રાજનીતિમાં ન સંકળાયેલા લોકો વિશે કંઈ બોલવાની જરૂર નથીઃ પ્રહલાદ મોદી
રાજબબ્બર દ્વારા એક ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીના માતાનો ઉલ્લેખ કરાતા પીએમના ભાઈ પ્રહલાદ મોદીએ આપ્યો જવાબ
અમદાવાદઃ શુક્રવારે મધ્યપ્રદેશના ઈન્દોર દરમિયાન એક રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. જેમાં તેમણે દેશમાં ગગડી રહેલા રૂપિયા બાબતે તેમની માતાનું નામ લઈને કટાક્ષ કર્યો હતો. જેના કારણે રાજકારણમાં એક નવા વિવાદે જન્મ લીધો હતો. આ અંગે ઝી24 કલાક દ્વારા પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેમણે રાજબબ્બરની ટિપ્પણીની ટીકા કરતાં ઝી24 કલાકને જણાવ્યું કે, તેમના માતા અને તેમનો પરિવાર રાજનીતિમાં ક્યાંય સંકળાયેલો નથી. આથી તેમના વિશે કોઈએ પણ જાહેરમાં બોલવું ન જોઈએ.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના નેતા રાજ બબ્બરે ઈન્દોરમાં ગુરુવારે એક રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે વિવાદાસ્પદ નિવેદનમાં કહ્યું હતું કે, 'જ્યારે તેઓ (પીએમ મોદી) કહેતા હતા કે ડોલર સામે રૂપિયો કેટલો ગગડ્યો, તેઓ તે સમયના પીએમની ઉંમર બતાવીને કહેતા હતાં કે તેમની ઉમર સમીપ જઈ રહ્યો છે. પહેલાં તો રૂપિયો વડાપ્રધાનની ઉંમરથી પણ નીચે ગગડ્યો અને હવે તો વડાપ્રધાનનાં પૂજનીય માતાજીની ઉંમરથી પણ નીચે ગગડી ગયો છે.'
અયોધ્યામાં ભગવાન રામના મંદિર નિર્માણ મુદ્દે ભાજપની નીયત પર સવાલ ઉઠાવતા વરિષ્ઠ નેતા રાજ બબ્બરે ગુરુવારે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, ચૂંટણી આવતાં જ ભાજપ તેના નામ પર મતદારોને ઠગવાની કોશિશ શરૂ કરી દે છે. અભિનેતામાંથી નેતા બનેલા રાજ બબ્બરે કહ્યું કે "ભાજપે ભગવાન રામને ક્યારેય આસ્થાની નજરે જોયા નથી. જ્યારે ક્યાંય પણ ચૂંટણી હોય છે ત્યારે ભાજપ રામ નામનો કટોરો લઈને ફરવાનું શરૂ કરી દે છે."
મધ્ય પ્રદેશમાં 28 નવેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને સત્તારૂઢ ભાજપની હાલની સભાઓમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતાં. જેના પર પલટવાર કરતા રાજ બબ્બરે કહ્યું કે, જે વ્યક્તિ મંદિર છોડીને રાજકારણમાં આવ્યો છે, તેના અંગે શું કહી શકાય. આદિત્યનાથને પૂછવું જોઈએ કે શું તેઓ પોતાના ભગવા વસ્ત્રોની ગરિમા જાળવે છે?
રૂપાણીએ નિવેદનને વખોડ્યું
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતા રાજ બબ્બર દ્વારા પીએમ મોદીના માતા અંગે અપાયેલા નિવેદનને વખોડી કાઢવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે આ નિવેદન એ નીચ માનસિકતાનું પ્રદર્શન છે. ડોલર સાથે પીએમના માતાની ઉંમરની સરખામણીના નિવેદનની ટીકા કરું છું. રાજ બબ્બરે પીએમની માફી માગવી જોઈએ.