ડ ઓફિસ), સેબા જ્યોર્જ (સહરવારૂના સ્થાપક), કાનન ધ્રુવ (લૉ ટુન્સની સ્થાપક), હર્ષ સંઘવી (ગુજરાતના ધારાસભ્ય), શ્વેતા બ્રહ્મભટ્ટ (યુવાન રાજકારણી), રતી મહેતા (મહારાજા સયાજીરાવ યુનિ.ના વિદ્યાર્થી રાજકારણી), મુદીતા વિદ્રોહી (સામાજીક કાર્યકર) અને સોફિયા નાયક- લ્યૂક (બ્રીટીશ હાઈકમિશન દિલ્હી) એ ભાગ લીધો હતો.
ગુજરાત અને રાજસ્થાનના બ્રીટીશ ડેપ્યુટી હાઈકમિશ્નર જ્યોફ વેઈને જણાવ્યું હતું કે "યંગ થીન્કર્સ કોન્ફરન્સમાં અમે હંમેશા જે તે ક્ષેત્રના ઉત્તમ વક્તાઓ અને નિષ્ણાંતોને આમંત્રિત કરીને વર્તમાન મુદ્દાઓ ઉપર ચર્ચા કરતાં હોઈએ છીએ. અમદાવાદમાં જ્યારે આ કોન્ફરન્સ સૌ પ્રથમવાર યોજાઈ રહી છે ત્યારે આ શહેરમાં તેને મળેલા અભૂતપૂર્વ પ્રતિભાવથી હું ખરેખર ખુશ થયો છું."આ કોન્ફરન્સ યુવા વર્ગ અને હાલમાં વિશ્વમાં આકાર લઈ રહેલા વિવિધ મુદ્દાઓની ચર્ચા માટે આતુર નિષ્ણાંતો અને યુવાનોને પ્રોત્સાહિત કરવાનો બ્રીટીશ હાઈકમિશનનો આ પ્રયાસ છે.